ચૂંટણી પ્રક્રિયાને પડકાર, આજે પણ સુનાવણી યોજાશે
સ્થાપિત નિયમોનું ઉલ્લંઘન કરીને ૧૫૫થી વધુ ક્રિકેટ ક્લબોનો મતદાર યાદીમાં સમાવેશ કરાયાનો આરોપઃ અનેક નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે
મુંબઈ - મુંબઈ ક્રિકેટ એસોસિએશનની ૧૨મી નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં મતદાર યાદીની કાયદેસરતાને પડકારાતાં બોમ્બે હાઈકોર્ટે આખરી મતદાર યાદી પ્રગટ કરવામાં ઉતાવળ નહિ કરવાનો નિર્દેશ આપ્યો છે.
એમસીએના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય શ્રીપાદ હલબે અને અન્ય સભ્યોએ ચૂંટણી પ્રક્રિયાને પડકાર્યા બાદ વિવાદ બોમ્બે હાઈકોર્ટમાં પહોંચી ગયો છે. અરજદારોએ આરોપ લગાવ્યો હતો કે સ્થાપિત નિયમોનું ઉલ્લંઘન કરીને ૧૫૫થી વધુ ક્રિકેટ ક્લબોને મતદાર યાદીમાં ઉમેરવામાં આવી છે.
મંગળવારે ન્યાયાધીશ રિયાઝ ચાગલા અને ફરહાન દુબાશ સમક્ષ સુનાવણી દરમિયાન, કોર્ટે એમસીએ ચૂંટણી અધિકારીને લાયક ઉમેદવારોની અંતિમ યાદી પ્રકાશિત કરવામાં ઉતાવળ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. અદાલતે પણ આદેશ આપ્યો કે વર્તમાન પરિસ્થિતિ આગામી આદેશ સુધી જાળવી રાખવામાં આવે.આ મુદ્દે આવતીકાલે પણ સુનાવણી જારી રહેવાની છે.
અરજદારોના મતે, ચૂંટણી અધિકારીએ કોઈપણ સમજૂતી આપ્યા વિના તેમના વાંધાઓને નકારી કાઢયા હતા અને ૨૪ ઓક્ટોબરના રોજ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી હતી . તેમણે વિનંતી કરી છે કે કોર્ટ અધિકારીને તેમના વાંધાઓને નકારી કાઢવા પાછળના કારણો સમજાવવા અને પ્રક્રિયામાં પારદશતા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપે.
જવાબમાં, ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે ૧૭ થી ૨૦ ઓક્ટોબર દરમિયાન મળેલા તમામ વાંધાઓની યાદીને અંતિમ સ્વરૃપ આપતા પહેલા કાળજીપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીએ કોર્ટને ખાતરી આપી હતી કે અરજદારોને નિર્ણયોની વિગતવાર સમજૂતી પૂરી પાડવામાં આવશે.
એમસીસી ચૂંટણીમાં અનેક નેતાઓએ પણ ઝંપલાવ્યું છે. અગ્રણી ઉમેદવારોમાં ભાજપના પ્રસાદ લાડ, એનસીપીના જીતેન્દ્ર આવ્હાડ અને શિવસેના (ઠાકરે)ના મિલિંદ નાર્વેકરનો સમાવેશ થાય છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકના પુત્ર વિહંગ સરનાઈકે પણ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે.
આ ઉપરાંત, વર્તમાન એમસીએના પ્રમુખ અજિંક્ય નાઈક અને ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન ડાયના એડુલજી મુખ્ય હોદ્દાઓ માટે ચૂંટણી લડી રહ્યા છે. એડુલજી એકમાત્ર ક્રિકેટર છે જેમણે આ રસાકસી ભરેલી ચૂંટણીમાં ઝંપલાવ્યુું છે.


