મહારાષ્ટ્રમાં ૧૨ શહેરમાં ઠંડીનો પારો ૭.૦ થી ૧૦.૦ ડિગ્રી
હિમાલયના ઠંડા પવનોનની અસર, અહમદનગર અને અહિલ્યા નગર ૭.૩, જેઉર ૮, પુણે ૮.૬ અને નાશિક ૮.૮ ડિગ્રી
મુંબઇ - મુંબઇમાં છેલ્લા ત્રણેક દિવસથી ટાઢોડું છવાઇ ગયું છે. મુંબઇગરાં શિયાળાનો ગમતીલો માહોલ માણી રહ્યાં છે. ગયા શનિવારે,૨૦, ડિસેમ્બરે સાંતાક્રૂઝમાં લઘુત્તમ તાપમાન ૧૪.૬, રવિવારે અને ૨૧, ડિસેમ્બરે -૧૭.૪ નોંધાયું હતું જ્યારે આજે સોમવારે, ૨૨, ડિસેમ્બરે ૧૫.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
બીજીબાજુ મહારાષ્ટ્રના મોટાભાગમાં પણ ઠંડોગાર શિયાળો બરાબર જામ્યો હોવાના સમાચાર મળે છે. આજે રાજ્યનાં ૧૨ શહેરમાં ઠંડીનો પારો ૭.૦ થી ૧૦.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલો અત્યંત ટાઢોબોળ રહ્યો હતો.
હવામાન વિભાગે એવી માહિતી આપી છે કે આજે અહમદનગર ૭.૩ ડિગ્રી સેલ્સિયસ સાથે આખા મહારાષ્ટ્રમાં સૌથી ટાઢુંબોળ સ્થળ નોંધાયું છે.
આવતા ૪૮ કલાક દરમિયાન પણ મુંબઇમાં ઠંડીનો પારો ૧૫.૦ ડિગ્રી જેટલો રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગનાં સિનિયર વિજ્ઞાાની સુષમા નાયરે ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે હાલ મુંબઇ અને મહારાષ્ટ્ર પર પૂર્વ-ઉત્તર-પૂર્વ(ઇશાન) ના પવનો ફૂંકાઇ રહ્યા છે. જોકે ઇશાનના પવનોમાં પણ ઉત્તરના હિમાલયના ઠંડા પવનોની અસર વધુ રહે છે. સાથોસાથ આ પવનો વાતાવરણના નીચેના હિસ્સામાં ફૂંકાઇ રહ્યા હોવાથી વાતાવરણમાં ઠંડક પણ વધુ અનુભવાય છે.
હાલ ૨૦૨૫ના ડિસેમ્બરના અત્યારસુધીના દિવસોમાં શહેરનું સરેરાશ લઘુત્તમ તાપમાન ૨૦.૦ અને ૨૦.૦ કરતાં નીચું રહ્યું છે. એટલે કે આ ડિસેમ્બરમાં મુંબઇમાં ખુશનુમા માહોલ રહ્યો છે.
બીજીબાજુ આજે અહિલ્યાનગરમાં ઠંડીનો પારો ૭.૩ ડિગ્રી સેલ્સિયસ, જેઉર -૮.૦, માલેગાંવ-૮.૪, નાશિક -૮.૮, પુણે-૮.૬, બારામતી -૯.૩, જળગાંવ-૯.૫, છત્રપતિ સંભાજીનગર-૧૦.૫, પરભણી-૧૦.૬, ધારાશિવ-૧૦.૭, સાતારા-૧૧.૨, ઉદગીર-૧૨.૦, મહાબળેશ્વર-૧૨.૧, સાંગલી-૧૩.૦, સોલાપુર-૧૪.૧, માથેરાન-૧૭.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.


