કાશ્મીરી યુવતી તથા રેકેટમાં સામેલ તેના ભાઈની પણ ધરપકડ
નાણાંકીય તંગીનું બહાનું કાઢી પૈસા માગ્યા, ઈનકાર કર્યો તો ચેટ લીક કરી દેવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ
મુંબઇ - મુંબઇ ક્રાઇમ બ્રાંચે જમ્મુ અને કાશ્મીર ટી- ટ્વેન્ટી લીગ સાથે જોડાયેલી એક મહિલા ક્રિકેટર અને તેના ભાઇની દક્ષિણ મુંબઇના એક ૨૮ વર્ષીય ઉદ્યોગપતિ સાથે ૬૩ લાખ રૃપિયાના સેક્સટોર્શન અને ખંડણીના કેસમાં ધરપકડ કરી છે. આ બંનેની મુંબઇ પોલીસ નવી દિલ્હીની એક હોટેલમાંથી ધરપકડ કરી હતી જ્યારે તેના એક સાથીદારની શ્રીનગરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીઓની ઓળખ ફરખંદા અઝીઝ ખાન (૩૦) અને તેના ભાઇ બાઝીલ ખાન (૨૭) તરીકે જ્યારે તેમના સાથીદારની ઓળખ ઇમ્તિયાઝ વાની (૨૨) તરીકે થઇ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કોલાબાના ઉદ્યોગપતિની ફરિયાદ બાદ આ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ બાબતે પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી ફરકંદા ખાન જ્યારે ૨૦૨૪માં મુંબઇના એક પશ્ચિમી ઉપનગરમાં રહેતી હતી ત્યારે તેની મુલાકાત ફરિયાદી સાથે થઇ હતી. શરૃઆતમાં બંને મોબાઇલ ચેટથી એકમેકના સંપર્કમાં રહેતા હતા. ધીરે ધીરે બંને વચ્ચેની મિત્રતા ગાઢ બની અને ચેટિંગ વધુ વ્યક્તિગત બની હતી. તપાસકર્તાઓનો આરોપ છે કે થોડા સમય પછી આરોપી ફરખંદા ખાને કથિત રીતે નાણાકીય તંગીનો હવાલો આપીને ફરિયાદી પાસે પૈસાની માગણી કરી હતી. જ્યારે ફરિયાદીએ પૈસા આપવાનો ઇન્કાર કર્યો ત્યારે ખાને તેમના ખાનગી ચેટ લીક કરવ ાની ધમકી આપી હોવાનું કહેવાય છે. ત્યારબાદ કથિત દબાણ હેઠળ ફરિયાદીએ ૩૦ એપ્રિલ, ૨૦૨૪ અને ૧૩ જાન્યુઆરી ૨૦૨૬ વચ્ચે ૩૨ વિવિધ બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા ખાનના બેંક ખાતામાં ૨૩.૬૧ લાખ રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા.
પોલીસે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે ત્યારબાદ આ રકમનો મોટો ભાગ પાછળથી વાનીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જ્યારે આમાંથી અમૂક રકમ ખાનના પિતા અબ્દુલ અઝીઝ ખાનના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જાન્યુઆરી ૨૦૨૬માં આરોપીએ કથિત રીતે ચેટસના સ્ક્રીનશોટ હોવાનો દાવો કરીને ફરિયાદીને કાનૂની પરિણામોની ચેતવણી આપી ધમકીઓ વધારી હતી તેથી કાર્યવાહીના ડરથી ફરિયાદીએ વધુ ૪૦ લાખ રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા.
આ કેસમાં પહેલું પેમેન્ટ એપ્રિલ ૨૦૨૪માં કરવામાં આવ્યું હતું જેની રકમ ૨૦ હજાર રૃપિયા હતી. ત્યારબાદ સતત હેરાનગતિ અને ધમકીથી કંટાળી ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ કરતા ફરિયાદના આધારે પશ્ચિમ ક્ષેત્ર સાયબર પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) અને આઇટી એકટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસની તપાસ હાથ ધરી ક્રાઇમ બ્રાન્ચે મહિલા ક્રિકેટર ફરખંદા ખાન તેના ભાઇ બાઝીલ ખાન અને તેમના એક સાથીદાર ઇમ્તિયાઝ વાનીની ધરપકડ કરી હતી. ફરખંદા દિલ્હી એનસીઆરના અંકુર વિહારની રહેવાસી છે, જ્યારે વાની જમ્મુ- કાશ્મીરના ખાલાપુર અને બાઝીલખાન નૂરખાન ગામનો રહેવાસી છે.


