Get The App

ઈરાનના ડ્રોન હુમલામાં મુંબઈના રહીશ મરીન એન્જિનિયરનું મોત

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાનના ડ્રોન હુમલામાં મુંબઈના રહીશ મરીન એન્જિનિયરનું મોત 1 - image

ખોર-અલ-ઝુબેર બંદર પર હુમલો થયો, પરિવાર મૃતદેહની રાહમાં

કાંદિવલીના દેવાનંદ સિંહે સાંજે પરિવારને ફોન  કર્યો કે  હું સલામત છું, રાતે ફોન આવ્યો કે શિપ પર આગ લાગી છે 

દેવાનંદ સિંહ રાજીનામું આપી ચૂક્યા હતા પણ પુત્રીની મેડિકલ કોલેજની ફી ભરવાની હોવાથી આ શિપ  પર ગયા હતા

મુંબઈ: મધ્ય-પૂર્વમાં  ચાલી રહેલા ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્ધમાં ઈરાનના ડ્રોન હુમલામાં એક કાર્ગો જહાજમાં ફરજ બજાવતા મુંબઈના એક મરીન એન્જિનિયરનું મોત થયું હતું. મૂળ બિહારના રહેવાસી દેવાનંદ પ્રસાદ સિંહ (૫૦) ઈરાકમાં ઓઈલ ટેન્કર સફ્સી વિષ્ણુમાં ફરજ બજાવતા હતા. ત્યારે આ હુમલો થયો હતો.  હુમલો થયો ત્યારે આ ઓઈલ ટેન્કર બસરામાં ખોર-અલ-ઝુબેર બંદર પર લાંગવામાં આવ્યું હતું.

મૂળ બિહારના રહેવાસી  દેવાનંદ સિંહ ૨૦૧૯માં મુંબઈ આવ્યા હતા અને અહીં કાંદિવલી વિસ્તારમાં  સ્થાયી થયા હતા. કાંદિવલી ઈસ્ટની રાહેજા ઈટરનિટી સોસાયટીમાં રહેતા  તેમના પરિવારમાં પત્ની  ંકુમકુમ સિંહ અને  પુત્રી કોમલ સિંહ તથા એક પુત્રનો સમાવેશ થાય છે. તેમનો પુત્ર હાલ અમેરિકામાં છે.  સિંહ ઈરાકમાં ઓઈલ ટેન્કર સફ્સી-વિષ્ણુ પર એડિશનલ ચીફ એન્જિનિયર (સુપ્રિન્ટેન્ડન્ટ) તરીકે કાર્યરત હતા. નાગપુરમાં મેડિકલ અભ્યાસ કરતી કોમલે જણાવ્યું હતું કે છેલ્લે તેમને તા. ૧૧મીએ  સાંજે પિતાનો ફોન આવ્યો હતો. પિતાએ કહ્યુું હતું કે અહીં ચિંતા કરવા જેવું કશું નથી અને ટૂંક સમયમાં બધું બરાબર થઈ જશે. જોકે, તે રાતે અઢી વાગ્યાના અરસામાં તેમનો ફરીથી ફોન આવ્યો હતો અને તેમણે જણાવ્યુું હતું કે તેમનાં શિપ પર આગ  લાગી છે. એ પછી અમે તેમનો  સંપર્ક કરવાનો વારંવાર પ્રયાસ કર્યો હતો પરંતુ અમારી વાત થઈ શકી ન હતી. 

કોમલના જણાવ્યા અનુસાર  અમે શિપિંગ કંપનીનો સંપર્ક કર્યો હતો. અમને જણાવાયું હતું કે શિપ પરના અન્ય તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે પરંતુ તમારા પિતાના શરીરમાં વધારે પડતું પાણી જતું રહ્યું હોવાથી તેમની હાલત ગંભીર છે. બાદમાં અમે કંપની ઓફિસે પહોંચ્યા ત્યારે અમને જાણ થઈ હતી કે તેઓ મૃત્યુ પામી ચૂક્યા છે. કોમલના જણાવ્યા અનુસાર અમને તેમનાં નિધન વિશે સત્તાવાર રીતે કોઈ વિગત આપવામાં આવી નથી. કોમલે કહ્યું હતું કે મારા પિતા કંપનીમાંથી રાજીનામું આપી ચૂક્યા હતા પરંતુ મારી કોલેજની ફી બાકી હતી એટલે વધારાના પૈસા કમાવા માટે તેઓ આ દરિયાઈ પ્રવાસમાં જોડાયા હતા. કોમલે કહ્યુ ંહતું કે અમને તેમના મૃતદેહની અપેક્ષા છે. અમે તેમના જહાજ પર હુમલા અને તેમના મોત અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ થાય તેમ ઈચ્છીએ છીએ. 

તેમનાં પત્ની કુમકુમ સિંઘે જણાવ્યું હતું કે અમને ઘણી બધી વાતોની જાણ તો મીડિયા દ્વારા જ થઈ છે. તા. ૧૧મીએ સાંજે તેમનો ફોન આવ્યો હતો કે 'હમ યહાં ઠીક હૈ '. મેં મારા પતિને જીવીત મોકલ્યા હતા. મને તેઓ એ જ હાલતમાં પાછા જોઈએ છીએ. કંપની કે સરકારે અમને યોગ્ય રીતે જાણ કરવાની પણ તસ્દી લીધી નથી. તેમણે ન્યાય તથા બાળકો માટે વળતરની માગણી કરી હતી.  તેમનો ૨૭ વર્ષીય દીકરો અમેરિકામાં છે પરંતુ હાલ એક પ્રોજેક્ટ માટે જાપાન ગયો હતો. પિતાના સમાચાર મળતાં તે ભારત પાછો આવવા નીકળ્યો છે. 

આ બાબતે એર રિપોર્ટ અનુસાર બે-ત્રણ દિવસ પહેલા, ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે તેમના જહાજ પર હુમલો થયો હતો. આ હુમલામાં  દેવાનંદ સિંહ થયા હતા. આ હુમલામાં તેમને ગંભીર ઈજા થઈ હતી જેના કારણે તેમનું મોત થયું હતું. આ ડ્રોન હુમલો થયો ત્યારે સિંહ સાથે ૧૫ અન્ય ભારતીય ખલાસીઓ પણ ત્યાં હાજર હતા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

આ હુમલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેના રાત્રિના અંધારામાં ઈરાની ડ્રોન દ્વારા બે જહાજો પર હુમલો કરવામં આવ્યો હતો. આ હુમલા પછી જહાજ પર આગનો મોટો ગોળો જોવા મળ્યો હતો. આમાંથી એકમાં સફસી-વિષ્ણુનો પણ સમાવેશ થતો હતો જેના દેવાનંદ સિંહ માર્યા ગયા હતા.