મુંબઈ અને ગુજરાતના બંદરોએ 35 કરોડા ચાઈનીઝ ફટાકડાની દાણચોરી
મુંબઈના ન્હાવાશેવા ઉપરાંત કંડલા અને મુન્દ્રા બંદરોએ આયાત
મિની ડેકોરેટિવ પ્લાન્ટ, આર્ટિફિશિયલ ફલાવર્સ હોવાનું જણાવી ૧૦૦ મેટ્રિક ટન ફટાકડાની દાણચોરીમાં એકની ધરપકડ
મુંબઈ - દેશમાં ચાઈનીઝ ફટાકડા અને આતશબાજીનો અન્ય સામાન દાણચોરીથી ઘૂસાડવાનાં મોટાં રેકેટના પર્દાફાશ રુપે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા મુંબઈના ન્હાવા શેવા તથા ગુજરાતના કંડલા અને મુન્દ્રા બંદરોએથી દાણચોરીથી લાવવામાં આવેલા ૩૫ કરોડના ચાઈનીઝ ફટાકડા જપ્ત કરાયો છે.
ડીઆરઆઈના જણાવ્યા અનુસાર ન્હાવા શેવા, મુન્દ્રા બંદર તથા કંડલા એસઈઝેડ ખાતેથી સાત કન્ટેનર્સમાંથી આ ફટાકડા જપ્ત કરવામાં આવ્યા હતા. આશરે ૧૦૦ મેટ્રિક ટન જેટલા ફટાકડા દાણચોરીથી દેશમાં ઘૂસાડવાનો પ્રયાસ ડીઆરઆઈ દ્વારા 'ઓપરેશન ફાયર ટ્રેઈલ'ના નેજા હેઠળ દાણચોરીનો આ પ્રયાસ નિષ્ફળ બનાવાયો હતો.
કંડલા સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનનાં કેટલાંક એકમો તથા ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કોડ (આઈઈસી ધારકો) ધરાવતાં કેટલાંક એકમોના નામે આ કન્ટેનર્સ લાવવામાં આવ્યાં હતાં. એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે આ સામાનમાં 'મિનિ ડેકોરેટિવ પ્લાન્ટસ', 'આર્ટિફિશિયલ ટાવર્સ', 'પ્લાસ્ટિક મેટ્સ' અવું ખોટું ડિકલેરેશન આપવામાં આવ્યું હતું.
કંડલા સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનના એક યુનિટ ધારક દ્વારા ંકંડલા એસઈઝેડ વિસ્તારમાંથી આ કન્સાઈનમેન્ટસને ડોમેસ્ટિક ટેરિફ એરિયા એટલે કે નોન એસઈઝેડ ઝોનમાં લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ખોટું ડિકલેરેશન આપીને તથા એસઈઝેડના નિયમોનું ઉલ્લંઘન કરીને ચાઈનીઝ ફટાકડા તથા આતશબાજીની દાણચોરી કરવાના પ્રયાસ ના સૂત્રધાર એવા એક એસઈઝેડ યુનિટના એક ભાગીદારની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને અદાલત સમક્ષ રજૂ કરાતાં અદાલતે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
વિદેશ વેપાર નીતિનાં આઈટીસી(એચએસ) ક્લાસિફેક્શન પ્રમાણે ફટાકડાની આયાત પર અંકુશો મૂકવામાં આવેલા છે. ફટાકડાની આયાત કરવા માટે ડીજીએફટી તથા ુપેટ્રોલિયન એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન (પીઈએસઓ) તરફથી લાયસન્સ લેવું પડે છે. ફટાકડા તથા આતશબાજીની અન્ય ચીજોમાં લાલ સીસું, કોપર ઓક્સાઈડ તથા લિથિયમ જેવી ધાતુઓ હોવાથી તે જોખમી હોઈ શકે છે.
આ ફટાકડા અતિશય જ્વલનશીલ હોવાથી તેની હેરફેર દરમિયાન જાહેર સલામતી, પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર તથા સમગ્ર લોજિસ્ટિક સપ્લાય ચેઈનના કોઈપણ તબક્કે કોઈ દુર્ઘટના કે મોટી હોનારત થાય તેવું પણ જોખમ રહેતું હોય છે.