મુલુંડનાં લેડી ડોક્ટરની સાંગલી પાસે હાઈવે પર હાથ અને ગળું કાપી આત્મહત્યા
ઘરેથી કહ્યું, દવાખાને જાઉં છું, કોલ્હાપુરની દિશામાં પહોંચ્યાં
44 વર્ષીય ડોક્ટર શુભાંગી વાનખેડે લાંબા સમયથી ડિપ્રેશનમાં હતાં ઃ કારની પાછળની સીટ પર લોહીથી લથપથ લાશ મળી
મુંબઇ - મુલુંડના એક મહિલા ડોક્ટરે સાંગલીના ઇસ્લામપુર પાસે હાથ અને ગળાની નસ કાપી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાને લીધે ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના પુણે-બેગલુરુ નેશનલ હાઇવે પર વિઠ્ઠલવાડી (તા. વાળવા) ગામની હદમાં મંગળવારે રાત્રે બની હતી.
આત્મહત્યા કરનાર ડોક્ટર શુભાંગી સમીર વાનખેડે (૪૪) મુલુંડ (વે.)માં ઇએસઆઇસી હોસ્પિટલના ક્વાર્ટરમાં રહેતા હતા. ડો. શુભાંગીએ તેમની કારમાં જ બ્લેડથી ડાબા હાથ અને ગળાની નસ કાપી આત્મહત્યા કરી હતી. મોટા પ્રમાણમાં લોહી વહી જવાથી તેઓ ગાડીમાં જ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર મંગળવારે સવારે ડો. શુભાંગી દવાખાનામાં જઇ રહ્યા હોવાનું કહી કારમાં કોલ્હાપુરની દિશામાં નીકળી ગયા હતા. આ દરમિયાન તેમના મોબાઇલનો સંપર્ક પણ તૂટી ગયો હતો. ત્યારબાદ મંગળવારે રાત્રે જ સાંગલીના ઇસ્લામપુર પાસેના વિઠ્ઠલવાડી વિસ્તારમાં તેઓ લોહીના ખાબોચિયામાં કારની પાછળની સીટમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. રાત્રે ૧૧ વાગ્યે આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે તેમને ઇસ્લામપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. અહીં ફરજ પરના ડોક્ટરોએ ડો. શુભાંગીને મૃત જાહેર કર્યા હતા.
આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર પોલીસે કારની તપાસ કરતા તેમાંથી તેમનું આઇકાર્ડ અને લોહીના ડાઘ મળી આવ્યા હતા. શુભાંગી મુલુંડમાં તેમના ડોક્ટર પતિ સમીર વાનખેડે અને પુત્ર-પુત્રી સાથે રહેતા હતા. કુટુંબીજનોના જણાવ્યા મુજબ કોરાના પછીથી તેઓ વ્યવસાયિક તણાવમાં હતા. આ ઉપરાંત છેલ્લા ઘણા મહિનાથી તેઓ ડિપ્રેશનમાં સરી પડયા હતા. હાલ આ બાબતની વધુ તપાસ પોલીસ કરી રહી છે. જો કે આત્મહત્યા પાછળનું ખરું કારણ જાણી શકાયું નથી.