Mumbai

એમટેકના સ્નાતકે આઈઆઈટીમાં સ્નાન કરતા વિદ્યાર્થીઓના 80 વિડીયો ઉતાર્યા

By GS TEAM
18 Oct 20252 mins read
એમટેકના સ્નાતકે આઈઆઈટીમાં સ્નાન કરતા વિદ્યાર્થીઓના 80 વિડીયો ઉતાર્યા

આરોપીએ પોતે ગે હોવાનો દાવો કર્યો 

એક વિદ્યાર્થી જોઈ ગયા બાદ મોબાઈલ ચેક કરતાં અનેક વિડીયો મળ્યાઃ બે દિવસ કેમ્પસમાં રોકાયો હતો 

મુંબઈ -  આઈઆઈટી-બોમ્બેના પવઈ ખાતેની હોસ્ટેલના બાથરૃમમાં કથિત રીતે વિદ્યાર્થીઓનો વીડિયો  બનાવવાના આરોપમાં એક ૩૨ વર્ષના એમ.ટેક સ્નાતક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ વર્ષે જુલાઈ મહિનામાં આઈઆઈટીના પવઈ કેમ્પસમાંથી એમ.ટેક ગ્રેજયુએશન કરનાર વિદ્યાર્થી સામે ગુરૃવારે રાત્રે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

આ બાબતે પવઈ પોલીસે જણાવ્યું  હતું વિદ્યાર્થીઓ અને આઈઆઈટીના અધિકારીઓ શરૃઆતમાં ફરિયાદ નોંધાવતા અચકાતા હતા. છતાં તેમણે આ વિદ્યાર્થીને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. શંકાસ્પદ વિદ્યાર્થીને છોડી મૂકતા પહેલા નોટિસ બજાવવામાં આવી હતી.

પોલીસે શંકાસ્પદ વ્યક્તિના મોબાઈલમાંથી ઓછામાં ઓછા ૮૦ વિડીયો શોધી કાઢ્યા છે જેમાં તેણે કેમ્પસમાં રોકાણ દરમિયાન વિદ્યાર્થીઓને સ્નાન કરતી વખતે ફિલ્માવ્યા હતા.

શંકાસ્પદ  વિદ્યાર્થી ૧૧થી ૧૨ ઓકટોબર દરમિયાન બે દિવસ કેમ્પસમાં રહ્યો હતો તેને પકડવામાં આવ્યા બાદ પોલીસે વારંવાર  આઈઆઈટીના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી. શંકાસ્પદ વિદ્યાર્થી સામે આઈટીએક્ટની કલમ ૬૬ (ઈ) હેઠળ ખાનગી વિસ્તારોના ફોટાઓ તેમની સંમતિ વગર ઈરાદાપૂર્વક ખેંચવા, પ્રકાશિત કરવા અથવા  ટ્રાન્સમિટ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે તેવું પવઈ પોલીસ સ્ટેશનના એખ અધિકારીએ જણાવ્યું હતું.

આ ઘટના ૧૨ ઓકટોબરના રોજ બની હતી. જ્યારે હોસ્ટેલ નંબર ૧૪ના વિદ્યાર્થીઓએ આ એમટેક ગ્રેજયુએટના વિદ્યાર્થીને રંગે હાથ ફિલ્માંકન કરતા પકડી પાડયો હતો.  ત્યારબાદ આઈઆઈટીના સુરક્ષા અધિકારી અનવિલ મુંડે (૪૩)નો  સંપર્ક કર્યો હતો.  ફરિયાદમાં મુંડેએ જણાવ્યું હતું કે શંકાસ્પદ થાણેનો રહેવાસી અને ૧૧ ઓકટોબરના કેમ્પસમાં આવ્યો હતો. બીજા વિદ્યાર્થીઓની મદદથી તેણે હોસ્ટેલમાં બે દિવસ રહેવા માટે પ્રવેશ પાસ મેળવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તે નોકરી શોધી રહ્યો હતો અને તે માટે તે કેમ્પસમાં આવ્યો હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા અધિકારીઓએ શંકાસ્પદના મોબાઈલ ફોનની તપાસ કરતા  તેમાંથી બાથરૃમમાં ન્હાતા વિદ્યાર્થીઓના ફોટા મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન શંકાસ્પદે દાવો કર્યો હતો કે તે ગે છે અને ૮૦થી વધુ વીડિયો શૂટ કર્યા હતા. તેનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હોેવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.