21 મીએ પાલિકાની મતગણતરીના કારણે એમપીએસસીની પરીક્ષા ઠેલાઈ

હવે ચોથી જાન્યુઆરીએ પરીક્ષા યોજાશે
મહારાષ્ટ્ર ગુ્રપ બી ની પરીક્ષાઓ સતત બીજા વખત મુલતવી કરાતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મૂકાયા
મુંબઈ - રાજ્યમાં ૨૧મી ડિસેમ્બરે થનારી નગરપાલિકા ચૂંટણીઓની મતગણતરીને ધ્યાને રાખીને મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)એ ૨૧ ડિસેમ્બરે યોજનારી મહારાષ્ટ્ર ગુ્રપ બીની (નોન ગેઝેટેડ) સર્વિસીસ કમ્પાઈન્ડ પ્રિલિમિનરી પરીક્ષા મુલતવી રાખી છે. હવે આ પરીક્ષાઓ ચાર જાન્યુઆરી ૨૦૨૬ના યોજવાની જાહેરાત કરી છે.
જિલ્લા સ્તરે યોજાતી આ પરીક્ષાઓની સંપૂર્ણ જવાબદારી જિલ્લા કલેકટર અને મહેસૂલ વિભાગની હોવાથી આ વિભાગના તમામ કર્મચારીઓ ૨૧ ડિસેમ્બરના મત ગણતરીમાં વ્યસ્ત રહેશે.
તેથી વિદ્યાર્થીઓની સગવડ માટે ૨૧ ડિસેમ્બરની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે અને હવે તે ચાર જાન્યુઆરીના આ પરીક્ષાઓ યોજાશે તેવી સત્તાવાર વેબસાઈટ પર જાહેરાત કરવામાં આવી હતી.
મહારાષ્ટ્ર જાહેર સેવા આયોગ દર વર્ષે પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પીએસઆઈ), રાજ્ય કર નિરીક્ષક (એસટીઆઈ) અને સહાયક સેલ અધિકારી (એએસઓ) માટે સંયુક્ત પ્રારંભિક પરીક્ષા લે છે. આ વર્ષે ૬૭૪ જગ્યાઓ માટે આ પરીક્ષાઓ યોજવવાની જાહેરાત કરવામાં આવી છે. સંયુક્ત પ્રારંભિક ગુ્રપ બી ૨૦૨૫ (નોન- ગેઝેટેડ)ની પરીક્ષા પહેલા ૯ નવેમ્બરે યોજવાની હતી.
પરંતુ રાજ્યમાં કેટલાક ભાગોમાં પૂરની પરિસ્થિતિને કારણે રાજ્ય સેવા પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી હતી. આ બાદ ૨૧ ડિસેમ્બરે સંયુક્ત પ્રારંભિક પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, હવે નગરપાલિકાઓની ચૂંટણીના કારણે ફરીથી પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. આથી વિદ્યાર્થીઓ પરીક્ષાઓ થશે કે નહીં તે અંગે મુંઝવણમાં મૂકાયા છે.

