Mumbai

એમપીએસસી ઉમેદવારોનું પુણેમાં 2 દિવસથી ઉગ્ર આંદોલન

By GS TEAM
3 Jan 20261 min read
એમપીએસસી ઉમેદવારોનું પુણેમાં  2 દિવસથી ઉગ્ર આંદોલન

7 મહિના મોડી જાહેરાત થયાનો દાવો

નવેમ્બર મહિનાનો વય મર્યાદાનો કટ-ઓફ રખાતાં અનેક ઉમેદવારો અપાત્ર ઠરશે 

મુંબઈ -  સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા સેંકડો વિદ્યાર્થીઓએ ગુરુવારથી પુણેમાં આંદોલન છેડયું છે. આગામી ચોથી જાન્યુઆરીએ યોજાનારી મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી) ગુ્રપ-બી અને ગુ્રપ-સી સંયુક્ત પ્રિલિમનરી પરીક્ષા માટે વયમર્યાદા વધારવાની માગ કરી છે. 

 ઉમેદવારોએ દાવો કર્યો છે કે, પરીક્ષાની જાહેરાત લગભગ સાત મહિના મોડી  બહાર પડાઈ હતી. જેના કારણે ઘણાં વિદ્યાર્થીઓ અપાત્ર બની ગયા હતા કારણ તેમાં વયમર્યા માટેનું કટઓફ ૧ નવેમ્બર ૨૦૨૫ નક્કી કરાયું છે.તેમની દલીલ હતી કે, આ વિલંબને લીધે ઘણાં ઉમેદવારો પોલીસ સબ-ઈન્સ્પેક્ટર (પીએસઆઈ) અને અન્ય સરકારી નોકરીઓ જેવા પદ માટે અરજી કરવાથી વંચિત રહી જશે.

સેન્ટ્રલ પુણેના શાસ્ત્રી રોડ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. તે સાથે જ તેમણે એકવાર વયમર્યાદામાં છૂટછાટની વિનંતી કરી હતી. વિદ્યાર્થીઓએ ઉલ્લેખ કર્યો હતો કે પરીક્ષાની તારીખ નજીક આવવા છતાં રાજ્ય સરકારે તેમની વારંવારની અપીલોનો કોઈ જવાબ આપ્યો નથી. પ્રશાસનના કડક કટ-ઓફ નિયમના વિલંબને લીધે ઉમેદવારોની મહિનાઓની મહેનત વેડફાઈ શકે છે.