Get The App

ભાજપે ફ્લોર ટેસ્ટની માગણી કરતાં મહારાષ્ટ્રના રાજકારણમાં હિલચાલ તેજ

Updated: Jun 29th, 2022

GS TEAM

Google News
Google News
ભાજપે ફ્લોર ટેસ્ટની માગણી કરતાં મહારાષ્ટ્રના રાજકારણમાં હિલચાલ તેજ 1 - image


- દેવેન્દ્ર ફડણવીસ સહિત ભાજપના નેતાઓએ રૂબરૂ મળી સરકારે બહુમતી ગુમાવ્યાની જાણ કરતો પત્ર પાઠવ્યો

- તમામ 50 બળવાખોરો પોતાની મરજીથી અમારી સાથે : શિંદેએ ઉદ્ધવનો દાવો ફગાવ્યો

- દિલ્હીથી વૈકલ્પિક સરકારની રચનાનો આદેશ મેળવ્યા બાદ ભાજપ એક્શનમાં :ત્રીજી જુલાઈ સુધીમાં ફડણવીસ સરકાર શપથ લે તેવું  પ્લાનિંગ

- ઉદ્ધવની બળવાખોરોને છેલ્લે છેલ્લે ભાવુક અપીલ

મુંબઇ : મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારની બહુમતીનો ફેંસલોઆજકાલમાં ે થઈ જશે. ભાજપના નેતાઓએ આજે રાતે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળીને સરકાર લઘુમતીમાં હોવાનું જણાવતો પત્ર પાઠવ્યા બાદ રાજ્યપાલે હવે ગમે ત્યારે વિશ્વાસ મત યોજવાનો આદેશ આપી શકે છે.. આ અગાઉ, ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં દિવસભર પક્ષની કેન્દ્રીય નેતાગીરી સાથે મસલતો કરી વૈકલ્પિક સરકારની બ્લૂપ્રિન્ટને આખરી ઓપ આપ્યો હતો. ભાજપના લક્ષ્યાંક પ્રમાણે તા. ત્રીજી જુલાઈ સુધીમાં ફડણવીસ સરકાર શપથ લઈ લેશે. દરમિયાન, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ છેલ્લે છેલ્લે બળવાખોરોને પાછા ફરવા ભાવુક અપીલ કરી હતી પરંતુ બળવાખોર નેતા એકનાથ શિંદેએ તે ફગાવી દીધી હતી. 

મહારાષ્ટ્ર વિધાન પરિષદની તા. ૨૦મી જુને યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણી બાદ એકનાથ શિંદેના વડપણ હેઠળ શિવસેનાના ધારાસભ્યો સુરત સરકી જતાં રાજ્યમાં રાજકીય પરિસ્થિતિ પ્રવાહી બની હતી. હવે આ રાજકીય ઘટનાક્રમનો અંત આવી રહ્યો છે. રાજયના માજી મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે દિલ્હીથી કેન્દ્રીય નેતાઓ સાથે મસલત બાદ પાછા ફર્યા હતા. ત્યારબાદ ફડણવીસ , ભાજપના પ્રદેશ પ્રમુખ ચન્દ્રકાન્ત પાટિલ, ધારાસભ્ય આશિષ શેલાર, વિધાન પરિષદમાં પક્ષના નેતા પ્રવીણ દરેકર, ગીરીશ મહાજન  રાતના નવ વાગ્યાના અરસામાં રાજ ભવન પહોંચ્યાં હતા. તેમણે રાજ્યપાલને પત્ર આપતાં કહ્યું હતું કે શિવસેનાના ૩૯ ધારાસભ્યોએ આ સરકારને ટેકો પાછો ખેંચ્યો છે. તે સંજોગોમાં સરકારની બહુમતીાનો ફેંસલો લેવા માટે વિધાનસભાનું ખાસ સત્ર યોજાવું જોઈએ. સુપ્રીમ કોર્ટે શિવસેનાના બળવાખોરોને તા. ૧૧ જુલાઈ સુધીમાં ડેપ્યુટી સ્પીકરની અપાત્ર ઠેરવવાની નોટિસનો જવાબ આપવા મુદ્દત નક્કી કરી આપી છે તેમ પણ આ પત્રમાં જણાવાયું હતું. 

જોકે, ઉદ્ધવ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો સામનો કરશે કે તે પહેલાં રાજીનામું આપી દેવાનું પસંદ કરશે તે અંગે અટકળો સર્જાઈ છે. ફ્લોર ટેસ્ટ પહેલાં ધારાસભ્યોના મુંબઈ આગમને અંગે બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદેએ આજે સવારે જ ઈશારો આપી દીધો હતો. તેમણે ગુવાહાટીમાં જાહેર કર્યું હતું કે અમે હવે વહેલી તકે મુંબઈ પાછા ફરવાના છીએ. 

આ અગાઉ,  માજી મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાને મળ્યા હતા. તેમાં વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ, નવી સરકારની રચના, મંત્રીમંડળના સભ્યો સહિતની બાબતો પર ચર્ચા કરી વૈકલ્પિક સરકારની રચનાની બ્લૂપ્રિન્ટને બહાલી આપવામાં આવી હોવાનું કહેવાય છે. 

ભાજપના સાંસદ પ્રતાપરાવ સરનાઈકે જાહેર કરી દીધું હતું કે આગામી અષાઢી એકાદશીએ પંઢરપુરમાં વિઠ્ઠલ મહાપૂજાની પરંપરા મુખ્યપ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસ જ નિભાવશે.  ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ કામચલાઉ રીતે તા. ત્રીજી જુલાઈએ ફડણવીસના શપથ યોજાઈ જાય તેવી ડેડલાઈન સાથે પ્લાનિંગ ચાલી રહ્યું છે. આવતીકાલે જેઠ માસની અમાસ છે. તે વીતી જાય તે પછી રાજ્યમાં નવી સરકારની રચના બાબતે નક્કર કદમ ભરવામાં આવશે એમ  ભાજપનાં સૂત્રોએ જણાવ્યું હતું. 

આ તમામ ઘટનાપ્રવાહોથી વાકેફ ઉદ્ધવ ઠાકરેએ બળવાખોરોને વધુ એક ભાવુક અપીલ કરતાં કહ્યું હતું કે હજુ પણ બહુ મોડું થયું નથી. તમે લોકો પાછા ફરો. આપણે શિવસેના છીએ. પરિવારના મોભી તરીકે હું ખાતરી આપું છું કે તમારા તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે. તમે બધા ગુવાહાટીમાં ફસાઈ ગયા છો. તમારા પરિવારજનો તરફથી મને ફીડબેક મળી રહ્યા છે. મને તમારી ચિંતા થાય છે. 

જોકે, ઉદ્ધવની આ અપીલને ફગાવતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે એક તરફ ઉદ્ધવ ભાવુક અપીલ કરે છે પણ બીજી તરફ આદિત્ય ઠાકરે અને સંજય રાઉત દ્વારા બળવાખોરો માટે આક્રમક ભાષાનો પ્રયોગ થઈ રહ્યો છે તેનો મેળ પડતો નથી. શિંદેએ ૨૦ બળવાખોરો હજુ પણ પોતાના સંપર્કમાં હોવાના ઉદ્ધવના દાવાઓને ફગાવતાં કહ્યું હતું કે એવું હોય તો ઉદ્ધવ કમસે કમ એક ધારાસભ્યનું તો નામ આપી જુએ. તમામ ૫૦ બળવાખોરો પોતાની મરજી અને ખુશીથી અહીં અમારી સાથે છે. 

સંજય રાઉતે અલીબાગમાં પણ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે બળવાખોરો જ્યારે પણ મહારાષ્ટ્ર પાછા આવશે ત્યારે તેઓ મહારાષ્ટ્રમાં મુક્ત રીતે હરી ફરી નહીં શકે. બળવાખોરોને આપણે માર્ગો પર ફરવા દેશું નહીં એમ રાઉતે કહ્યું હતું.

Tags :