Mumbai

વંશ વધારવા અપરિણીત મૃત પુત્રનું થીજાવેલું વીર્ય પ્રાપ્ત કરવા માતાની અરજી

By GS TEAM
27 Jun 20251 min read
વંશ વધારવા અપરિણીત મૃત પુત્રનું થીજાવેલું વીર્ય પ્રાપ્ત કરવા માતાની અરજી

પુત્રએ પરિવારની સંમતિ વિના જ વીર્યનો નિકાલ કરવા જણાવ્યું હતું

અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી ફર્ટિલિટી સેન્ટરને વીર્ય નષ્ટ નહીં કરવાનો હાઈકોર્ટનો આદેશ

મુંબઈ -  વંશ ચાલુ રાખવા માટે અપરિણીત મૃતક પુત્રના થીજેલા  વીર્યનો ઉપયોગ કરવા ઈચ્છતી માતાની અરજીની સુનાવણી ચાલુ છે ત્યાં સુધીમૃતકના વીર્યને જાળવી રાખવાનો  શહેરના ફર્ટિલિટી સેન્ટરને  બોમ્બે હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે. કોર્ટે વધુ સુનાવણી ૩૦ જુલાઈ પર રાખી છે. 

અરજીમાં મહત્ત્વનો મુદ્દો ઉઠાવાયો  હોવાનું બેન્ચે નોંધ્યું હતું. આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (એઆરટી-રેગ્યુલેશન) એક્ટ ૨૦૨૧ની જોગવાઈએ હેઠળ વ્યક્તિના મૃત્યુ બાદ તેનું વીર્ય જાળવા સંબંધી મહત્ત્વનો સવાલ ઉઠાવાયો છે. હાલના કેસમાં યુવક ગત ફેબુ્રઆરીમાં મૃત્યુ પામ્યો હતો. તે અપરણિત હતો. 

અરજીમાં મહિલાએ દલીલ કરી હતી કે તેના પુત્રે પરિવારના સભ્યોની સલાહ લીધા વિના સંમતિ ફોર્મમાં તેના મૃત્યુ બાદ સીમેનનો નિકાલ કરવાની સંમતિ આપી હતી.

પુત્રના મૃત્યુ બાદ માતાએ મુંબઈ સ્થિત ફર્ટિલિટી સેન્ટરને આ સેમ્પલ ગુજરાત સ્થિત આઈવીએફ સેન્ટરમાં ભવિષ્યના પગલાં માટે ટ્રાન્સફર કરવા દેવાની દાદ માગી હતી.

ફર્ટિલિટી સેન્ટરે જોકે ઈનકાર કરીને માતાને નવા કાયદા હેઠળ કોર્ટમાંથી આદેશ મેળવવા જણાવ્યું હતું. નવા કાયદા હેઠળ એઆરટી ક્લિનિક્સનું નિરીક્ષણ અને નિયમન કરવામાં આવે છેે.  નૈતિક વ્યવહાર સુનિશ્ચિત કરવા, દુરુપયોગ ટાળવા અને એઆરટી સેવા ઈચ્છતી વ્યક્તિના અધિકારની રક્ષા કરવાની તકેદારી લેવાનો  આ કાયદાનો હેતુ છે.