પિતાના અવસાન બાદ માતા જ બાળકની કુદરતી પાલકઃ હાઈકોર્ટ
છૂટાછેડા વખતે પતિને બાળકી સોંપી તેનો મતલબ ત્યજી દીધી ન ગણાય
છૂટાછેડા વખતે પતિ પાસે રાખવા સંમતિ આપી હતી, પતિનું અવસાન થતાં દાદા-દાદીએ પાલક બનવા કરેલી અરજીનો વિરોધ
મુંબઈ - પિતા બાદ માતા જ બાળકની કુદરતી પાલક હોય છે એમ જણાવીને બોમ્બે હાઈ કોર્ટની ઔરંગાબાદ બેન્ચે પાંચ વર્ષની બાળકીની કસ્ટડી તેની માતાને આપી હતી. બાળકી તેના દાદા-દાદી સાથે રહેતી હતી.
બાળકની દેખરેખ અને કલ્યાણ માટે માતા અક્ષમ છે અથવા રસ નહોવાનું પ્રસ્થાપિત થાય નહીં ત્યાં સુધી બાળકીની કસ્ટડી તેની માતાને આપવી જોઈએ એમ હાઈકોર્ટે જણાવ્યું હતું.
ડિસ્ટ્રીક્ટ કોર્ટે માતાની અરજી ફગાવતા આપેલા આદેશ સામે પચ્ચીસ વર્ષીય મહિલાએ કરેલી અપીલમાં ઉક્ત આદેશ અપાયો હતો.
દંપતીએ પરસ્પર સમજૂતીથી છૂટાછેડા લીધા હતા અને અ ેવખતે એક વર્ષની પુત્રી તેના પતિ અને સાસૂ સસરા પાસે રહેશે એવી સંમતિ તેણે આપી હતી. ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં પતિનું અવસાન થતાં દાદા દાદીએ બાળકી માટે પાલક તરીકે નિયુક્તિ આપવાની અરજી કરી હતી.
મહિલાએ અરજીનો વિરોધ કરીને બાળકીની કસ્ટડી માગી હતી અને દાવો કર્યો હતો કે દાદા-દાદી વૃદ્ધ થયા છે અને બાળકીની સારસંભાળ કરી શકશે નહીં. પોતે હાલ કમાઈ રહી હોવાથી પુત્રીને સંભાળી શકે તેમ છે.
પાંચ વર્ષની બાળકીનો સવાલ છે ત્યાં કોર્ટ એ વાતને અવગણી શકે નહીં કે માતા તેની કસ્ટડી માટે શ્રેષ્ઠ છે. કુદરતી માતા જે સારસંભાળ આપી શકે તે અન્ય કોઈ આપી શકે નહીં.
દાદાદાદી કે અન્ય સંબંધીએ બાળકને થોડો સમય ઉછેર્યું હોવાનો અક્થ નથી કે તેની કસ્ટડી કુદરતી પાલકને આપી શકાય નહીં. બાળકીને તેના પતિના કબજામાં સોંપ્યાનો અર્થ એવો નથી કે તેણે બાળકીને ત્યજી દીધી હતી. છૂટાછેડા વખતે મહિલા પોતે તેના માતાપિતા પર નિર્ભર હતી અને આવકનું સાધન નહોવાથી પતિ પાસે બાળકીને રાખવાનું યોગ્ય માન્યું હતું. કોર્ટે કસ્ટડી તેની માતાને સોંપવાનો આદેશ આપવા સાથે દાદાદાદીને અઠવાડિયામાં બે વાર કે એક વાર બાળકી સાથે મળવાની પરવનાગી આપી હતી.