દીપડો
બાળકને દાંત હેઠળ દબાવી ભાગતો હતો
પુણેના
ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો ખોફઃ મુળશીમાં બંગલાનું બારણું હડસેલીને ઘૂસેલા
દીપડાએ કર્મચારી પર હુમલો કર્યો
મુંબઈ
- પુણે જિલ્લામાં દીપડાના હુમલાના સતત
ચાલુ રહેલા બનાવોને લીધે દીપડાની દહેશત ઓછી થવાનું નામ નથી લેતા. ખેડ તાલુકાના
ગામે ઘરના આંગણે રમતા ચાર વર્ષના બાળક પર દીપડો ત્રાટક્યો હતો. દીપડાએ ધારદાર દાંત
બાળકની ડોકમાં ઉતારી પૂરી તાકાતથી જંગલ તરફ ખેંચી જવા લાગ્યો હતો. બાળકે ચીસાચીસ
કરી મૂકતા માતાનું ધ્યાન જતાં વીજળીવેગે તે ધસી ગઈ હતી અને હાથ ઉગામી રાડારાડ કરી
મુકતા દીપડો બાળકને પડતો મૂકી જંગલમાં નાસી ગયો હતો.
વનવિભાગે
આપેલી માહિતી મુજબ નિમગાંવ-ખંડોબા ગામે ચાર વર્ષનો દેવાંશ રાત્રે ઘરની બહાર રમતો
હતો. ભારે ઝાડીમાંથી દીપડો ત્રાટક્યો હતો. પલકવારમાં બાળકને ડોકેથી પકડી ઢસેડી જવા
માંડયો હતો. આ રીતે લગભગ ૧૦૦ ફૂટ દૂર ખેંચી ગયા બાદ દીકરાની ચીસ સાંભળી બહાર દોડી
આવેલી માતા દીપડા તરફ ધસી ગઈ હતી અને રાડારાડ કરી મૂકી હતી. પરિણામે દીપડો બાળકને
મૂકીને જંગલ તરફ નાસી ગયો હતો.
બીજી ઘટનામાં મુળશી ગામે રાતના સમયે એક બંગલાનો
દરવાજો અધખુલ્લો હતો ત્યારે દબાતે પગલે આવેલા દીપડો દરવાજો હડસેલી અંદર દાખલ થયો
હતો અને રૃમમાં સૂતેલા કર્મચારી ઉપર જ સીધી તરાપ મારી હતી. કર્મચારીએ સામનો કરતા
દીપડો પલાયન થઈ ગયો હતો. જોકે હુમલાને કારણે કર્મચારીને ઈજા થઈ હતી.
દીપડા
સામે સ્વરક્ષણ માટે હથિયાર રાખવાની સુચના નથી અપાઈ
'દીપડાના હુમલા સામે બચાવ માટે
દાતરડા જેવાં ધારદાર શસ્ત્રો સાથે રાખવાની સુચના વનવિભાગે આપી છે' એવી સોશ્યલ મિડિયામાં વાઇરલ થયેલી અફવા અંગે વનવિભાગે સ્પષ્ટતા કરી હતી કે
શસ્ત્રો સાથે રાખી ફરવાની કોઈ જ સુચના આપવામાં નથી આવી. નાગરિકોની સુરક્ષા માટે
વનવિભાગ અને રાજ્ય સરકાર તરફથી જરૃરી પગલાં લેવામાં આવી રહ્યા છે. એટલે કોઈ પણ
જાતની અફવા પર વિશ્વાસ ન મૂકવાની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તાકીદ કરી છે.
સાતારામાં
બિલ્ડિંગના કમ્પાઉન્ડમાંથી દીપડાના બચ્ચાં મળ્યાં
સાતારામાં શાહુનગર વિસ્તારના એક બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ફરતા
દીપડાના બે બચ્ચાં મળી આવ્યા હતા. વનવિભાગે તરત જ બચ્ચાને તાબામાં લીધા હતા. બચ્ચાની
માતા આ જ વિસ્તારમાં ફરી રહી હોવાથી મકાનના રહેવાસીઓએ ફોરેસ્ટ ખાતાને લોકોના રક્ષણ
માટેના પગલાં લેવાની અપીલ કરી હતી.


