Get The App

ગેસના અભાવે મુંબઈમાં અડધાથી વધુ રેસ્ટોરાં આજકાલમાં બંધ

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
ગેસના અભાવે મુંબઈમાં અડધાથી વધુ રેસ્ટોરાં આજકાલમાં બંધ 1 - image

સતત તવો ગરમ રાખવો  પડે તેવા ઢોસા, ઉત્તપમ મેનુમાંથી બાકાત 

સંખ્યાબંધ બેકરીઓમાં મ્યુનિ.એ જ લાકડાંનો ઉપયોગ બંધ કરાવી એલપીજીની ફરજ પાડી હતી, હવે સંકટ

મુંબઈ -  કમર્સિયલ એલપીજી સિલિન્ડરોની અછત થઈ હોવાથી મુંબઈના રેસ્ટોરાંઓ સ્ટાફના ભોજન માટે ઇલેક્ટ્રિક ઈન્ડક્શન  સ્ટોવનો ઉપયોગ શરૃ કર્યો છે. મેનુમાં બદલાવ કરીને ગેસ બચાવવાના રસ્તાઓ પર વિચાર થઈ રહ્યો છે. કમર્સિયલ સિલિન્ડરોની ઉપલબ્ધતા અંગે કોઈ સ્પષ્ટતા સરકાર તરફતી મળી રહી નથી. રેસ્ટોરાં ઉદ્યોગોના પ્રતિનિધિઓના કહેવા પ્રમાણે મુંબઈના ૫૦ ટકા રેસ્ટોરાંઓએ હંગામી ધોરણે બંધ કરવું પડે તેવી સંભાવના છે. 

ઓનિયન  ઉતપમ અને રવા ઢોસામાં વધુ સમય અને વધુ ગેસ વપરાતો હોવાથી સંખ્યાબંધ સાઉથ ઈન્ડિયન ઈટરીએ તો ડીશ મેનુમાંથી હટાવી દીધી છે. રેસ્ટોરાં સંચાલકોના જણાવ્યા અનુસાર અમારે આ ડિશ બનાવવા માટે તવાનું એક ચોક્કસ ટેમ્પરેચર જાળવી  રાખવાનું હોય છે. તેમાં ગેસ વધારે વપરાય છે. આથી, આ ડિશ બંધ કરવી પડે તેમ છે. 

મુંબઈના   એક હોટેલ અને રેસ્ટોરાં એસોસિયશનના એક પ્રતિનિધિના કહેવા મુજબ ૨૦ ટકા રેસ્ટોરાં હંગામી ધોરણે બંધ થઈ ગયા છે. એક અન્ય સંગઠનના હોદ્દેદારે કહ્યું કે 'સ્ટાફના ભોજન, ચા અને ચોખાના વ્યંજનો માટે ઇલેક્ટ્રિક ગેસ સ્ટોવનો ઉપયોગ શરૃ કર્યો છે.' એક નિષ્ણાતે કહ્યું કે ઇલેક્ટ્રિક ઇન્ડકશન  સ્ટોવના સંપૂર્ણપણે ઉપયોગ શક્ય નથી, કારણ કે ઇલેક્ટ્રિક લોડની ક્ષમતા સીમિત હોય છે. કીચનમાં ઇલેક્ટ્રિક સ્ટોવ્સ ખરીદીને બેસાડવા માટે પણ રેસ્ટોરાં બે-ત્રણ દિવસ બંધ કરવા જરૃરી છે.

નરિમાન  પોઇન્ટથી દહિસર અને મુલુંડ સુધીના રેસ્ટોરાં સંચાલકો મેનુમાં બદલાવ કરી રહ્યા છે. એક રેસ્ટોરાંસંચાલકે કહ્યું કે 'ગેસનો વધુ ઉપયોગ થતો હોય તેવી ડિશિશ અમે મેનુમાંથી હટાવીશું. અમે શેઝવાન સોસ ઇનહાઉસ બનાવતા હતા, પણ હવે તૈયાર લેવાનો વિચાર કરીએ છે.' ઘણાં  બેકરીસંચાલકોએ તાજેતરમાં એલપીજી ગેસનો ઉપયોગ કરવાનું શરૃ કર્યું હતું.

એક  બેકરી સંચાલકે કહ્યું કે 'અમે ડિસેમ્બર મહિનાથી એલપીજી ઓવનનો ઉપયોગ શરૃ કર્યો હતો. તે અગાઉ લાકડાના બળતણથી ચાલતા ચુલાઓનો ઉપયોગ કરતા હતા. બેકરીમાં બે દિવસમાં ત્રણ એલપીજી સિલિન્ડર પૂરા થઈ જાય છે. નવો પુરવઠો આવે તેમાં એક-બે દિવસ થઈ શકે છે. અમે ઇલેક્ટ્રિક ઓવનનો ઉપયોગ શરૃ કર્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશને લાકડાનો ઈંધણ તરીકે ઉપયોગ  કરાતો હોય તેવી  ભઠ્ઠી ધરાવતી બેકરીઓ પર તવાઈ બોલાવી હતી અને સૌને ફરજિયાત એલપીજીનો ઉપયોગ કરવા તરફ વાળ્યા હતા. 

એક  રેસ્ટોરાંના શેફે કહ્યું કે 'દાલભાત જેવી ડિશ બનાવવા ધીમા તાપે રાંધવું પડે છે આથી આવી આઇટમ્સ મેનુમાંથી હટાવવાનો વિચાર કરી રહ્યા છે.' તંદુરી રોટી અગાઉ કોલસાના તંદુરમાં બનતી હતી, પણ થોડા સમયથી ગેસ પર ચાલતા તંદૂરમાં બનાવવાનું શરૃ કરવામાં આવ્યું હતું. તંદૂરી રોટી વગર ચલાવી લેવું પડે તેવા દિવસ આવી શકે છે, તેવું તેમણે કહ્યું હતું. 

રેસ્ટોરાં સ્ટાફ ઉપરાંત હજારો ગિગ  વર્કર્સ પણ બેકાર થઈ જશે

રેસ્ટોરાં ઉદ્યોગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે એલપીજીના અભાવે તેમણે ઓપરેશન્સ કાં તો સમગ્રતયા બંધ કરી દેવાં પડશે અને અથવા તો  રેસ્ટોરાં બહુ જ સિમિત મેનુ પર ચલાવવાં પડશે. તેના કારણે અમારે  કૂકિંગ, ક્લિનિંગ,  સર્વિંગ સાથે સંકળાયેલા અનેક સ્ટાફના નાછૂટકે ફરજિયાત રજા પર ઉતારી દેવો પડશે .બિઝનેસ વોલ્યુમ વિના એમના પગાર આપવાનું પરવડે તેમ નથી. રેસ્ટોરાં અંશતઃ ચાલુ રહે તો પણ લાઈટ સહિતના ઓવરહેડ્સ યથાવત રહે છે. વધુમાં નાની મોટી ઈટરીઓ બંધ પડશે તો ફૂડ ડિલિવરી એપ્સ દ્વારા રોજીરોટી મેળવતા હજારો ગિગ વર્કર્સની રોજીરોટી પણ છિનવાઈ જશે. ઓર્ડર્સનું વોલ્યુમ બંધ થતાં આ ગિગ વર્કર્સને મળતર સાવ બંધ અથવા તો નહીંવત્ત બની જશે અને તેમના માટે ટકી રહેવું અઘરું થઈ જશે. 

મુંબઈ જેવાં શહેરમાં આઉટસાઈડ ફૂડ લક્ઝરી નહિ અનિવાર્ય જરુરિયાત

સંખ્યાબંધ ફૂડપ્રિન્યોર્સ સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કરી રહ્યા છે કે મુંબઈ જેવાં મેગા સિટીમાં આઉટસાઈડ ફૂડ એ કોઈ લક્ઝરી કે શોખની વસ્તુ નહિ પરંતુ મજબૂરી હોય છે એ વાત સરકાર ભૂલી રહી છે. સરકારે એલપીજીને એસેસન્શિયલ કોમોડિટી જાહેર કરી ફક્ત ઘરેલુ ગ્રાહકોને સાચવવા ઓઈલ માર્કેટિંગ કંપનીઓને જણાવ્યું છે. એવું સમજવામાં આવ્યું છે કે લોકો રેસ્ટોરાંમાં ફક્ત મોજ શોખ ખાતર જ ખાવા જતા હોય છે. વાસ્તવમાં મુંબઈમાં લાખો લોકો રોજેરોજ નાની નાની ઈટરીઓમાં જ ભોજન આરોગે છે અથવા તો તેમની ઓફિસ કે ઘરે ત્યાંથી જ ફૂડ મગાવે છે. મુંબઈમાં લાખો  લોકો પરિવાર વિના એકલા રહે છે. કેટલાય લોકો ઘરમાં શેરિંગમાં રહેતા હોય છે અને તેઓ ઘરમાં કિચન ચલાવતા હોતા નથી. પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય અને બંનેને વહેલી સવારે ઘરેથી નીકળી જવાનું હોય તો ટિફિન તૈયાર કરવાનો સમય રહેતો નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રી, જથ્થાબંધ બજારો, અનેક ફેક્ટરીઓમાં પણ હજારો લોકો બહારગામથી  થોડા દિવસો કે મહિના પૂરતા જ મુંબઈ આવતા હોય છે અને તેઓ હોટલ-રેસ્ટોરાંના ફૂડ પર જ નભે છે. તે બધા માટે ભોજનની વ્યવસ્થાનો પ્રશ્ન વિકરાળ બનશે.

ઈન્ડક્શનના ઉપયોગની જાહેરાતોથી સોશિયલ મીડિયા ઉભરાયું

સંખ્યાબંંધ રેસ્ટોરાં એલપીજીના અભાવે બંધ થવાની હાલત પર છે. બીજી બાજુ કેટલીક ઈટરીઓ એવી  પણ છે જે ઈન્ડક્શનનો જ ઉપયોગ કરે છે. તેમના પર હાલ કોઈ સંક્ટ નથી. મુંબઈમાં સોશિયલ મીડિયા પર સંખ્યાબંધ ઈટરીઓ પોતાને ત્યાં ઈન્ડક્શન જ વપરાય છે તેવી જાહેરાતો કરવા માંડી છે. કેટલાય ફૂડ બ્લોગર્સ પણ કઈ કઈ રેસ્ટોરાં કે ફૂડ ચેઈન ઈન્ડક્શન જ વાપરે છે અને ત્યાં મેનુમાં કોઈ ફેરફાર નથી તેની શોધખોળ ચલાવીને પોસ્ટસ પણ કરી રહ્યા છે. આમ , સંખ્યાબંધ લોકોએ આ આફતમાં પણ અવસર શોધી લીધો છે.