800 થી વધુ નવરાત્રિ મંડપોને હજુ બીએમસીની પરવાનગી બાકી

નવરાત્રિના આયોજકોને છેલ્લી ઘડીની દોડાદોડ
ઓનલાઈન સિસ્ટમમાં ૧૨૦૦ અરજી આવી તેમાંથી ૪૦૦ જ પ્રોસેસ થઈ
મુંબઇ - ભક્તિ અને શક્તિના તહેવાર નવરાત્રીની શરૃઆત આડે હવે ચાર જ દિવસ રહ્યા છે ત્યારે સાર્વજનિક ઉત્સવ મંડપોવાળા મંડપ ઉભા કરવા માટે મહાપાલિકાની પરવાનગી મેળવવા દોડધામ કરી રહ્યા છે.
બીએમસીએ મંડપની પરવાનગી માટે ઓનલાઇન સિંગલ વિન્ડો સિસ્ટમ શરૃ કરી છે. આમાં અત્યાર સુધીમાં ૧૨૦૦ અરજીઓ મળી છે આમાંથી લગભગ ૪૦૦ અરજીઓ પાસ કરી મંજૂરી આપવામાં આળી છે. જ્યારે હજી ૮૦૦ મંડપોને પરવાનગીની પ્રતીક્ષા છે. આ અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે એમ પાલિકા સત્તાવાળાએ જણાવ્યું હતું.
નવરાત્રીમાં રસ્તા ઉપર મંડપ બાંધવા માટે મહાપાલિકાની પરવાનગી લેવી પડે છે. આ વખતે પણ ઓનલાઇન સિંગલવિન્ડો યોજના હેઠળ માત્ર ૧૦૦ રૃપિયાની ફી લઇ પરવાનગી આપવામાં આવી રહી છે.
માતાજીની પ્રતિમાના વિસર્જન માટે કૃત્રિમ તળાવ
ગણેશોત્સવની જેમ નવરાત્રીમાં પણ માતાજીની નાની પ્રતિમાઓના વિસર્જન માટે મહાપાલિકા તરફથી કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવશે. ૬ ફૂટથી ઉંચી પ્રતિમાઓને દરિયા, નદી કે કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જિત કરવાની પરવાનગી આપવામાં આવી છે.









