ઇંડિગો એરલાઇન્સની અંધાધૂંધી યથાવત
રલાઇન્સ પર આક્રોશ ઠાલવતા પ્રવાસીઓ - ડી.જી.સી.એ દ્વારા ફ્લાઇટ ડયુટી ટાઇમ લિમિટેશનનો નિર્દેશ પાછો ખેંચાયો
સતત ચોથા દિવસે ઇંડિગો એરલાઇન્સની અંધાધૂંધી યથાવત રહેતા હજારો પેસેન્જરો જુદા જુદા એરપોર્ટ પર અટવાઇ ગયા હતા. મુંબઇ સહિત દેશભરમાં આજે ઇંડિગોની ૫૫૦થી વધુ ફ્લાઇટ રદ થઇ હતી. પરિણામે વિમાન મથકો પર પ્રચંડ ભીડને કારણે પગ મૂકવાની જાણે જગ્યા નહોતી રહી. દરમ્યાન ડીજીસીએએ વચ્ચે પડીને ફ્લાઈટ ડયુટી ટાઈમ લિમિટેશનનો નિર્દેશ પાછો ખેંચ્યો હતો.
મુંબઇ, પુણે, દિલ્હી, બેંગ્લુરુ સહિત દેશના મુખ્ય એરરૃટ પરની વિમાનસેવાઓ ખોરવાતા એરપોર્ટ પર મુશ્કેલીનો સામનો કરતા પ્રવાસીઓની લાંબી કતારો લાગી હતી, આક્રોશ ઠાલવતા અને વિરોધ દર્શાવતા પેસેન્જરોનો સામનો કરવાનું ઇંડિગોના સ્ટાફ તરફથી મુશ્કેલ બની ગયું હતું.
સોશ્યલ મિડિયામાં ઇંડિગો એરલાઇન્સ પર લોકોએ પસ્તાળ પાડી હતી અને પ્રવાસીઓને અભૂતપૂર્વ કટોકટીમાં ધકેલવા બદલ તેમને માથે માછલા ધોવામાં આવ્યા હતા. ઇંડિગો એરલાઇન્સ તરફથી લૂલો બચાવ કરતા જણાવવામાં આવ્યું હતું કે મુસાફરોને પડેલી મુશ્કેલી બદલ અને દિલગીરી વ્યક્ત કરીએ છીએ. એરલાઇન્સની કામગીરી અનેક ઘટકો પર આધારિત હોય છે. આમાંથી અમુક બાબતો અમારા નિયંત્રણની બહાર હોવાથી ટાઇમ- ટેબલ ખોરવાઇ ગયું છે. ભવિષ્યમાં વધુ સારી સેવા આપવાનો પ્રયાસ કરશું એવી હાસ્યાસ્પદ હૈયાધારણ આપવામાં આળતા નેટીઝનોએ ઠેકડી ઉડાડી હતી.
ડી.જી.સી.એ. (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન) દ્વારા એફડીટીએલ (ફ્લાઇટ ડયુટી ટાઇમ લિમિટેશન)ને લગતો વિમાન કંપનીઓને લગતો નિર્દેશ તત્કાળ પાછો ખેંચી લેેવામાં આવ્યો હતો. આને પગલે ચાર દિવસથી હાલાકી વેઠતા પ્રવાસીઓએ રાહત અનુભવી હતી.
ફ્લાઇટ ડયુટી ટાઇમ લિમિટેશનને લીધે સૌથી મોટો ફટકો દેશની સૌથી મોટી એરલાઇન્સ ઇંડિગોને પડયો હતો. આ નિયમને લીધે એરલાઇન્સના ક્રુ મેમ્બર્સની ખેંચ ઉભી થતા ૫૫૦થી વધુ ફ્લાઇઠસ રદ કરવામાં આવી હતી અને હજારો પેસેન્જરો અટવાઇ પડયા હતા.
ડી.જી.સી.એ.એ ફ્લાઇટ ડયુટી ટાઇમ લિમિટેશનને લગતા તમામ નિર્દેશો પાછા ખેંચી લેતા ઇંડિગો સહિત દેશની બધી જ વિમાન કંપનીઓને રાહત થઇ છે. હવે ધીરે ધીરે વિમાન સેવા પૂર્વવત થશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ફ્લાઇટ ડયુટી ટાઇમ લિમિટેશન્સના બીજા તબક્કાની અમલ બજવણીમાં ભૂલભરેલા આયોજન અને આ નિયમોની લાદવામાં આવતા ખરી કટોકટી ઉભી થઇ હતી. ડીજીસીએ દ્વારા અપાયેલા નિર્દેશનો અમલ કરવામાં ઇંડિગો સદંતર નિષ્ફળ જતા એરલાઇન્સની કામગીરી ખોરવાઇ ગઇ હતી. ઈન્ડિગોના શેર શુક્રવારે બપોરે ત્રણ ટકા ઘસારો જોવા મળ્યો હતો. ઈન્ડિગોનું ઓન ટાઈમ પરફોર્મન્સ (ઓટીપી-સમયબદ્ધતાની સૂચી) ગુરુવારે ઘટીને ૮.૫ થઈ હોવાનું સિવિલ એવિયેશન દ્વારા જણાવાયું હતું.


