પરીક્ષા રદ થતાં કરોડો રુપિયાનો ખર્ચ પણ એળે ગયો
ફક્ત સ્ટાફ માટે જ ૪૦ કરોડથી વધુ ખર્ચ, પરિવહન, સુરક્ષા, ટેકનોલોજી, કેન્દ્રોની વ્યવસ્થા, સર્વેલન્સમાં બીજો અનેકગણો ખર્ચ
મુંબઇ - નીટ - ૨૦૨૬ પરીક્ષા રદ થતા તેના આયોજનમાં થયેલા કરોડો રુપિયા એળે ગયા છે. જુદાં જુદાં સ્તરે સ્ટાફને ચૂકવણી પાછળ જ ૪૦ કરોડથી વધુ ખર્ચાયા હોવાનો અંદાજ છે આ ઉપરાંત પરીક્ષાના આયોજનમાં સમગ્રતયા અનેકગણો ખર્ચ થયો છે જે બધો હવે વ્યર્થ ગયો છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા ગત ત્રીજી મેના રોજ યોજાયેલી પરીક્ષા માટે દેશભરમાં બે લાખથી વધુ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી. તેમાં ઓબ્ઝર્વર, ઇન્વિજિલેટર, સુપરવાઇઝર, સેન્ટર સુપરિન્ટેન્ડન્ટ, કોઓડનેટર, પોલીસ કર્મચારીઓ તેમજ સુરક્ષા સ્ટાફનો સમાવેશ થતો હતો. જોકે એનટીએ દ્વારા સત્તાવાર રીતે મહેનતાણાની વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ આવા કર્મચારીઓને સામાન્ય રીતે તેમની જવાબદારી મુજબ રુપિયા ૧,૫૦૦થી રુપિયા ૫,૦૦૦ સુધીનું માનધન આપવામાં આવે છે.
જો દરેક કર્મચારીને સરેરાશ ૨,૦૦૦થી વધુ મહેનતાણું ચૂકવાયું હોવાનું માનવામાં આવે, તો માત્ર માનવબળ પાછળનો ખર્ચ જ રુપિયા ૪૦ કરોડથી વધુ સુધી પહોંચે તેવી શક્યતા છે. જોકે માનધનની રકમ રુપિયા ૨,૪૦૦ કે તેથી વધુ હોવાનો પણ અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ અંદાજમાં પરિવહન, સુરક્ષા વ્યવસ્થા, ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા, પ્રશ્નપત્રોની છપાઈ, સર્વેલન્સ સિસ્ટમ, નિવાસ તથા અન્ય વહીવટી ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
અગાઉ કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી હતી કે નીટ યોજનારી એજન્સીને ૨૦૨૩-૨૪નાં વર્ષમાં ફી પેટે ૧૦૬૫ કરોડની આવક થઈ હતી પરંતુ તેની સામે તેને ૧૦૨૦ કરોડનો ખર્ચ થયો હતો.


