લાલબાગ ચા રાજાના વિસર્જનમાં 100થી વધુ મોબાઇલ ચોરાયા, અનેક ચેઈન સ્નેચિંગ
માર્ગો પર જંગી મેદની જામતાં ચોરોએ લાભ ઉઠાવ્યો
કાલાચોકી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા લાઈન લાગીઃ મોબાઈલ ચોરીમાં ચાર, ચેઈન સ્નેચિંગમાં ૧૨ પકડાઈ પણ ગયા
મુંબઇ - મુંબઇના ે જાણીતા લાલબાગ ચા રાજા ગણપતિના વિસર્જનમાં ભીડમાં ભક્તો ચોરીનો ભોગ બન્યા હતા. આ વર્ષે વિસર્જન દરમિયાન મોબાઇલ ફોન ચોરીમાં ૧૦૦ થી વધુ બનાવો નોંધાયા હતા. જ્યારે ચેઈન સ્નેચિંગના અનેક કેસ બન્યા હતા.
ગણેશોત્સવમાં વિસર્જન વખતે સુરક્ષા વ્યવસ્થામાં વધારો અને પોલીસ બંદોબસ્ત હોવા છતાં આ ઘટનાઓએ ગંભીર ચિંતાઓ ઉભી કરી છે. પોલીસે નાગરિકોને ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપતી વખતે ભીડમાં સતર્ક રહેવા અને તેમના મોબાઇલ ફોન, દાગીના, કિંમતી વસ્તુઓ દેખરેખ રાખવાની અપીલ કરી હતી.
લાલબાગચા રાજા ગણપતિનું વિસર્જન કરવા માટે આ વર્ષે લગભગ ૩૩ કલાક લાગ્યા હતા. લાલબાગ ચા રાજાના વિસર્જન શોભાયાત્રામાં હજારો ભક્તો જોડાયા હતા.
દર વર્ષની જેમ ખાસ કરીને લાલબાગ વિસ્તારમાં વિસર્જન વખતે મોબાઇલ ચોર, ચેન સ્નેચિંગ કરતી ગેંગ સક્રિય હતી. ભીડ અને સતત ધક્કામુક્કીના કારણે આ ટોળકી સરળતાથી ચોરી કરી શક્યા હતા.
આ વર્ષે શોભાયાત્રામાં મોબાઇલ ફોન ચોરીના ૧૦૦ થી વધુ બનાવ નોંધાયા બાદ કાલાચોકી પોલીસ સ્ટેશનની બહાર ફરિયાદ નોંધાવવા માટે ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. પોલીસે ચાર કેસ ઉકેલી લીધા હતા.
એક સિનિયર પોલીસ ઓફિસરના જણાવ્યા મુજબ મોબાઇલ ચોરીના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ૧૨ વ્યક્તિ ચેન સ્નેચિંગના કેસમાં કસ્ટડીમાં છે. લગભગ ૫૦ મોબાઇલ ફોન ચોરીની ફરિયાદોની તપાસ ચાલી રહી છે. અને ગુનેગારોને શોધવાના પ્રયાસ કરી રહ્યા છે.
ચેન સ્નેચિંગના ગુનામાં આરોપી પાસેથી સોનાની બે ચેન જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત પરવાનગી વિના ડ્રોનનો ઉપયોગ કરવાના મામલામાં ભોઇવાડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે.