વિદાય લેતા વર્ષના છેલ્લા દિવસે
વીમા કવચનો અભાવ, ઓછું મહેનતાણું અને નોકરીની સલામતી નહીં આ મુદ્દે દેશવ્યાપી હડતાળ
મુંબઇ - વેતન સુરક્ષા સહિત અનેક માગણીઓના ટેકામાં આવતી કાલે દેશભરના ડિલિવરી બોયની હડતાલમાં મુંબઇના ૧૦ હજાર ડિલિવરી બોય જોડાશે.
ઇન્ડિયન ફેડરેશન ઓફ એપ બેઝડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ (આઇએફએટી) તરફથી બુધવારે દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. ડિલિવરી બોયને મળતા ઓછા મહેનતાણા, વીમાં સુરક્ષા કવચનો અભાવ તેમજ નોકરીની સુરક્ષા નહીં હોવા જેવી બાબતો તરફ ધ્યાન ખેંચવા માટે આવતીકાલની હડતાલમાં મુંબઇમાં મુખ્યાલય ધરાવતા મહારાષ્ટ્ર એપ બેઝડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયને ટેકો આપ્યો હોવાથી હજારો ડિલિવરી બોય કામ બંધ રાખશે.
યુનિયનના સૂત્રોએ જણાવ્યું હતું કે ટુ-વ્હીલર પર સામાન પહોંચાડવા જતા ડિલિવરી બોય અકસ્માતનો ભોગ બને અથવા જખમી થાય ત્યારે તેને વીમાનો લાભ નથી મળતો, ઉપરાંત ખૂબ જ ઓછા પૈસે તેમણે કલાકો સુધી આકરી ફરજ બજાવવી પડે છે. ઉપરાંત નોકરીની પણ કોઇ સલામતી નથી હોતી, ગમે ત્યારે કાઢી મૂકવામાં આવે છે. આ મામલે સરકારનું ધ્યાન ખેંચવા માટે હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો છે.


