આજે
મુંબઈમાં ભારે વરસાદની આગાહી
૧૬ દિવસ હર્ણાઈમાં સ્થિર રહ્યા બાદ ચોમાસાની
આગેકૂચઃ નાગપુર સહિત વિદર્ભમાં પણ પ્રિ મોન્સૂન શાવર્સ શરુ
મુંબઇ -
હવામાન વિભાગે એવા
ખુશ ખબર આપ્યા છે કે ૨૦૨૬નું નૈઋત્યનું ચોમાસુ આજે ૨૨, જૂને અલીબાગ અને
પુણેમાં આવી પહોંચ્યું છે. આવતા ૪૮
કલાક દરમિયાન વર્ષા ઋતુનું ભીનું ભીનું
રૃમઝૂમ મુંબઇ સહિત મહારાષ્ટ્રના વધુ વિસ્તારોમાં આગળ વધે તેવાં તમામ કુદરતી પરિબળો સાનુકુળ બની
રહ્યાં છે. હવે મેઘરાજાની સવારી મુંબઇના
આંગણે બુધવાર, ૨૪,
જૂન સુધીમાં આવી પહોંચે
તેવો શુકનિયાળ વરતારો છે.
નૈઋત્યની
વર્ષા ઋતુનું આગમન ૪,જૂને કેરળના સમુદ્રમાં
થયું છે. ત્યારબાદ ફક્ત ૪૮ કલાકમાં કેરળથી
૬, જૂને છેક દક્ષિણ
મહારાષ્ટ્રના હર્ણાઇમાં આવી પહોંચ્યું. જોકે
૬, જૂન બાદ ચોમાસાનાં તમામ કુદરતી પરિબળો અત્યંત મંદ
થઇ જતાં ચોમાસુ સતત ૧૬ દિવસ સુધી હર્ણાઇમાં જ રોકાઇ રહ્યું હતું. જોકે હવે
વર્ષા ઋતુનાં બધાં પરિબળો ફરીથી
સક્રિય અને સાનુકુળ થયાં હોવાથી ચોમાસુ આજે બરાબર ૧૬ દિવસ બાદ હર્ણાઇથી આગળ
વધીને મુંબઇ નજીકના અલીબાગ અને પુણે સુધી આવી પહોંચ્યું છે.
હાલ
નૈઋત્યના ચોમાસાની ઉત્તરીય રેખા અલીબાગ,
પુણે, નિઝામાબાદ, દાંતેવાડા,
બાલાંગીર,સુંદરગઢ, છત્રા,ગયા, મુઝ્ઝફરપુર
પરથી પસાર થઇ રહી છે. હવામાન વિભાગે એવી આગાહી પણ કરી છે કે આવતા ૨૪ કલાક(૨૩,જૂન) દરમિયાન મુંબઇમાં મેઘગર્જના, વીજળીના પ્રચંડ
કડાકા, તીવ્ર પવન( ૩૦ -૪૦ કિ.મી) સાથે મુશળધાર વરસાદ વરસે
તેવો માહોલ સર્જાઇ રહ્યો છે.
સાથોસાથ આવતા ચાર દિવસ(૨૩ થી ૨૬, જૂન) દરમિયાન મુંબઇ સહિત
થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં પણ ભારે ગાજવીજ, તીવ્ર પવન સાથે મધ્યમથી
ભારે વર્ષા થવાની સંભાવના છે.ખાસ કરીને ૨૩થી ૨૫, જૂન દરમિયાન
રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં મેઘગર્જના, વીજળીના ચમકારા, તોફાની પવન સાથે ભારે
વર્ષા થાય તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે.
બીજીબાજુ આ જ ચાર દિવસ દરમિયાન મધ્ય
મહારાષ્ટ્ર(અહિલ્યાનગર, પુણે, કોલ્હાપુર, સાતારા,
સાંગલી, સોલાપુર)માં ગાજવીજ અને તીવ્ર પવન
સાથે મુશળધાર વરસાદ વરસે તેવી સંભાવના
છે.જોકે વિદર્ભમાં હજી આવતા ત્રણ -ચાર દિવસ દરમિયાન ગરમી, ઉકળાટનું
ઉનું ઉનું વાતાવરણ રહેવાની સંભાવના છે.
હવામાન
વિભાગ( મુંબઇ કેન્દ્ર) ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ બીક્રમ સિંહે ગુજરાત સમાચારને એવી માહિતી આપી
છે કે હાલ અરબી સમુદ્રમાં કુદરતી ગતિવિધિ વધી રહી છે. વરસાદી વાદળો બનવાની કુદરતી
પ્રક્રિયા વધુ સક્રિય બની છે. સાથોસાથ મોન્સૂન સર્જ, નૈઋત્યના ભેજવાળા પવનોની દિશા અને ગતિ પણ
ઘણાં સાનુકુળ બની રહ્યાં છે.
આજે ઇસરોના ઇન્સેટ - ૩ ડી - આઇએમજી સેટેલાઇટની
ઇમેજ( સાંજના ઃ ૬ ઃ ૩૦) માં વરસાદી વાદળોનો વિશાળ
જમઘટ મુંબઇ નજીક સ્પષ્ટપણે જોઇ
શકાય છે. આ જ વરસાદી વાદળો હવે કોંકણની આખી સમુદ્રપટ્ટીને આવરી લેશે.
મુંબઇમાં
ચોમાસાનું આગમન આવતા ૪૮ કલાક( ૨૪,
જૂન) દરમિયાન લગભગ સંતોષકારક બને તેવી પણ સંભાવના છે.વળી, ત્યારબાદ પણ શહેરમાં વરસાદી માહોલ સારો રહે, મુંબઇગરાંને
ગરમી અને ઉકળાટમાં ઘણી રાહત રહે તેવાં કુદરતી પરિબળો સાનુકુળ છે. ઉપરાંત, ૨૪, જૂન બાદ મુંબઇ ઉપરાંત મહારાષ્ટ્રના વધુ વિસ્તારોમાં પણ વર્ષા ઋતુ આગળ
વધશે.
બીજીબાજુ હવામાન વિભાગ( નાગપુર કેન્દ્ર) ના
સિનિયર વિજ્ઞાાની પ્રવીણ કુમારે ગુજરાત
સમાચારને એવી માહિતી આપી છે કે આજે
સાંજે વિદર્ભનાં નાગપુર, વર્ધા, વાશીમ, ચંદ્રપુર, ગઢચિરોળી
વગેરેમાં પ્રિ-મોન્સુન શાવર્સ ( ચોમાસા પહેલાંનાં વરસાદી ઝાપટાં) નો માહોલ સર્જાયો
હતો. પરિણામે આ બધાં સ્થળોએ વાતાવરણમાં ટાઢક થઇ હતી. નાગરિકોેને અસહ્ય ગરમી અને
ઉકળાટમાં થોડોક હાશકારો રહ્યો હતો. જોકે હજી વિદર્ભમાં હજી આવતા ત્રણ -ચાર દિવસ
દરમિયાન હીટવેવનું ઉનું ઉનું વાતાવરણ રહેવાની શક્યતા છે.
મુંબઇમાં
૧૬ દિવસ બાદ પ્રિ -મોન્સુન શાવર્સ
આજે સવારે મુંબઇનાવરલી, મલબાર હિલ્સ, દાદર, બાંદ્રા વગેરેમાં પ્રિ -- મોન્સુન શાવર્સ(
ચોમાસાના આગમન પહેલાંનાં વરસાદી ઝાપટાં)
નું વાતાવરણ સર્જાયું હતું. પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આજે કોલાબામાં
મહત્તમ તાપમાન૩૩.૬ અને લઘુત્તમ તાપમાન ૨૫.૮ ડિગ્રી, જ્યારે
સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૪.૬ અને લઘુત્તમ
તાપમાન ૨૫.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે કોલાબામાં ભેજનું
પ્રમાણ ૯૨ - ૬૪ ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૮૯ - ૭૪ ટકા જેટલું ઘણું વધુ
રહ્યું હતું.


