મુંઈમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય

આવતા 4 દિવસ મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રનું હવામાન સૂકું રહેવાનો સંકેત
મુંબઇ - હવામાન વિભાગે આજે સત્તાવાર રીતે એવી જાહેરાત કરી છે કે આજે ૧૦, ઓક્ટોબરે ૨૦૨૫ની નૈઋત્યની વર્ષા ઋતુએ મુંબઇ સહિત મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાંથી વિદાય લીધી છે. હાલ ચોમાસાની વિદાય રેખા મહારાષ્ટ્રના અલીબાગ અને અકોલા સહિત જબલપુર, વારાણસી પરથી પસાર થઇ રહી છે.
મુંબઇમાંથી વર્ષા ઋતુની વિદાય પરંપરાગત રીતે ૮, ઓક્ટોબરે થાય છે. એટલે કે ચોમાસાની મુંબઇમાંથી વિદાયની સામાન્ય તારીખ ૮, ઓક્ટોબર છે. આ દ્રષ્ટિએ ૨૦૨૫ના ચોમાસાએ મુંબઇમાંથી બે દિવસ મોડી વિદાય લીધી છે.
સાથોસાથ હજી આવતા ૩ -૪ દિવસ દરમિયાન મેઘરાજા મહારાષ્ટ્રના વધુ વિસ્તારોમાંથી પણ વિદાય લે તેવાં સાનુકુળ કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે.ઉપરાંત, વર્ષા ઋતુ મહારાષ્ટ્ર સહિત ગુજરાત, મધ્ય પ્રદેશ,ઉત્તર પ્રદેશ,બિહાર, ઝારખંડ, છત્તીસગઢ વગેરે રાજ્યોમાંના અમુક વિસ્તારોમાંથી પણ વિદાય લેશે.
આવાં કુદરતી પરિબળો સાનુકુળ બની રહ્યાં હોવાથી ચોમાસુ આવતા થોડા દિવસોમાં મુંબઇમાંથી પણ વિદાય લે તેવી શક્યતા ખરી.
હાલ ચોમાસુ દક્ષિણ કોંકણ,ગોવા,મરાઠવાડામાં સામાન્ય છે.
હવામાન વિભાગે એવો સંકેત પણ આપ્યો છે કે આવતા ચાર દિવસ(૧૧ થી ૧૪, ઓક્ટોબર) દરમિયાન મુંબઇ સહિત થાણે, પાલઘર,રાયગઢ, નાશિક,ધુળે,નંદુરબાર, જળગાંવ, પુણે વગેરેમાં હવામાન સૂકું રહેશે. સાથોસાથ મહારાષ્ટ્રના મરાઠવાડા અને વિદર્ભમાં પણ વરસાદી માહોલ સર્જાય તેવાં કુદરતી પરિબળો નથી. એટલે કે હવે મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાદળો ઓછાં રહે અને આકાશ સ્વચ્છ રહે તેવી સંભાવના છે.
આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૨.૫ અને લઘુત્તમ તાપમાન ૨૫.૦ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૩.૭ અને લઘુત્તમ તાપમાન ૨૩.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૧ --૬૦ ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૭૧ -૬૧ ટકા રહ્યું હતું.
આવતા ૪૮ કલાક દરમિયાન મુંબઇનું ગગન આછેરું વાદળિયું રહે તેવી સંભાવના છે, જ્યારેમહત્તમ તાપમાન ૩૩.૦થી ૩૪.૦ અને લઘુત્તમ તાપમાન ૨૩.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતા છે.









