ભારતીય નૌકાદળના નાવિક સાથે છેતરપિંડી
બેન્કે જ ફાઈલ મોકલી છે તેવું માની ડાઉનલોડ કરીઃ નકલી બેન્ક મેનેજરનો ફોન પણ આવ્યો
મુંબઈ - કોલાબાના નેવલ ડોકયાર્ડમાં તૈનાત ૨૭ વર્ષીય નાવિકને વોટ્સએપ પર બનાવટી ક્રેડિટ કાર્ડની મોબાઈલ એપ્લિકેશન લિંક મોકલીને રુ. ૯૦ હજારથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. કોલાબા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
કોલાબા પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે પીડિત રામ સિંહને તેના મોબાઈલ ફોન પર અજાણ્યા નંબર પરથી ક્રેડિક કાર્ડની એપીકે ફાઈલ ધરાવતો એક વોટ્સએપ મેસેજ મોકલવામાં આવ્યો હતો. પીડિત પાસે આ જ કંપનીનું ક્રેડિટ કાર્ડ હોવાથી આ ફાઈલ બેંક દ્વારા મોકલવામાં અવી હોવાનું માનીને તેણે આ ફાઈલ ડાઉનલોડ કરી હતી.
આ બાદ ફાઈલ મોબાઈલ ફોનમાં ઈન્સ્ટોલ કરી હતી. ફાઈલ ઈન્સ્ટોલ થતાં જ સાયબર ઠગોએ મોબાઈલ ફોન હેક કરીને બે અલગ અલગ ક્રેડિટ કાર્ડમાંથી બે અલગ અલગ ટ્રાન્સઝેક્શન થયા હોવાના મેસેજો મળ્યા હતા. જેમાંથી એક કાર્ડમાંથી રુ. ૮૦ હજારથી વધુની રકમ, તો બીજા કાર્ડમાંથી રુ. નવ હજારથી વધુની એમ કુલ નેવુ હજારથી વધુ સાયબર ફ્રોડો દ્વારા ઉચાપત કરવામાં આવી હતી.
પોતાની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સમજાતા જ પીડિતે તાત્કાલિક સાયબર હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો અને ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન થોડા સમય પછી જ ફરિયાદીને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. આમાં ફોન કરનારે દાવો કર્યો હતો કે તે બેંક મેનેજર છે અને વાર્ષિક ક્રેડિટ કાર્ડ ફી બંધ કરવાના નામે વધારાના રુ. અઢી હજારની માંગણી કરવામાં આવી હતી. જો કે, પીડિત આ વખતે સતર્ક રહેતા તેણે અન્ય કોઈ ચૂકવણી કરી ન હતી.
ફરિયાદના આધારે કોલાબા પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.


