ફોજદારી કાવતરાંના પુરાવા પણ હોવા જોઈએ તેવી ટકોર
મહિલા પોલીસ અધિકારીના ખાતાંમાંથી
ઉચાપતના કેસમાં સાયબર ફ્રોડ માટે કુખ્યાત
જામતારાનો આરોપી જ છૂટી ગયો
મુંબઈ
- મુંબઈની કોર્ટે સાઈબર ફ્રોડના કેસમાં ઝારખંડના રહેવાસીને
મુક્તિ આપીને નોંધ કરી હતી કે ફોજદારી કાવતરાના પુરાવા વિના માત્ર ફ્રોડની રકમનું
વ્યક્તિના બેન્ક ખાતામા જમા થવાથી ફોજદારી ગુનો બનતો નથી.
ગિરગાંવ કોર્ટના જ્યુડિશ્યલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ ચિમણકર ફરિયાદી
પક્ષનો કેસ નિશંકપણે પુરવાર થયો નહોવાનું નોંધીને આપેલા ચુકાદામાં મનોજ કિસકુ (૨૩)
નામના આરોપીને શંકાનો લાભ આપ્યો હતો.
આ કેસમા ંફરિયાદીને ખોટીરીતે નુકસાન થયું હોવાનું જણાય છે જ્યારે બીજી
બાજુ આરોપીને ખોટી રીતે રકમ ખાતામાં થતાં લાભ થયો
છે. આથી આવા સંજોગોમાં ફોજદારી ગુનો બનતો નથી.
ફરિયાદી પોલીસ અધિકારી પ્રિયંકા પવારને ૨૬ ફેબુ્રઆરી ૨૦૨૨ના રોજ એસએમએસ
આવ્યો હતો જેમાં એચડીએફસી બેન્ક ખાતાને સક્રિય રાખવા પાન કાર્ડ અપડેટ કરવાનું
જણાવ્યું હતું.
મેસેજની લિંક ખોલીને પોતાની વિગત બનાવટી વેબસાઈટ પર નાખી દીધી હતી અને
રૃ.૯૯,૯૮૬ની રકમ તેના ખાતામાંથી ઉડી ગઈ હતી. બાદમાં તેને ફોન કોલ આવ્યો હતો જેણે
ઓટીપી માગ્યો હતો. પાસવર્ડ શેર કરતાં જ રૃ. ૨,૯૯,૯૭૦ની રકમ ખાતામાંથી જતી રહી હતી.
તપાસમાં જણાયું હતું કે એસએમએસ માટે વપરાયેલો મોબાઈલ નંબર અને કોલનો નંબર
ઝારખંડના જામતારામાં આવેલા રૌફ અન્સારીના નામે રજિસ્ટર્ડ હતો. પોલીસને ૯૯,૯૮૬ની
રકમ કિસકુના ખાતામાં ગયેલી જણાઈ હતી. આથી
તેની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીએ દલીલ કરી હતી કે મુખ્ય આરોપી અન્સારીને પકડવામાં આવ્યો નથી.
આરોપીને અન્સારી સાથે સંબંધ હોવાનું પ્રસ્થાપિત થયું નથી.
કોર્ટે નોંધ કરી હતી કે આરોપીની સંડોવણી ગુનામાં જણાતી નથી અને ગુના
સંબંધી કાવતરામાં પણ સહભાગ જણાયો નથી, એમ કોર્ટે નોંધીને આરોપીને મુક્ત
કર્યો હતો.


