એકટ્રેસ રોઝલીનના આધાર કાર્ડ પરથી યુપીમાં લોન પર મોબાઈલની ખરીદી

કેન્સર સર્વાઈવર રોઝલીન સાથે સાયબર ફ્રોડ
મોબાઈલ ખરીદનારે હપ્તા ન ભરતાં રિકવરી એજન્ટ દ્વારા રોઝલીનને ઉઘરાણીના ફોન દ્વારા હેરાનગતિ
મુંબઈ - અભિનેત્રી અને મોડેલ રોઝલિન ખાન ઉર્ફે રેહાના ખાન આધારકાર્ડ ફ્રોડનો ભોગ બની હોવાનું બહાર આવ્યું છે. હાલમાં જ સ્ટેજ ફોર કેન્સર સામે જંગ જીતનાર રોઝલિનના આધારકાર્ડ પર થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં મોબાઇલ ફોન ખરીદવામાં આવ્યો હતો. જોકે હપ્તા (ઇએમઆઇ) પર ફોન ખરીદનાર આ વ્યક્તિ ફોનના હપ્તા ભરી ન શકતા રિકવરી એજન્ટે વસુલી માટે ફોન કરીને અભિનેત્રીને હેરાન કરવાનું શરૃ કરતા આ ઘટના પ્રકાશમાં આવી હતી.
રોઝલિને જણાવ્યું હતું કે હાલ તે બિહારના પટનામાં રાહુલ ગાંધીની વોટ અધિકાર યાત્રામાં ભાગ લઈ રહી છે.ે મુંબઈ આવ્યા પછી તે આ બાબતની ફરિયાદ મુંબઈ પોલીસને કરશે. જોકે રોઝલિને કરેલા એક્સ મેસેજમાં તે ઓનલાઇન ફરિયાદ નોંધાવશે તેવું સ્પષ્ટ કર્યું હતું. રોઝલિને આ સાથે જ તેના આધારકાર્ડના થયેલા દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. રોઝલિન અને તેને બહેનને સતત વસુલી એજન્ટોના ફોન આવી રહ્યા છે જેમાં આ લોકો મોબાઇલ ફોનના હપ્તાની માગણી કરી રહ્યા છે.
સતત વસુલી માટે આવતા ફોનથી કંટાળી તેમણે વસુલી એજન્ટોને સત્ય હકીકતથી વાકેફ કરવા છતાં તેઓ માન્યા નહોતા અને જોર આપીને એક જ વાતનું રટણ ચાલું રાખ્યું હતું કે મોબાઇલ માટેની લોન તેમના આધારકાર્ડ અને એક ઓટીપીના ઉપયોગથી લેવામાં આવી છે. જોકે રોઝલિને એજન્ટોના દાવાને ફગાવી આ વાત સાવ ખોટી હોવાની સફાઈ આપ્યા બાદ પણ તેને હેરાન કરવામાં આવતી હોવાનું તેણે જણાવ્યું હતું. અભિનેત્રીએ તેને થઈ રહેલા આ કડવા અનુભવ પર વધુ પ્રકાશ પાડતા એજન્ટ સાથેની વાતચીતનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો. આ સાથે જ તેણે જણાવ્યું હતું કે તે સતત ટ્રાવેલમાં હોવા છતાં એજન્ટોએ વસુલી માટે સતત કોલ કરી તેને હેરાન કરવાનું ચાલું રાખ્યું હતું.
સોશિયલ મીડિયા પર તેણે આપવિતી શેર કરતા જણાવ્યું હતું કે 'મારા જેવી કેન્સર સર્વાઇવર સાથે બનેલી આ શરમજનક ઘટના છે. હું મુંબઈમાં રહું છું તો હું શા માટે યુપીના એક નાનકડા ગામમાં ફોન ખરીદવા માટે જાઉં? આધારકાર્ડ મારું, ફોન મુરાદાબાદમાં અને ઇએમઆઇ મારે ભવાની.' શું આને જ 'ડિજિટલ ઇન્ડિયા' કહેવાય છે? તવો સવાલ તેણે કર્યો હતો.








