વધુ પૈસા વસૂલવા મૃત્યુ બાદ પણ વેન્ટિલેટર પર રાખ્યાનો આરોપ
હોસ્પિટલે કોઇ બેદરકારીનો ઇનકાર કર્યો; પોલીસની ટીમો દોડીઃ જોકે, બેમાંથી કોઈ પક્ષ દ્વારા ફરિયાદ નહિ
મુંબઇ - થાણે જિલ્લાની ઉલ્હાસનગરની એક ખાનગી હોસ્પિટલમાં ૪૭ વર્ષના એક શિક્ષિકા શોભા જોગીના મૃત્યુ બાદ સોમવારે ૧૦૦થી ૧૫૦ લોકોના એક ટોળાએ અનિલ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.
આ બાબતે મૃતકના સંબંધીઓએ તબીબી બેદરકારીના આરોપ કરી વધુ પૈસા વસૂલવા જોગીના મૃત્યુ બાદ પણ તેમને વેન્ટિલેટર પર રાખ્યાનો આરોપ કર્યો હતો. જો કે હોસ્પિટલ વહીવટીતંત્રએ આ આરોપ નકારી કાઢી ભારપૂર્વક જણાવ્યું હતું કે હિંસા કેટલાક સંબંધીઓમાં ફેલાયેલી ખોટી માહિતીને કારણે થઇ હતી.
હોસ્પિટલ વહીવટી તંત્રએ માધ્યમોને જણાવ્યું હતું કે જોગીને ૨૮ નવેમ્બરના રોજ ન્યુમોનિયા અને ફેફસામાં પ્રવાહી જમા થવાને કારણે દાખલ કરવામાં આવ્યા હતા. શરૃઆતથી જ તેમની હાલત ગંભીર હતી. તેમની તબિયત વધુ બગડતા તેમને તાત્કાલિક વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. સોમવારે સાંજે પરિવારે તેમને વધુ સારવાર માટે થાણેની એક વિખ્યાત ખાનગી હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લીધો હતો.
મૃતક શોભા જોગી એક રાજકીય સંગઠન સાથે જોડાયેલા હતા અને તેમના સમુદાયમાં ખૂબ જ માન ધરાવતા હતા. હોસ્પિટલમાંથી ખસેડાયા બાદ તરત જ તેમનું મૃત્યુ થયું હતું. જોગીને રાત્રે ૮.૨૦ વાગ્યે સત્તાવાર રજા આપવામાં આવી હતી. જો કે એમ્બ્યુલન્સમાં ખસેડતી વખતે તેમના હૃદયના ધબકારા ઘટી ગયા હોવાના અહેવાલ છે. જેના કારણે ડોક્ટરોએ તેમને પાછા આઈસીયુમાં મોકલી દીધા હતા. ૧૭ મિનિટ સુધી સીપીઆર આપ્યા બાદ પણ તેમને બચાવી શકાયા નહોતા. જોગીના સંબંધીઓએ એવો આરોપ લગાવ્યો હતો કે હોસ્પિટલે તેમને ડિસ્ચાર્જ પહેલા સંપૂર્ણ સારવારનું બિલ ચૂકવવાનું કહ્યું હતું અને ખોટી ખાતરી આપી હતી કે જોગી સ્થિર છે. સંબંધીઓએ દાવો કર્યો હતો કે તેમનું મૃત્યુ પહેલા જ થયું હતું પણ વધુ પૈસા વસૂલવા માટે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
જોગીના મૃત્યુની વાત વાયુવેગે ફેલાતા ગુસ્સે ભરાયેલા સંબંધી અને સમર્થકો હોસ્પિટલની બહાર ભેગા થયા હતા અને હોસ્પિટલના પરિસરમાં તોડફોડ કરી હતી, નુકસાન પહોંચાડી ગભરાટ ફેલાવ્યો હતો. ઉલ્હાસનગર સેન્ટ્રલ પોલીસ સ્ટેશનની ટીમો તાત્કાલિક હોસ્પિટલ પરિસરમાં પહોંચી ગઇ હતી અને ભીડ વધુ હિંસક બને તે પહેલાં પરિસ્થિતિને કાબૂમાં લેવામાં સફળ રહી હતી.
હોસ્પિટલના ડિરેક્ટર દીપક સિરવાણીએ માધ્યમોને જણાવ્યું હતું કે દર્દીના પરિવારના એક ડોક્ટર સમગ્ર પ્રક્રિયા દરમિયાન હાજર હતા. અમે તેમના સંબંધીઓને સીપીઆરના સીસીટીવી ફૂટેજ પણ બતાવ્યા હતા. તેમના પોતાના ડોક્ટરે ઘટનાક્રમની પુષ્ટિ કર્યા પછી સ્વીકાર્યું હતું કે દર્દીને રજા આપવામાં આવી ત્યારે તે જીવિત હતા. આ તોડફોડ કેટલાક વ્યક્તિઓ દ્વારા ફેલાવવામાં આવેલી ખોટી માહિતીને કારણે થઇ હતી.
આ બાબતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બંને પક્ષો તરફથી કેટલીક ગેરસમજ થઇ હતી. જે બાદમાં સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલાઇ ગઇ હતી. કોઇપણ પક્ષ ઔપચારિક ફરિયાદ નોંધાવવા માંગતો નહોતો. પોલીસની ત્વરિત કાર્યવાહીને લીધે કોઇ અશાંતિ સર્જાઇ નહોતી.


