અમદાવાદ હાઈવે પર હોટલોનાં ગુજરાતી બોર્ડની મનસે દ્વારા તોડફોડ
મરાઠીને બદલે ગુજરાતી બોર્ડ મૂકવા સામે વિરોધ
પાલઘર નજીકના હાલોલી ગામની હદમાં આવેલી હાઈવે હોટલોને નિશાન બનાવાઈઃ શ્રમ વિભાગ દ્વારા પણ તપાસ
મુંબઈ - મહારાષ્ટ્રમાં ભાષા મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકરોએ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલી પાલઘર આસપાસની હોટલોના ગુજરાતી બોર્ડની તોડફોડ કરી હતી. હાલોલી ગામની હદમાં આવેલી હાઈવે હોટલોને નિશાન બનાવાઈ હતી.
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર પાલઘર જિલ્લાના ઢેકાલેથી અછાડ સુધીના ૭૦ કિ.મી. લાંબા પટ્ટામાં ઘણી હોટલો અને ઢાબાઓના બોર્ડ મરાઠી દેવનાગરી લિપિમાં નથી. કેટલીક હોટલોનાં નામ અંગ્રેજી, હિંદી કે ગુજરાતીમાં પણ લખેલાં છે. કેટલીક હોટલો પર અન્ય ભાષાનાં મોટાં બોર્ડ પર બહુ જ નાના અક્ષરે મરાઠી લખાયેલું હોય છે.
મોટાભાગે મુંબઈ અને ગુજરાત વચ્ચે અવરજવર કરતા પ્રવાસીઓને ધ્યાને રાખીને હાઇવે પર આવેલા સાતીવલી, કુડે હાલોલી, દુર્વેસ, મસ્તાન નાકા, ટાકવાલ, નાદગાંવ, આવઢની, ચિલ્હર ફાટા, વાડા ખડકોના, ચારોટી નાકા, આંબોલી, તલાસરી, સાવરોલી, અછાડ ગામોમાં આવેલી હોટલોનાં બોર્ડ અંગ્રેજી અને હિંદી ઉપરાંત ગુજરાતીમાં પણ જોવા મળે છે.
આ વિશે ફરિયાદ થતાં પાલઘર શ્રમ વિભાગ દ્વારા થયેલી તપાસમાં જણાયું હતું કે ૨૩૩ એકમોમાંથી ૮૬ એકમો પર મરાઠી લિપિમાં બોર્ડ ન હતું. જ્યારે ૧૧૨ એકમો પર મરાઠી નામ પ્લેટો હતી. આ કિસ્સામાં, શ્રમ વિભાગે ૧૭ એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરી છે.
મહારાષ્ટ્ર શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અનુસાર દુકાનો તથા સંસ્થાનોનું નામ કાં તો મરાઠી દેવનાગરી લિપિમાં હોવું જોઈએ. અથવા તો જો બીજી ભાષા કે લિપિમાં નામ હોય તો તેની તુલનાએ મરાઠી દેવનાગરીમાં નામ વધારે મોટા અક્ષરે હોવું જોઈએ. આ પ્રમાણેનાં બોર્ડ ન હોય તો સંબંધિત સંચાલકો સામે કાર્યવાહીની જોગવાઈ છે.