બોમ્બે અથવા બમ્બઇ બોલવાનું બંધ કરવા કપિલ શર્માને મનસેની ધમકી

શોમાં આવતી જાણીતી હસ્તીઓને સમજાવી દેવાની સલાહ
મુંબઈ તમારી કર્મભૂમિ છે, તેનું નામ ખોટું ઉચ્ચારીને અપમાન કરશો તો સાંખી નહિ લઈએ તેવી ધમકી
મુંબઈ - એકટર-કોમેડિયન કપિલ શર્માને તેના કોમેડી શોમાં બોમ્બે અથવા બમ્બઇનું ઉચ્ચારણ બંધ કરવાની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ચેતવણી આપી છે. કપિલ શર્મા બોમ્બે અથવા બમ્બઇ ઉચ્ચારણ ચાલું રાખીને મુંબઇનું અપમાન કરશે તો તેણે મનસેના ઉગ્ર આંદોલનનો સામનો કરવા તૈયાર રહેવું પડશે એવી ચેતવણી આપવામાં આવી છે.
મનસેની ફિલ્મ પાંખના વડા અમેય ખોપકરે કપિલ શર્માને આ વોર્નિંગ આપી છે. તેમણે આ બાબતે જણાવ્યું હતું કે આ મહાનગરનું નામ મુંબઇ છે. આમ છતાં કપિલ શર્માના શોની નવી સિઝન શરૃ થઇ એ પહેલાંથી શોમાં શહેરના નામનો ઉલ્લેખ બોમ્બે અથવા બમ્બઇ તરીકે કરવામાં આવે છે. આની સામે અમારો સખત વિરોધ નહીં આક્રોશ છે. જો કપિલ શર્મા અન્ય શહેરોના નામોનું ચેન્નઇ, બેંગ્લુરૃ, કોલકાતા ઉચ્ચારણ કરી શકે છે તો પછી મુંબઇને બદલે બોમ્બે કે બમ્બઇ ઉચ્ચરણ કરીને શા માટે મહાનગરનું અપમાન કરે છે ? આ અપમાન અમે સાંખી નહીં લઇએ.
મનસે નેતાએ કપિલને સંબોધીને કહ્યું હતું કે મુંબઇ તમારી કર્મભૂમિ છે છેલ્લા અનેક વર્ષોથી તમે આ શહેરમાં કાર્યરત છો. આમ છતાં શહેરનું ખોટું નામ ઉચ્ચારીને શા માટે અપમાન કરો છો ? મુંબઇગરાનું આ રીતે અપમાન ન કરો જો ભૂલથી બોલાઇ ગયું હોય તો હવેથી ભૂલ સુધારી લેજો. તમારા શોમાં જે કોઇ જાણીતી હસ્તી આવે કે એન્કર આવે તેને પહેલેથી જ ચેતવી દેડો કે શહેરનું નામ મુંબઇ જ બોલે, ભૂલે ચૂકેય બોમ્બે અથવા બમ્બઇ ન ઉચ્ચારે જો આ ચેતવણીને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો મનસે આક્રમક આંદોલન છેડશે.
પિત્રાઇ ભાઇઓ ઉદ્ધાવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે ગઇ કાલે મીટિંગ યોજાઇ ત્યાર પછી મનસે તરફથી મહાપાલિકા ચૂંટણીને ધ્યાને રાખીને આ મુદ્દો ઉઠાવાયો છે કે કેમ તેમ પૂછાતાં ખોપકરે જણાવ્યું હતું કે ે અમે આ મુદ્દે છેલ્લા અનેક વર્ષોથી લડત આપી રહ્યાં છીએ. ચૂંટણીની વાત બાજુ પર રાખો અને સમજી લ્યો કે આ શહેરનું નામ મુંબઇ છે અને મુંબઇ જ રહેશે. એમાં કોઇ ફેરફાર સાંખી નહીં લઇએ.








