- વૃદ્ધા અચેતન બનતાં પરિવારજનોએ મૃત્યુ પામ્યાનું માની લીધું
- નાકમાં રૂ ગોઠવી દીધું, શબવાહિની પણ બોલાવી લીધી, તમામ સ્વજનો પણ આવી ગયાં અને અચાનક વૃદ્ધાનાં પગનાં અંગુઠામાં સંચાર થયો
મુંબઈ : મહારાષ્ટ્રમાં જન્મદિવસે એક મહિલાનો જાણે પુન:જન્મ થયો હોય તેવી ઘટના બની હતી. નાગપુર જિલ્લાના રામટેકમાં રહેતી ગંગાબાઈ સવજી સાખરેને મૃત માનીને અગ્નિ સંસ્કારની તૈયારી ચાલી રહી હતી તે અગાઉ જ તેમનામાં જીવનનો સંચાર થયો હતો.
૧૦૩ વર્ષની ગંગાબાઈ છેલ્લા બે મહિનાથી પથારીવશ હતી અને છેલ્લા કેટલાક દિવસથી બે ચમચી પાણી પીને રહેતી હતી. ૧૨મી જાન્યુઆરીએ સાંજે ૫.૦૦ કલાકે તેમના શરીરનું હલનચલન બંધ થઈ ગયું હતું. પરિવારજનોએ તેઓ અવસાન પામ્યાનું માનીને તેમની અંતિમક્રિયાની તૈયારીઓ શરૂ કરી હતી.
ગંગાબાઈના પૌત્ર રાકેશ સાખરેએ કહ્યું હતું કે 'તેમનું નિધન થયું છે તેવું અમે માની લીધું હતું. તેમના શરીરમાં કોઈ હલનચલન ન હતું. 'અમે તમામ સગાઓને પણ જાણ કરી દીધી હતી. અમે તેમને રિવાજ અનુસાર નવા કપડા પહેરાવ્યા હતા. તેમના હાથ અને પગ બાંધવામાં આવ્યા હતા.' ગંગાબાઈના નાકમાં રૂ પણ ગોઠવી દેવામાં આવ્યું હતું.
પરિવારે ઘરની બહાર ખુરશીઓ ગોઠવી હતી. સ્મશાનક્રિયા માટેની સામગ્રી મગાવી હતી અને તેમને લઈ જવા શબવાહિની પણ બોલાવી હતી. સગાઓને મેસેજ મળી ગયા હતા અને સગાઓ દૂરથી, પાસેથી આવવા માંડયા હતા. સાંજે લગભગ ૭.૦૦ કલાકે ગંગાબાઈ પગનો અંગૂઠો હલાવ્યો હતો. રાકેશ કહ્યું કે, 'મેં તેમના પગ હલતા જોયા અને અન્યોને અવાજ લગાવીને જાણ કરી હતી. અમે તેમના નાકમાંથી રૂ કાઢ્યું અને તેમણે શ્વાસ લવાનું શરૂ કર્યું હતું. આવેલા સગાઓ અને અન્ય લોકો દંગ રહી ગયા હતા. શબવાહિનીને પાછી વાળવામાં આવી હતી.
ગંગાબાઈ પોતાના પુત્રી કુસુમ અંબાડે સાથે રહે છે. થોડા મહિના અગાઉ તે રોજિંદા જીવનમાં સક્રિય હતા. તા. ૧૩મી જાન્યુઆરીએ તેમનો જન્મદિવસ હતો.


