ચોકલેટમાં ઘેનની દવા આપી બળાત્કારનો સગીર આરોપી પુખ્ત જ ગણાયઃ સુપ્રીમ
ઘટના સમયે ૧૭ વર્ષના આરોપીએ મિત્રોને પણ સામેલ કર્યા હતા
યવતમાળમાં ૧૪ વર્ષની તરુણી પર રેપના આરોપીને પુખ્ત ગણીને સેશન્સ કોર્ટ સમક્ષ કેસ ચલાવાશે અને મહત્તમ સજા જન્મટીપ થઈ શકશે
મુંબઈ - સગીરાને ઘેનની દવા આપીને વારંવાર સામૂહિક બળાત્કાર કરવો એ એ ગંભીર અપરાધ છે અને આવા કેસમા ંસગીર આરોપીને પુખ્ત વયનો ગણવો જોઈએ અને કેસ સેશન્સ કોર્ટમાં ચલાવવો જોઈએ એવો મહત્ત્વનો ચુકાદો સુપ્રીમકોર્ટે આપ્યો છે.
કેસમાં આરોપી મુસ્તફા ખા જબ્બર ખા (૨૩) યવતમાળનો રહવાસી છે. આરોપીના એકંદર વર્તન, શારીરિક માનસિક સ્થિતિ અને ગુનો કરવાની ક્ષમતા ગુનાના પરિણામોની સમજ વગેેરેને ધ્યાનમાં લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઘટના સમયે આરોપી ૧૭ વર્ષનો હતો અને પીડિતા ૧૪ વર્ષની હતી.
આરોપીએ પીડિતા સાથે ઓળખ કરીને તેને પ્રેમના જાળમાં ફસાવી અને પહેલી નવેમ્બર ૨૦૧૭થી ૧૪ ઓગસ્ટ ૨૦૧૮ સુધી આરોપીએ તેને વારંવાર ઘેનની દવા ચોકલેટમાં ભેળવીને તેના પર બળાત્કાર કર્યો હતો. એટલું જ નહીં આ કૃત્યમાં મિત્રોને પણ સામેલ કર્યા હોવાનું સરકારી પક્ષે જણાવ્યું હતું.
પીડિતાના વકિલે જણાવ્યું હતું કે આરોપીને સગીર ગણ્યો હોત તો તેની સામે જ્યુવેનાઈલ કોર્ટ સમક્ષ કેસ ચાલ્યો હતો અને દોષિત ઠર્યા પછી પણ વધુને વધુ ત્રણ વર્ષની કેદ થઈ હોત, પરંતુ આ ચુકાગાને પગલે આરોપીને પુખ્ત ગણીને સેશન્સ કોર્ટમાં કેસ ચલાવાશે અને દોષિત ઠરતાં જન્મટીપ સુધીની સજા થઈ શકે છે.