ટેરરિસ્ટના હિટ લીસ્ટમાં હોવાથી સુરક્ષા વધારાઈ
હવે કાયમી સ્વરુપે એલિટ ગાર્ડ તૈનાત રહેશેઃ મંત્રાલય આસપાસ શંકાસ્પદ હિલચાલ પર નજર
મુંબઇ - આખા રાજ્યનો કારભાર જ્યાંથી ચાલે છે એવાં સૌથી મહત્વના મંત્રાલય પર આતંકવાદી હુમલાનું જોખમ ઝળુંબતું હોવાથી મંત્રાલયને એલિટગાર્ડ તરીકે ઓળખાતા એ.કે. ૪૭ રાઇફલથી સજ્જ કમાન્ડોનું સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. કાળા ગોગલ્સ પહેરેલા આ કમાન્ડો કાયમ રાઇફલના ટ્રીગર પર આંગળી રાખી મંત્રાલય આસપાસની શંકાસ્પદ હિલચાલ પર ચાંપતી નજર રાખે છે.
મુંબઇમાં મંત્રાલય સહિતના મહત્વની સરકારી ઇમારતો સામેના જોખમને ધ્યાનમાં લઇને છેલ્લાં થોડા દિવસથી મંત્રાલયની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મંત્રાલયના મુખ્ય પ્રવેશદ્વાર પર અને ગાર્ડન ગેટ પર એક એક એલિટ ગાર્ડ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. આ પ્રશિક્ષિત કમાન્ડો ચાંપતી નજર રાખે છે.
એલિટ ગાર્ડ અથવા એલિટ પોલીસ ફોર્સ પોલીસ દળમાંથી જ પસંદ કરીને જવાનોને ખાસ પ્રશિક્ષણ આપીને અને કમાન્ડો ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવતી કમાન્ડોની સ્પેશ્યલ ટુકડી છે. આ કમાન્ડોને દહેશતવાદી હુમલાને મારી હટાવવાની ખાસ તાલીમ આપવામાં આવી હોય છે. એટલે તેમનો ઉપયોગ જ્યાં દહેશતવાદી હુમલાનું જોખમ હોય એવી મહત્વની સરકારી ઇમારતોના રક્ષણ માટે તેમજ વી.વી.આઇ.પી.ની સુરક્ષા માટે અથવા અત્યંત ગોપનીય ઝુંબેશ માટે કરવામાં આવે છે.
મંત્રાલયની ઇમારતને ત્રણ સ્તરનું સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. મુખ્ય ઇમારતની બહાર પોલીસ ચોકી છે. મંત્રાલય ફરતે સ્ટેટ રિઝર્વ પોલીસ અને ઇમારતની અંદર પોલીસ તૈનાત હોય છે. આ સિવાય સાદાવેશમાં પણ પોલીસ ફરતા રહે છે. હવે આ ત્રીસ્તરીય સુરક્ષા વ્યવસ્થામાં એલિટ ગાર્ડનો ઉમેરો થયો છે.
વિધાનમંડળના અધિવેશન વખતે વિધાનભવનના મુખ્ય પ્રવેશદ્વાર પર પોલીસની ક્વિક રિસ્પોન્સ ટીમના કમાન્ડો તૈનાત કરવામાં આવે છે. એક ઉંચા લોખંડી ટાવર ઉપર ક્વિક રિસ્પોન્સ ટીમનો કમાન્ડો એ.કે. ૪૭ રાઇફલ સાથે ચારે તરફ ચાંપતી નજર રાખતો હોય ચે. પણ મંત્રાલયમાં હવે કાયમી સ્વરૃપે એલિટ પોલીસ ફોર્સનો બંદોબસ્ત રાખવામાં આવશે.


