Mumbai

મંત્રીના જમાઈએ શિક્ષકના નામે લોન લઈ પાછી ન ચૂકવતાં શિક્ષકનું વિષપાન

By GS TEAM
28 Oct 20252 mins read
મંત્રીના જમાઈએ શિક્ષકના નામે લોન લઈ પાછી ન ચૂકવતાં શિક્ષકનું વિષપાન

પોલીસ ફરિયાદ નોંધતી ન હોવાનો રોહિત પવારનો આરોપ

મંત્રી બાબાસાહેબ પાટિલના જમાઈએ આપેલા ચેક બાઉન્સ થયાનો આરોપઃ  જોકે, કોઈ ફરિયાદ ન થઈ હોવાનો પોલીસનો દાવો

મુંબઈ -  લાતુરમાં એનસીપી (એસપી)ના ધારાસભ્ય રોહિત પવારે સોમવારે એક વીડિયો શેર કરીને આરોપ લગાવ્યો હતો કે રાજ્યના સહકાર મંત્રી બાબાસાહેબ પાટિલના જમાઈએ એક નિવૃત્ત શિક્ષકના નામે લોન લીધી હતી. ત્યારબાદ તેણે લોન ચૂકવવાનો ઈન્કાર કર્યો હતો. તેથી શિક્ષકે ઝેર ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. 

નિવૃત્ત  શિક્ષકની ઓળખ રમાકાંત ટંડલે તરીકે થઈ હતી. તેમની પુત્રીએ એક વિડીયો બનાવીને દાવો કર્યો હતો કે મારા પિતાએ ગંભીર આર્થિક તણાવને કારણે ઝેર ગટગટાવ્યું હતું.

ટંડલે ૧૯૮૬થી ૨૦૨૦ સુધી લાતુના ઉજાના ખાતેની એક શાળામાં સેવા આપી હતી. દરમિયાન ધારાસભ્ય બાબાસાહેબ પાટિલે મારા પિતાને ચૂંટણીનું કામ કરવાનું કહ્યું હતું. નિવૃત્તના થોડા વર્ષો પહેલા બાબાસાહેબ પાટીલના ભત્રીજા અને જમાઈ અશોક જાધવ મારા પિતા સાથે  સંપર્કમાં આવ્યા હતા.આ બાદ અશોક જાધવે ટંડેલના નામે લોન લીધી હતી. આ લોન તેઓ તાત્કાલિક ચૂકવી દેશે એમ જણાવ્યું હતું. 

જો કે, મંત્રીના જમાઈ લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યો હતો. આ અંગે ટંડેલે બાબાસાહેબ પાટીલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમણે એનઓસી આપી ન હતી. વધુમાં મંત્રીના જમાઈએ  ખોટા ચેક પણ આપ્યા જે બાઉન્સ થયા હતા. તે કેસ હજુ પણ પેન્ડિંગ છે. આ બાદ અંગે અશોક જાધવને પૂછતા તેણે ટંડેલને ધમકી આપી હતી.  

આ તમામ બાબતો છતાં પોલીસે અમારો કેસ લઈ રહી નથી અને છેલ્લા આઠ દિવસથી બાબાસાહેબ પાટીલને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે,  તેમણે પણ કોઈ મદદ કરી ન હતી.  આથી નિરાશામાં ચાલ્યા જતાં નિવૃત્ત શિક્ષકે ઝેર ગટગટાવ્યું હતું. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ ગંભીર છે.

 આ વીડિયો રોહિત પવારે સોશિયલ મિડીયા પર કર્યો હતો અને પ્રશ્ન કર્યો હતો કે પોલીસ કેમ કોઈ કાર્યવાહી કરતી નથી. જો પોલીસ તંત્ર ફક્ત શાસક નેતાઓની સેવા કરવા અને વિરોધીઓને હેરાન કરવા માટે અસ્તિત્વમાં છે. તો સરકારે ઓછામાં ઓછું ખુલ્લેઆમ સ્વીકારવું જોઈએ. 

કિંગાવ પોલીસ સ્ટેશનના પોલીસે આ બાબતે જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ ફરિયાદ મળી નથી. પોલીસ અધિકારીઓ પીડિતનું નિવેદન નોધવા માટે બે વખત હોસ્પિટલ ગયા હતા. પરંતુ તે બેભાન હોવાથી નિવેદન નોંધી શક્યા નથી. 

આ કેસથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, આ કેસ અંગે સહકાર મંત્રી બાબાસાહેબ પાટીલ કે તેમના પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.