રમી કાંડ બાદ મંત્રી કોકાટેની જીભ લપસીઃ અમારી સરકાર ભિખારી છે

સીએમ ફડણવીસે પોતાના જ મંત્રીનું નિવેદન વખોડવું પડયું
ખેડૂતોને પાક વીમાનો એક રુપિયો જ અપાય છે તેવાં પોતાના નિવેદનનો ખુલાસો કરવા જતાં કહ્યું, સરકાર ૧ રુપિયો લઈ લે છે, સરકાર ભિખારી છે
મુંબઈ - રાજ્ય વિધાન પરિષદમાં મોબાઈલ પર રમી ગેમ રમવાના વિવાદમાં ફસાયેલા અજિત પવારની એનસીપીના કૃષિ મંત્રી માણિકરાવ કોકાટે હવે પોતાની જ સરકારને ભિખારી ગણાવી દેતાં નવો વિવાદ સર્જાયો છે. સરકાર ખેડૂતોને એક જ રુપિયો પાક વીમા પેટે આપે છે છતાં તેનો દુરુપયોગ થાય છે તેવાં પોતાના જ નિવેદનથી હોબાળો થતાં કોકાટેએ ખુલાસો કરવાનો પ્રયાસ કરતાં એમ જણાવ્યું હતું કે વાસ્તવમાં સરકાર ખેડૂતો પાસેથી એક રુપિયો લઈ લે છે. અમારી સરકાર ભિખારી છે.
મંત્રી કોકાટેએ પોતાની જ સરકારને ભિખારી ગણાવી દેતાં ભારે વિવાદ થયો હતો. ખુદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કોકાટેના નિવેદનની ટીકા કરતાં કહેવું પડયું હતું કે તેમનું કથન અયોગ્ય અને અનુચિત છે. એક મંત્રી તરીકે તેમણે આમ ન કહેવું જોઈએ. સરકાર ભિખારી નથી. અનેક પડકારો છતાં પણ મહારાષ્ટ્રનું અર્થતંત્ર સારી હાલતમાં છે.
નાસિક જિલ્લાના સિન્નાર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે ૧ રૃપિયાની પાક વીમા યોજના માટે પાંચ લાખથી વધુ બોગસ અરજીઓ આવી હતી. પોતાના મંત્રાલયે ચકાસણી બાદ આવી બોગસ અરજીઓ નકારી કાઢી હતી.
તેમણે કહ્યું હતું કે આજકાલ ભિખારીઓ પણ એક રુપિયો ભીખ નથી લેતા પણ સરકાર ખેડૂતનો એક રુપિયામાં પાક વીમો આપે છે. છતાં પણ તેનો દુરુપયોગ થાય છે.
કોકાટેનું આ નિવેદન ખેડૂત વિરોધી હોવાનો આક્ષેપ થયો હતો. તે પછી કોકાટેએ તે અંગે સ્પષ્ટતા કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે સરકાર વાસ્તવમાં ખેડૂતો પાસેથી એક રુપિયો લઈ લે છે. સરકાર જ ભિખારી છે.
ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં શરૃ કરાયેલી એક રૃપિયાની પાક વીમા યોજના થોડા મહિના પહેલાં રદ કરવામાં આવી હતી અને તેના સ્થાને પ્રધાનમંત્રી પાક વીમા યોજના લાગુ કરવામાં આવી હતી.
એનસીપી શરદ પવાર જૂથના સાંસદ સુપ્રિયા સૂળેએ કોકાટેનું નિવેદન બિનસંવેદનશીલ ગણાવ્યું હતું.
રમીનો વિડીયો સાચો સાબિત થશે તો રાજીનામું આપીશ
માણિકરાવ કોકાટેએ રમીના વિડીયો સંદર્ભમાં વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે વિપક્ષો આંશિક ક્લિપ ફરતી કરીને પોતાને બદનામ કરી રહ્યા છે. પોતે સરકારને આ વિડીયોની સત્યતા તપાસવા જણાવ્યું છે. વિડીયો સાચો સાબિત થશે તો હું રાજીનામું ધરી દઈશ. તેમણે વિપક્ષી નેતાઓ સામે બદનક્ષી કેસની ચિમકી કપણ આપી હતી.









