ભાજપના મંત્રીને સામાન્ય મતદારો જેવો કડવો અનુભવ
એકથી બીજાં બુથ વચ્ચે દોડધામ કર્યા પછી નામ મળતાં વોટ આપ્યો ઃ ચૂંટણી કર્મચારીઓ પર વનમંત્રી નારાજ
મુંબઈ - ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાન ગણેશ નાઇકનું જ નામ નવી મુંબઇની મતદારયાદીમાંથી ગાયબ થઇ ગયું હતું. કલાકો સુધી એક બુથથી બીજા બુથ વચ્ચે દોડધામ કર્યા બાદ છેવટે નાઇક મતદાન કરી શક્યા હતા.
ખુદની આપવિતી વર્ણવતા નાઇકે કહ્યું હતું કે છેલ્લાં કેટલાય વર્ષોથી હું નવી મુંબઇની ૯૪ નંબરની સ્કૂલના મતદાન કેન્દ્રમાં મતદાન કરતો આવ્યો છું. પરંતુ આજે જ્યારે હું ૯૪ નંબરની સ્કૂલમાં ગયો ત્યારે મને સેંટ મેરી સ્કૂલના મતદાન કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો.
જ્યારે સેંટ મેરી સ્કૂલમાં ગયો ત્યારે ૯ નંબરના રૃમના બૂથમાં વોટર્સ લીસ્ટમાં મારૃ નામ જ નહોતું એટલે વોટ આપી શક્યો નહોતો.
ગણેશ નાઇક ફરીથી સેંટ મેરી સ્કૂલમાં ગયા હતા અને ચૂંટણી અધિકારીને જણાવ્યું હતું કે તેમના ફેમિલીના સભ્યોના નામ જુદા જુદા પોલિંગ બૂથમાં વહેંચાઇ ગયા છે. ભારે દોડધામ પછી જ્યારે ફરી વાર વનમંત્રી સેન્ટ મેરી સ્કૂલમાં ગયા ત્યારે ફરજ પરના ચૂંટણી કર્મચારીઓએ કહ્યું હતું કે મારૃં નામ વૉટર્સ લીસ્ટમાં છે. એટલે પછી હું મતદાન કરી શક્યો હતો.
ફરજ પરના ચૂંટણી અધિકારી અને કર્મચારીઓની કામગીરી સામે નારાજી વ્યક્ત કરતા નાઇકે જણાવ્યું હતું કે મને લાગ્યું કે તેઓ યોગ્ય રીતે ફરજ નથી બજાવતા, તેમણે ખૂબ કાળજી લેવી જોઇએ.


