મ્હાડાએ 96 અતિજોખમી અને બીએમસીએ 134 જર્જરિત ઈમારતોની યાદી જાહેર કરી
ચોમાસા અગાઉ જોખમી ઈમારતો ખાલી કરવાની વિનંતી
મ્હાડા વૈકલ્પિક રહેઠાણ આપે છે પણ દૂર હોવાથી કેટલાક ભાડૂતો ત્યાં જતા નથી
મુંબઈ - મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવેલોપમેન્ટ ઓથોરિટીએ ૯૬ અતિ જોખમી ઈમારતોની યાદી જાહેર કરી છે. દક્ષિણ મુંબઈના બોરા બજાર, મોહમ્મદ અલી રોડ, મઝગાવ, ગિરગાવ, ખેતવાડી અને દાદર-માટુંગાની ૯૬ ઈમારતો ચોમાસામાં તૂટી પડી શકે છે તેવું મ્હાડાએ કહ્યું હતું.
આ ઈમારતોમાં રહેતા લોકએ તાત્કાલિક ખાલી કરવા જોઈએ તેવી વિનંતી મ્હાડાએ કરી છે. દરમ્યાન બીએમસીએ ૧૩૪ જર્જરિત ઈમારતોની યાદી જાહેર કરી છે.
વર્ષ ૨૦૨૪માં મ્હાડાએ ૨૦ અતિ જોખમી બિલ્ડિંગોની અને બીએમસીએ ૧૮૮ જર્જરિત બિલ્ડિંગોની યાદી જાહેર કરી હતી.
તાજેતરમાં મ્હાડાએ જાહેર કરેલી યાદીમાંની બિલ્ડિંગોમાં ૩૧૬૨ ભાડૂતો રહે છે. જેમાંથી ૨૫૭૭ રહેણાક તરીકે અને ૫૮૫ અન્ય હેતૂ માટે ઉપયોગ કરે છે.
મ્હાડાએ એક નિવેદનમાં કહ્યું હતું કે જૂની અને જર્જરિત સેસ્ડ બિલ્ડિંગોનો ચોમાસા અગાઉ સરવે કરવામાં આવ્યો છે અને ૯૬ બિલ્ડિંગ અતિ જોખમી કહી શકાય તેવી છે. મ્હાડા અન્ય સ્થળે લોકોને રહેવા ઘર આપે છે. જો કે તે દૂર પડતા હોવાથી કેટલાક લોકો અન્ય ઘરોમાં જતા નથી. ૧૮૪ ભાડૂતોને ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે.
આ મહિનાની શરૃઆતમાં મ્હાડાએ ૧૩૦૯૧ જૂની અને બિનસલામત બિલ્ડિંગોના રહેવાસીએ, હાઉસિંગ સોસાયટીઓ અને ઘરમાલિકોને રિડેવલપમેન્ટ શરૃ કરવાની વિનંતી કરી હતી. દરમ્યાન કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૭૬ અતિ જોખમી ઈમારતોની યાદી જાહેર કરી છે.