રશ અવર્સમાં જ મેટ્રો વનની ટ્રેન ખોટકાતાં ઘાટકોપર સહિતના સ્ટેશનોએ અંધાધૂંધીઃ દોઝખ જેવી ભીડ
દેશની પહેલી જીવલેણ મેટ્રો દુર્ઘટના ઘાટકોપર-અંધેરી લાઈન પર સર્જાશેઃ ક્રોધિત પ્રવાસીઓની ચેતવણી
વર્સોવાથી ઘાટકોપર માટે નીકળેલી ટ્રેન સ્પીડ જ ન પકડતી હોવાનું જણાતાં ડીંએન નગર સ્ટેશને ખાલી કરી,પાછી કારશેડ મોકલાઈઃ અન્ય તમામ ટ્રેનો મોડી પડતાં સ્ટેશનો પર પગ મૂકવાની જગ્યા નહિ
સોશિયલ મીડિયા પર પ્રવાસીઓએ ભડભડ આક્રોશ ઠાલવ્યોઃ કોચ વધારવા સહિતનાં પગલાં ભરો નહિ તો અહીં ગમે તે દિવસે મોટી હોનારત સર્જાશે એ નક્કી છે
મુંબઈ - મુંબઈની સૌથી વધુ ભીડ ધરાવતી ઘાટકોપર-વર્સોવા મેટ્રો વન શરુ થઈ ત્યારથી એટલે કે ૧૧ વર્ષથી ફક્ત ચાર જ કોચ ધરાવતી ટ્રેન દોડાવાય છે તે અપૂરતી હોવાના કારણે ભારે ભીડ જામતી હોવાની વ્યાપક ફરિયાદો છતાં કોઈ પગલાં નહિ ભરાતાં નથી અને આ રુટના સ્ટેશનો પર વારંવાર સ્ટેમ્પેડ જેવી સ્થિતિ સર્જાયા છે. આજે ફરી સવારે પોણા નવ વાગ્યાની આસપાસ જ એક મેટ્રો ટ્રેનમાં ખામી જણાતાં તેને અધવચ્ચે જ ખાલી કરાવી દેવાયા બાદ રશ અવર્સમાં જ તમામ અન્ય ટ્રનો મોડી પડતાં ઘાટકોપર, સાકીનાકા, અંધેરી, ડીએન નગર સહિતનાં સ્ટશનોએ અંધાધૂંધ ભીડ જમા થઈ ગઈ હતી અને એક તબક્કે તો ઘાટકોપર સ્ટેશને નાસભાગની હોનારત સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. વહેલી સવારે પોતપોતાના કામ ધંધા પર જવા નીકળેલા લાખો લોકોએ આ દોઝખભરી પરિસ્થિતિ માટે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. સવારથી જ સોશિયલ મીડિયા પર આ ભીડના ફોટા વાયરલ થયા હતા અને સંખ્યાબંધ પ્રવાસીઓએ અમંગળ આગાહી ઉચ્ચારતાં કહ્યું હતું કે મેટ્રો વનની ક્ષમતા વધારવાની માગણીઓની આ રીતે અવગણના થતી રહેશે તો દેશની પહેલી સંખ્યાબંધ લોકો જીવ ગુમાવે તેવી મેટ્રો દુર્ઘટના આ રુટ પર જ સર્જાશે એ નક્કી છે.
ઘાટકોપર-વર્સોવા મેટ્રો એકમાં રોજ પાંચ લાખથી વધારે લોકો પ્રવાસ કરે છે. તેને કારણે હવે આ મેટ્રો લાઇનમાં પણ લોકલના સ્ટેશનો જેવી ભીડ કાયમ જોવા મળે છે. એવામાં સવારે રશ અવર્સમાં સોમવારે એક ફેરી અચાનક રદ થવાથી ઘાટકોપર, અંધેરી જેવા સ્ટેશનો પર પગ મૂકવાની જગ્યા ન હતી એટલી ભીડ જમા થઇ ગઇ હતી. સવારે પ્રવાસીઓ પોતપોતાની ટ્રેન પકડવા માટે સ્ટેશને પહોંચ્યા ત્યારે જણાયું હતું કે મોટાભાગની ટ્રેનો મોડી ઉપડી રહી છે. સામાન્ય રીતે પાંચથી છ મિનિટમાં એક ટ્રેન મળી જવી જોઈએ તેને બદલે દસથી વીસ મિનિટ સુધી પણ ટ્રન નહિ આવતી હોવાની ફરિયાદો લોકોએ કરી હતી.
બે-ેબે, ત્રણ-ત્રણ ટ્રેનોની ભીડ પ્લેટફોર્મ પર એકઠી થઈ જતાં ક્યાંય પગ મૂકવા જેવી જગ્ય રહી ન હતી. ઘાટકોપરમાં તો ેમેટ્રોમાં બેસવા માગતા પ્રવાસીઓની લાઈન ટિકિટ કાઉન્ટરથી નીચે છેક લોકલ સ્ટેશનને જોડતા ડેક સુધી લંબાઈ હતી. સવારે ભીડ અને હોકારા પડકારા તથા ચીસાચીસથી વાતાવરણ ભયજનક બની ગયું હતું. જોકે, આવી હાલત છતાં મેટ્રો વનના સત્તાવાળાઓએ લાંબા સમય સુધી શું પરિસ્થિતિ સર્જાઈ છે તેની જાણ કરવાની પણ દરકાર લીધી ન હતી.
બાાદમાં મોડે મોડે મેટ્રો પ્રશાસને આપેલી માહિતી પ્રમાણે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ વર્સોવાથી ઘાટકોપરની દિશામાં નીકળેલી મેટ્રો ટ્રેન તેનો નિશ્ચિત સ્પીડ પકડી રહી ન હતી. કોઇક ટેકનિકલ સમસ્યાને કારણે ટ્રેન તેની ગતિમાં દોડતી ન હોવાનું ધ્યાનમાં આવતા જ્યારે તે ડી.એન નગર સ્ટેશને પહોંચી ત્યારે જ તેને આગળ જતી અટકાવીને, પ્રવાસીઓને ઉતારી ટ્રેનને સમારકામ માટે કારશેડમાં મોકલી દેવાઇ હતી.
મેટ્રોના કાફલામાં આમ પણ ટ્રેનો એછી છે. દરેક ટ્રેનના ચાર જ કોચ છે. આવામાં એક ટ્રેન રદ થવાથી કેટલીક મિનિટો સુધી ખોરવાયેલા ટ્રેનોના ટાઇમટેબલને કારણે મેટ્રો વનમાં જાણે અરાજકતા સર્જાઇ ગઇ હતી. જેના વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર પ્રવાસીઓએ ફરતા કર્યા હતા . લોકોએ કહ્યું હતું કે મેટ્રોની હાલત હવે લોકલ કરતાં પણ વધારે ખરાબ થઈ ગઈ છે. લોકલમાં એટલિસ્ટ સ્ટેશનો પર ઉભા રહેવા માટે વધારે જગ્યા હોય છે. મેટ્રોમાં તો એટલી પણ જગ્યા હોતી નથી. અહીં સ્ટેમ્પેડની શક્યતા વધારે છે. અસંખ્ય લોકોએ તેમની પોસ્ટમાં જણાવ્યુ હતું કે મેટ્રો ટૂ એ, મેટ્રો સાત અને ભૂગર્ભ મેટ્રો થ્રીમાં પૂરતા પ્રવાસીઓ નહિ હોવા છતાં પણ ત્યાં વધારે કોચ ધરાવતી ટ્રેન દોડાવાય છે જ્યારે આ મેટ્રો રુટ પર અનેકગણા પ્રવાસી છતાં પણ પૂરતા કોચની ટ્રેન દોડાવાતી નથી.
ઉલ્લેખનીય છે કે મેટ્રો વન એ સરકારી એજન્સીી એમએમઆરડીએ અને રિલાયન્સ ઈન્ફ્રાના સંયુક્ત સાહસમાં દોડાવાય છે. આ બંને ભાગીદારો વચ્ચે મતભેદોના કારણે કોચ વધારવા સહિતના પગલાં ભરાતાં જ નથી. તેના વાંકે પ્રવાસીઓ પીસાઈ રહ્યા છે.
ધોળા હાથી જેવી મોનો રેલ પણખોરવાઈ
મુંબઈ માટે ધોળા હાથી સમાન સાબિત થયેલી મોનોરેલ સેવાઓ પણ સોમવારે રોલિંગ સ્ટોકમાં ટેકનિકલ સમસ્યા સર્જાતા ખોરવાઇ હતી. પરિણામે સવારના ધસારાના સમયમાં મોનોના સ્ટેશનો પર પ્રવાસીઓની ગિરદી જોવા મળી હતી. ટ્રેનોની ફ્રિકવન્સી ઘટતા રોજિંદા પ્રવાસીઓને કામના સ્થળે પહોંચવામાં મોડું થયું હતું.
સવારે ધસારાના સમયમાં મોનોરેલની સેવા ટેકનિકલ કારણોસર ખોરવાતા ટ્રેનોની ફ્રીક્વન્સી ઓછી થઇ હતી. પરિણામે મોનોરેલના કાયમ ઓછી ભીડ ધરાવતા સ્ટેશનો પર પણ ગિરદી જોવા મળી હતી. પ્રવાસીઓની ભીડ ઓછી કરવા માટે વધારાની ટ્રેનો ચલાવાઇ હતી.