સંકષ્ટી ચતુર્થી નિમિત્તે આજે મેટ્રો થ્રીની ફેરી વધારાશે
વહેલી પરોઢથી મોડી રાત સુધી મેટ્રો દોડશે
સિદ્ધિ વિનાયક સ્ટેશને ભક્તોના ધસારા માટે વિશેષ એન્ટ્રી-એક્ઝિટ સહિતની સુવિધાઓ
મુંબઈ - મંગળવારે અંગાર કી સંકષ્ટી ચતુર્થી હોવાથી મેટ્રો ત્રણ પ્રશાસને સિદ્ધિવિનાયક મંદિરે જનારા ભાવિકોની સુવિધા ખાતર સેવાના સમયમાં વધારો કર્યો છે.
મેટ્રો પ્રશાસને સત્તાવાર રીતે જાહેર કરેલી વિગતો પ્રમાણે આરેથી વરલી વચ્ચે મેટ્રો ત્રણની સેવા મંગળવાર, ૧૨મી ઓગસ્ટે સંકષ્ટીના દિવસે પરોઢે ૫.૩૦ વાગ્યે શરૃ થઇ જશે અને રાતે ૧૨ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. અંગારકીના દિવસે દાદરના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શનાર્થે હજારો લોકોની સવારથી રાત સુધી અવરજવર ચાલુ રહે છે. ભાવિકો રોડ ટ્રાફિકને ટાળીને સરળતાથી મંદિર પહોંચી શકે તેથી મેટ્રો પ્રશાસને આ સુવિધા આપી છે.
ઉપરાંત પ્રવાસીઓની વધુ સુવિધા માટે મેટ્રોના સિદ્ધિવિનાયક સ્ટેશને ખાસ એન્ટ્રી અને એક્ઝિટની ગોઠવણ પણ કરવામાં આવશે. જેમકે બી-૧, બી-૨- મંદિર એક્ઝિટ ગેટ રહેશે. એ-થ્રી- મુખદર્શન એન્ટ્રી/આશીર્વચન લાઇન. એ-ફાઇવ ગેટ- પ્રવેશવા જનરલ તથા મહિલાઓની લાઇન.
અંગારકી ચતુર્થીના દિવસે ભારે સંખ્યામાં મંદિરે લોકો આવતા હોવાથી ટ્રાફિક પોલીસે પણ મંદિર પરિસર બહાર ટ્રાફિક પ્રતિબંધો લાગુ કર્યા છે. જેને લીધે રોડ પરના ટ્રાફિકને અસર ન થાય. આ ટ્રાફિક પ્રતિબંધો મંગળવારે સવારે છ વાગ્યાથી રાતે ૧૨ વાગ્યા સુધી રહેશે.