અન્ય કારે ઉડાડેલું પાણી વિન્ડ શિલ્ડ પર પડતાં મર્સિડિઝ બેકાબૂ- ઉદ્યોગપતિનું મોત

નવા શરુ થયેલા સમૃદ્ધિ હાઈવેના સ્ટ્રેચ પર વિચિત્ર અકસ્માત
કાર બીજી લેનમાં ઘૂસી પલ્ટી ખાઈ ગઈઃ એરબેગ ખુલી પણ તે પહેલાં ઉદ્યોગપતિ કારમાંથી ઉછળી બહાર પટકાયાઃ પત્ની,પુત્રોને ઈજા
મુંબઈ - થાણે-ઈગતપુરી વચ્ચે નવા ખુલ્લા મૂકાયેલા સમૃદ્ધિ હાઈવે પર બાજુની કારે ઉડાડેલું પાણી મર્સિડિઝ કારના વિન્ડ સ્ક્રીન પર પડતાં ચાલક માટે આગળ કશું જોવું અશક્ય બન્યું હતું. આ સંજોગોમાં તેણે મર્સિડિઝ કાર પરથી કાબુ ગુમાવતાં કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં નાસિકના ઉદ્યોગપતિ તથા બિલ્ડર સુનિલ હેકરેનું મોત નીપજ્યું હતું. હેકરે તેમના પત્ની સુચેતા અને પુત્ર અભિષેક અને કરણ સાથે મુંબઈમાં એક કૌટુંબિક સમારંભમાં હાજરી આપી પાછા નાસિક જઈ રહ્યા હતા. ત્યારે આ ઘટના બની હતી.
સમૃદ્ધિ મહામાર્ગ પર હેકરેની કાર શાહપુરમાંથી પસાર થઈ રહી હતી ત્યારે બાજુમાંથી અતિ વેગમાં અન્ય એક કાર પસાર થઈ હતી. આ કાર એક ખાડા પરથી પસાર થતા ખાડામાં ભરાયેલ વરસાદનું પાણી મર્સિડીઝ કારની વિન્ડ સ્ક્રીન પર પડયું હતું જેથી કાર ચલાવી રહેલા હેકરેના પુત્રને અમુક સેકન્ડ માટે આગળનું દ્રશ્ય દેખાયું નહોતું અને તેમણે કાર પરનું નિયંત્રણ ગુમાવતા કાર અન્ય લેનમાં ઘૂસી ગઈ હતી અને પલટી ગઈ હતી. આ સમયે હેકરે કારમાંથી ઉછળીને બહાર પડયા હતા અને ગંભીર ઈજાને લીધે મોત થયું હતું. આ દુર્ઘટનામાં હેકરેના પત્ની સુચેતા અને પુત્ર અભિષેક તેમ જ કરણને ગંભીર ઈજા પહોંચતા વધુ તેમ જ સારવાર માટે તાત્કાલિક પાસેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મંગળવારે સર્જાયેલી આ દુર્ઘટના વખતે વૈભવી મર્સિડીઝ કારની એરબેગ ખુલી ગઈ હતી પણ તે પહેલા જ હેકરે કારમાંથી બહાર ફેંકાઈ જતા તેમને થયેલી ઈજાને લીધે તેમનું મોત થયું હતું. જો કે અન્ય લોકોની એરબેગ ખુલતા તેમનો બચાવ થયો હતો.









