Get The App

32 કરોડનું મેફેડ્રોન જપ્તઃ થાણે પાલિકાનો લોગો ધરાવતી બીએમડબલ્યૂમાં હેરાફેરી

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
32 કરોડનું મેફેડ્રોન જપ્તઃ થાણે પાલિકાનો લોગો ધરાવતી બીએમડબલ્યૂમાં હેરાફેરી 1 - image


મુંબઈ અને થાણેમાં વૈભવી કારોમાં ડ્રગની ડિલિવરી

ભિવંડી પાસે નાકાબંધીમાં બે અલગ અલગ કારોમાંથી જથ્થો મળ્યોઃ  બે પેડલરની ધરપકડ

મુંબઇ -  ભિવંડીમાં બીએમડબલ્યુ કાર પર થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના લોગોનું સ્ટીકર લગાવીને ડ્રગ્સની દાણચોરી કરવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે નાકાબંધી અને છટકું  ગોઠવીને બે રીઢા ગુનેગારને ે લગભગ રૃા. ૩૨ કરોડના મેફેડ્રોન સાથે ઝડપી લીધા હતા.

મુંબઇ- નાસિક હાઇવે પર ભિવંડી બાયપાસ ખાતે રાંજનોલી પાસે અમૂક શખસ ડ્રગ્સ વેચવા આવી રહ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી જેના આધારે થાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમે નાકાબંધી કરી હતી.ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઇમ) અમરસિંહ જાધવે જણાવ્યું હતું કે પોલીસે જાળ બિછાવીને સ્વિફ્ટ ડિઝાયર કારમાં જઇ રહેલા મુમ્બ્રાના તન્વીર અહમદ કમર અહમદ અંસારી (ઉં.વ.૨૩) અને બીએમડબલ્યુ કારમાં ઉલ્હાસનગરના મહેશ દેસાઇ (ઉં.વ.૩૫)ને અટકાવ્યા હતા. પોલીસને અંસારીની કારમાંથી લગભગ ૧૧.૭ કિલો મેફેડ્રોન અને દેસાઇની ગાડીમાંથી ૪.૧૬ કિલો મેફેડ્રોન મળી આવ્યું હતું. આ ડ્રગની કિમત અંદાજે રૃા. ૩૧.૮૪ કરોડ છે.

અધિકારીએ જણાવ્યું હતું કે બીએમડબલ્યુ કારના પાછળના ભાગમાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો લોગો હતો. જ્યારે અંસારી ચોરી કરેલી કાર ચલાવતો હતો. હવે એ પણ સવાલ થઇ રહ્યા છે કે આરોપીને પાલિકાનો લોગો સરળતાથી કેવી રીતે મળી ગયો. આ લોગોના ગેરકાયદેસર રીતે ઉપયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગણી થઇ રહી છે.  પોલીસને જણાવ્યા મુજબ આરોપી અંસારી સામે મુમ્બ્રા, ડાયઘર, ભાયખલા પોલીસ સ્ટેશનમાં અનેક ગુના દાખલ છે. જ્યારે દેસાઇ મૂળ કોલ્હાપુરનો વતની છે. તેની સામે એનડીપીએચ એકટ અનેક મોકોકા સહિત જુદા જુદા કેસ નોંધાયેલા છે.

પોલીસ તપાસમાં માલૂમ પડયું છે કે બંને આરોપી મુંબઇ અને થાણામાં મેફેડ્રોન વેચવાના હતા. પોલીસ તેમના ડ્રગ નેટવર્કની તપાસ કરી રહી છે. ભિવંડીના કોનગાંવ પોલીસ  સ્ટેશનમાં તેમની સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એકટ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે.

અંધેરીમાં રૃ.૧.૧૫ કરોડના કોકેન સાથે ઘાનાના યુવકની ધરપકડ

અંધેરીમાં ૩૪ વર્ષીય વિદેશી નાગરિકની ૨૮૭.૮૦ ગ્રામ કોકેન સાથે ધરપકડ કરવામાં આવી છે. આ કોકેનની કિંમત અંદાજે રૃ.૧.૧૫ કરોડ છે.

એમઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ડ્રગ્સની હેરાફેરી સંબંધિત વિશ્વનીય માહિતીના આધારે પોલીસે અંધેરી (પૂર્વ)માં મરોલ ખાતે સાળવેનગર, વિજય નગર બ્રિજ નીચે છટકું ગોઠવ્યું હતું. 

પોલીસે શંકાના આધારે ઘાનાના નાગરિક હેનરી અલમોહને પકડીને પૂછપરછ કરી હતી. પોલીસને શોધખોળ દરમિયાન હેનરી પાસેથી કોકેન મળી આવ્યું હતું.  આ ઉપરાંત રૃ.૧.૪૦ લાખને અને રૃ.૧.૩૦ લાખના મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. 

આરોપીએ કોકેન ક્યાંથી ખરીદ્યું એ કોને વેંચવાનો હતો એની તપાસ ચાલી રહી છે.


Tags :