Get The App

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ અને જોઈન્ટ ડાયરેક્ટર સસ્પેન્ડ

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ અને જોઈન્ટ ડાયરેક્ટર સસ્પેન્ડ 1 - image

પર્યાવરણ મંત્રીએ બોલાવેલી બેઠકમાં હાજર નહિ રહેતાં પગલું 

આઈએએસ દેવેન્દ્ર સિંઘ તથા જોઈન્ટ ડિરે. સતીશ પડવાલ ને પ્રો ટેમ સ્પીકરના નિર્દેશથી સસ્પેન્ડ કરાયાઃ રાજકીય વિવાદની વકી

મુંબઈ -   મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ આઈએએસ અધિકારી એમ દેવેન્દ્ર સિંઘ તથા જોઈન્ટ ડાયરેક્ટર સતીશ પડવાલને આજે વિધાનસભાના પ્રો ટેમ સ્પીકરના નિર્દેશ બાદ સસ્પેન્ડ કરી દેવાતાં રાજકીય તથા સનદી અમલદાર વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. 

આ નિર્ણયના ઘેરા રાજકીય પ્રત્યાઘાત પડી શકે છે કારણ કે હાલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન તરીકે એકનાથ શિંદેની શિવસેનાના નેતા સિદ્ધેશ કદમ કાર્યભાર સંભાળે છે જ્યારે આ પગલું ભાજપના નેતા અને પર્યાવરણ મંત્રી પંકજા મુંડેના ઈશારે લેવાયું હોવાનું કહેવાય છે. 

એમપીસીબીના મેમ્બર સેક્રેટરી અને આઈએસ અધિકારી દેવેન્દ્ર સિંઘ તથા જોઈન્ટ ડાયરેક્ટર સતીશ પડવાલ પર્યાવરણ મંત્રી પંકજા મુંડએ બોલાવેલી એક બેઠકમાં હાજર થયા ન હતા. બાદમાં વિધાનસભાના પ્રો ટેમ સ્પીકર દિલીપ લાંન્ડેએ બંને અધિકારીઓને સસ્પેન્ડ કરવા નિર્દેશ આપ્યા હતા. 

ચન્દ્રપુર જિલ્લામાં પ્રદૂષણ બાબતે ચર્ચાના જવાબમાં પંકજા મુંડેએ કહ્યું હતું કે પોતે આ મુદ્દે ચર્ચા માટે આ બે અધિકારીઓને મીટિંગ માટે બોલાવ્યા હતા પરંતુ તેઓ મીટિંગમાં હાજર રહ્યા ન હતા. લાન્ડેએ કહ્યું હતું કે આ બંને અધિકારીઓનું કૃત્ય ઘોર બેદરકારી તથા મહારાષ્ટ્રની પ્રજાનું પ્રતિનિધિત્વ કરી રહેલા ચૂંટાયેલા નેતાઓનાં ઘોર અપમાન સમાન છે.

ઉલ્લેખનીય છે કે લાન્ડે ખુદ શિવસેનાના જ નેતા છે. 

લાન્ડેએ કહ્યું હતું કે હું પ્રો-ટેમ સ્પીકર જ છું તેનાથી કોઈ ફરક પડતો નથી. હું હાલ સભાધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહ્યો છું અને એક મંત્રીના આદેશ નહીં સ્વીકારી પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ જવા બદલ મેં આ અધિકારીઓના સસ્પેન્શનના આદેશ આપ્યા છે. 

ભાજપના ધારાસભ્ય સુધીર મુનગંટીવારે  મંત્રીના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ ગયેલા આ બે પદાધિકારીઓ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની દરખાસ્ત મૂકી હતી. 

એમપીસીબીના ચેરમેન સિદ્ધેશ કદમ શિવસેનાના નેતા રામદાસ કદમના પુત્ર છે. સિદ્ધેશ કદમના ભાઈ યોગેશ કદમ હાલ મહાયુતિ સરકારમાં મંત્રી છે.