મેહુલ ચોકસીના પ્રત્યાર્પણની કાર્યવાહી બેલ્જિયમમાં શરૃ થવાની તૈયારી

ભાગેડુ હીરાના વેપારી સામે સીબીઆઈનો કેસ મજબૂત
પંજાબ નેશનલ બેંકના ૧૩ હજાર કરોડ કૌભાંડના આરોપી ચોકસીએ ભારતની જેલોમાં ત્રાસનું બહાનું આપ્યું હતું
પંજાબ નેશનલ બેંકના ૧૩ હજાર કરોડ રૃપિયાના છેતરપિંડી કેસમાં વોન્ટેડ ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની કાર્યવાહી આગામી સોમવારથી બેલ્જિયમની કોર્ટમાં શરૃ થવાની છે. બેલ્જિયમના ફેડરલ પ્રોસિક્યુટર્સ ભારતની સીબીઆઈ અને વિદેશ મંત્રાલયના સક્રિય સમર્થન સાથે સુનાવણીનું નેતૃત્વ કરશે. ચોકસીએ ભારતની જેલમાં અગવડો હોવાના બહાના કાઢ્યા હતા પણ ભારતે તમામ સગવડો પૂરી પાડવાની બેલ્જિયમ સરકારને ખાતરી આપી.
જાન્યુઆરી ૨૦૧૮માં કૌભાંડ બહાર પડવાના થોડા સમય પહેલા જ ભારતથી નાસી ગયેલા ચોકસીએ ૨૦૧૭માં એન્ટીગુઅન નાગરિકતા મેળવી હતી પણ પછી મેડિકલ કારણો ટાંકીને ૨૦૧૩માં બેલ્જિયમ નાગરિકતા મેળવી હતી. તેમના પત્ની પણ બેલ્જિયન નાગરિક છે અને ત્યારથી ત્યાં જ રહે છે. ભારતીય એજન્સીઓએ જાન્યુઆરી ૨૦૨૪માં બેલ્જિયમમાં તેમની હાજરી પકડી પાડી અને તુરંત ૨૦૨૦ના ભારત-બેલ્જિયમ કરાર હેઠળ તેના પ્રત્યાર્પણની માગણી સુપરત કરી, જે આ વ્યવસ્થા હેઠળનો પ્રથમ કેસ છે.
ચોકસીની એપ્રિલ ૨૦૨૪માં ધરપકડ કરવામાં આવી હતી અને તેની વારંવાર કરાયેલી જામીન અરજીઓ ફગાવવામાં આવી હતી. સીબીઆઈએ પ્રત્યાર્પણમાં વિશેષજ્ઞા યુરોપિયન કાનૂની કંપનીને નિયુક્ત કરી અને વિગતવાર ચાર્જશીટ, એફઆઈઆર તેમજ પુરાવા સુપરત કરીને તેની બેવડી ગુનાખોરી સાબિત કરી તેમજ સ્પષ્ટતા કરી કે આ અપરાધો ભારત તેમજ બેલ્જિયમ બંનેમાં સજાને પાત્ર છે. ચોકસી સામે આપરાધિક ષડયંત્ર, છેતરપિંડી, ખોટા એકાઉન્ટ દર્શાવવા તેમજ પ્રીવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળના ઉલ્લંઘનોના આરોપ છે.
ભારતે યુએનટીઓસી તેમજ યુએનસીએસી જેવા આંતરરાષ્ટ્રીય સંમેલનો પણ ટાંક્યા અને મુંબઈમાં વિશેષ કોર્ટોએ જારી કરેલા ધરપકડના વોરન્ટો પણ રજૂ કર્યા. વધુમાં ભારતીય સરકારે કસ્ટડીમાં ત્રાસની શંકાનો જવાબ આપતા બેલ્જિયમ સરકારને મુંબઈની આર્થર રોડ જેલમાં તમામ જરૃરી સગવડો પૂરી પાડવાની ખાતરી આપી છે.
એન્ટીગુઅન નાગરિકતા સામે કાનૂની પડકાર અને ભારતીય નાગરિકતા હજી પણ માન્ય હોવા સાથે બેલ્જિયમ પ્રશાસન માને છે કે ચોકસી ભારતીય કાયદા પ્રત્યે જવાબદાર છે. આગામી કોર્ટ કાર્યવાહી તેને ભારતમાં ન્યાયનો સામનો કરવા માટે પાછા લાવવામાં એક મહત્વપૂર્ણ પગલું છે.









