મેહુલ ચોકસીને આર્થર રોડ જેલમાં સારવાર સહિતની સુવિધાઓ અપાશે
પ્રત્યાર્પણની પૂર્વશરત રુપે ભારત સરકારે બેલ્જિયમ સરકારને ખાતરી આપી
ચોકસીને હવા ઉજાસવાળો સેલ, ત્રણ વાર ભોજન, એટેચ્ડ ટોઈલેટ મળશેઃ કસરત-યોગા કરવાની છૂટ રહેશે
મુંબઈ - પંજાબ નેશનલ બેન્કમાં કથિત છેતરપિંડીને મામલે ભાગેડું હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ થઈ હતી અને હવે પ્રત્યાપર્ણ કરી ભારત લાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. આ સંદર્ભમાં ભારત સરકારે બેલ્જિયમના ન્યાય મંત્રાલયને મેહુલ ચોકસીને મુંબઈની આર્થર રોડ જેલમાં કઈ કઈ સુવિધાઓ આપવામાં આવશે તેનું વર્ણન કરતો પત્ર મોકલ્યો છે.
મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈની જેલના ઓથોરિટીસી સાથે ચર્ચા કરીને કેન્દ્રીય ગૃહમંત્રાલયે બેલ્જિયમ પત્ર મોકલ્યો છે. ચોકસીને કેટલા પહોળા રૃમમાં રખાશે, કઈ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે અને તેમની દેખરેખ અંગેની વિગતો પત્રમાં જણાવવામાં આવી છે. ચોક્સી સહિતના કેદીઓને 'માનવીય અને ગૌરપૂર્ણ સવલતો મળશે તેવી બાંહેધરી પ ત્રમાં આપવામાં આવી છે. 'યુરોપની કાઉન્સિલ ફોર ધ પ્રિવેન્શન ઓફ ટોર્ચર' (સીપીટી)ના ધોરણો મુજબ દરેક અટકાયતીને ત્રણ ચોરસ મીટર જેટલી અંગત જગ્યા, હવા ઉજાશ માટે જાળીવાળી બારીઓ, જેલના સેલની સ્વચ્છતા અને પેસ્ટ કન્ટ્રોલ માટે નિયમિત પગલાં ભરાશે તેવું પત્રમાં કહેવામાં આવ્યું છે. કેદીને સ્વચ્છ પેય જળ, ત્રણ વાર ભોજન અને એટેચ્ડ ટોઇલેટ આપવામાં આવશે.
જેલનો યાર્ડ ઓપન-ટુ-સ્કાય છે અને તેમાં રોજ એક્સરસાઇઝ કરવાની પરવાનગી, લાયબ્રેરીમાં જવાની અને યોગની છૂટ આપવામાં આવશે.
ચોક્સીની હાલની બીમારીઓ ધ્યાનમાં રાખીને જરૃરી ઇક્વિપમેન્ટ્સ અને સારવારો નિશુલ્ક આપવામાં આવશે તેવું પત્રમાં જણાવવામાં આવ્યું છે. તંત્ર જેલનું વહીવટીતંત્ર કેદીઓની પરિસ્થિતિ પર દેખરેખ રાખશે.
રાષ્ટ્રીય કક્ષાનું અને રાજ્યકક્ષાનું માનવ અધિકાર મંચ ઇન્સ્પેક્શન કરશે.
કેન્દ્ર સરકારે પત્રમાં જણાવેલા વર્ણન જો બેલ્જિયમને ભારતને સોંપવામાં આવશે તેવું એક અધિકારીએ કહ્યું હતું. પીએનબીમાં કરોડો રૃપિયાના કથિત બોગસ ટ્રાન્સેક્શન્સના ફ્રોડ કેસમાં ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી મુખ્ય આરોપી છે.
મુંબઈની આર્થર રોડ જેલના બેરેક નંબર ૧૨મા ચોક્સીને રાખવામાં આવશે. આ બેરેકમાં બે સેલ છે અને તેની ક્ષમતા છ કેદીની છે. હાલમાં આ બેરેક ખાલી છે. કેદીઓને રૃના ગાદલા, ઓશિકાઓ, ચાદરો, ધાબળાઓ વગેરે મળશે અને તબીબી સલાહ અનુસાર પલંગ પણ મળશે. જેલમાં તબીબી સુવિધાઓ ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે અને છ મેડિકલ ઓફિસર અને અન્ય સ્ટાફ સેવા પૂરી પાડશે. જેલમાં ૨૦ બેડની હોસ્પિટલ છે. જેમાં આઇસીયુ પણ છે. ઇમર્જન્સીમાં નજીકની સર જેજે ગુ્રપ હોસ્પિટલમાં દર્દીને ખસેડી શકાશે અને અંગત ખર્ચે ખાનગી ડોક્ટરોને પણ બોલાવી શકાશે.
બિનહિંસક ગુનેગારોને મુખ્ય જેલથી અલગ રાખવામાં આવે છે. સીસીટીવી ઇન્સ્ટોલ કરાયું છે અને કેદીઓ વકીલની મદદ મેળવી શકશે. પરિવારના સભ્યોને વિઝિટ કરવાની છૂટ આપવામાં આવે છે.
જેલના સ્ટાફને સ્ટ્રેસ મેનેજમેન્ટની ટ્રેઇનિંગ સહિતની ટ્રેઇનિંગ આપવામાં આવે છે. ભારત સરકારે આપેલી બાંહેધરીઓેનું આકલન કર્યા પછી બેલ્જિયમની કોર્ટ મંજૂરી આપશે તે પછી ચોક્સી સામે ભારતમાં અદાલતી કાર્યવાહી ચલાવવામાં આવશે.
ભારતની પ્રત્યાર્પણની વિનંતીના આધારે એપ્રિલ ૨૦૨૫માં એન્ટવર્પમાંથી ચોક્સીની ધરપકડ કરવામાં આવી હતી. ચોક્સીએ કરેલી જામીન અરજી બેલ્જિયમની કોર્ટે બે વાર ફગાવી દીધી છે. ચોક્સી સામે ભારતમાં અદાલતી કાર્યવાહી ચલાવવા સીબીઆઇ બેલ્જિયમ સત્તાવાળાઓ સાથે સંકલન કરી રહી છે.