આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજીના કાયદાની વયમર્યાદાને પડકાર
તબીબી તપાસમાં બંને મહિલાઓ સક્ષમ જણાશે તો તેમની અરજી પર અદાલત વિચારણા કરશે
મુંબઈ - પચાસ વર્ષની વય વટાવી ચૂકેલી બે મહિલાએ સરોગેટ માતા બનવાના માર્ગની એક અડચણ દૂર કરાઈ છે. હાઈકોર્ટે મહિલાઓની શારીરિક સક્ષમતા તપાસવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એઆરટી (સહાયક પ્રજનન ટેક્નોલોજી)થી ગર્ભધારણ કરવા પૂર્વે બંનેના શારીરિક આરોગ્યની તપાસનો આદેશ આપ્યો છે જેમાં તેઓ સક્ષમે જણાશે તો તેમની માગણી બાબતે વિચાર કરાશે, એમ કોર્ટે જણાવ્યું હતું.
મહિલાઓએ પોતે તબીબી દ્રષ્ટીએ ગર્ભધારણ માટે સક્ષમ હોવાનો દાવો કરીને હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ સંબંધી મેડિકલ સર્ટિફિકેટ પણ પોતાની પાસે હોવાનું અરજીમાં જણાવ્યું હતું.
કોર્ટે આ બાબતે કોર્ટ મિત્ર તરીકે વરિષ્ઠ વકિલ આશુતોષ કુંભકોણીની નિયુક્તિ કરી હતી અને તેમણે સવિસ્તર દલીલ કર્યા બાદ કોર્ટે અરજદાર મહિલાઓને વચગાળાની રાહત આપી હતી.
અગાઉ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે ગર્ભાધાન અને બાળકને જન્મ આપવા અરજદાર તબીબી રીતે સક્ષમ હોય એવું કોઈ સંશોધન અરજદારે રજૂ કર્યું નથી.આ સાથે કોર્ટ મિત્રની નિયુક્તિ કરી હતી.
અરજદારોએ ૨૦૨૧માં સહાયક પ્રજનન તંત્રજ્ઞાાન કાયદામાં વય સંબંધી શરતની જોગવાઈને પડકારી હતી. દાન કરેલા સુક્રાણી સ્વીકારનાર મહિલાની વય ૫૦ વર્ષ નક્કી કરાઈ હતી. આ શરતને ગેરબંધારણીય ઘોષિત કરવાની માગણી કરાઈ છે. શરતમાં ૫૫ વર્ષીય પુરુષને શુક્રાણું દાન કરવાની પરવાનગી આપી હોવાથી તેની સામે પણ પ્રશ્ન કરાયો છે.


