મકોકા કોર્ટે ફાંસી આપી: હાઇકોર્ટમાં 12 કસૂરવાર નિર્દોષ
- 2006માં મુંબઇ ટ્રેન સિરિયલ બ્લાસ્ટમાં ન્યાયતંત્રનો 'અદ્ભુત' ન્યાય
- હાઈકોર્ટે એટીએસની તપાસની ધૂળ કાઢી નાખી, આ આરોપીઓએ ગુનો આચર્યાનું માનવું મુશ્કેલ: ટોર્ચર કરાવીને કબૂલાતો કરાવી છે:189નાં મોત માટે કોઇ જ દોષિત નહીં
- મકોકા કોર્ટે પાંચને ફાંસી, છને જન્મટીપ આપી હતી 19 વર્ષ જેલમાં ગાળનારા કસૂરવારોની હવે મુક્તિ
મુંબઈ : મુંબઈ શહેરની લાઈફલાઈન ગણાતી ઉપનગરીય રેલવે ટ્રેનમાં૧૧ જુલાઈ ૨૦૦૬ના રોજ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાના કેસમાં બોમ્બે હાઈકોર્ટે ગુનાના ૧૯ વર્ષ બાદ તમામ ૧૨ કસૂરવારોને દોષમુક્ત કરતો ચુકાદો આપ્યો છે. વિશેષ મકોકા કોર્ટે આ કેસમાં ૨૦૧૫માં તમામ આરોપીસને કસૂરવાર ઠેરવી પાંચને મૃત્યુદંડ તથા સાતને જન્મટીપની સજા ફટકારી હતી. પરંતુ, હાઈકોર્ટે વિશેષ મકોકા કોર્ટના ચુકાદાને રદબતાલ કર્યો છે. ફરિયાદી પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો છે અને આરોપીઓએ ગુનો આચર્યો હોવાનું માનવું મુશ્કેલ છે એમ કહી હાઈકોર્ટે એટીએસની તપાસની તથા ફરિયાદ પક્ષે રજૂ કરેલા આરોપીઓના કબૂલાતનામા, સાક્ષીઓના નિવેદનો સહિતના તમામ પુરાવા ફગાવી દીધા છે.
૨૦૦૬ની ૧૧મી જુલાઈએ સાંજે રશ અવર્સમાં જ્યારે ટ્રેનોમાં મહત્તમ ભીડ હોય છે તેવા જ સમયસાંજે ૬.૨૪થી ૬.૩૫ વાગ્યા દરમ્યાન માત્ર ૧૧મિનિટની અંદર ે કુકરમાં ગોઠવેલા આરડીએક્સ દ્વારા સાત બોમ્બ ધડાકા કરવામાં આવ્યા હતા જેમાં ૧૮૯ નિર્દોષના મોત નીપજ્યા હતા અને ૮૨૦થી વધુને ગંભીર ઘાયલ થયા હતા. હાઈકોર્ટના ચુકાદાને લીધે કેસની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ની બહુ મોટી નાલેશી થઈ છે. એટીએસે દાવો કર્યો હતો કે આરોપીઓ પ્રતિબંધિત સંગઠન ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા (સિમી)ના સભ્યો હતા અને તેમણે લશ્કરે તૈયબા (એલઈટી) નામના આતંકવાદી જૂથના પાકિસ્તાની સભ્યો સાથે મળીને કાવતરું રચ્યું હતું.
ન્યા. અનિલ કિલોર અને શ્યામ ચાંડકની વિશેષ બેન્ચે ૬૭૧ પેજેના ચુુકાદામાં જણાવ્યું હતું કે ફરિયાદી પક્ષ ગુનામાં વપરાયેલા બોમ્બના પ્રકારને પણ રેકોર્ડ પર લાવવામાં નિષ્ફળ ગયો છે અને જે પુરાવા પર આધાર રખાયો છે એ આરોપીઓને કસૂરવાર ઠેરવા પુરતા નથી. હાઈકોર્ટે કહ્યું હતું કે મૂળ ગુનેગારને સજા થાય એ ગુનેગારી પ્રવૃત્તિઓ અટકાવવા, કાયદાનો અમલ કરવા અને નાગરિકોની સલામતી અને સુરક્ષાની ખાતરી થાય એ દિશામાં નક્કર અને મહત્ત્વનું પગલું છે એ સાચું પરંતુ આરોપીઓને ન્યાય આપવામાં આવ્યો છે એવી રજૂઆત કરીને કેસ ઉકેલાઈ ગયો હોવાનો ખોટો દેખાવ કરવાથી કેસનો નિવેડો આવ્યાનો ભ્રમ પેદા થાય છે આવી ભ્રમણા લોકોના વિશ્વાસને નબળો પાડે છે અને સમાજને ખોટી ખાતરી આપે છે, જ્યારે વાસ્તવમાં સાચો ખતરો હજી ઝળુંબતો રહ ેછે. મૂળભૂત રીતે આ જ બાબત હાલનો કેસ દર્શાવે છે, એમ બેન્ચે જણાવ્યું હતું.
આરોપીઓના તમામ કબૂલાતનામાને હાઈકોર્ટે કોપી પેસ્ટ હોવાનું જણાવીને અસ્વીકાર્ય ગણાવ્યા હતા. વધુમાં કબૂલાતનામાની વિશ્વસનીયતા પર શંકા કરીને કોર્ટે જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી કબૂલાતનામું લેવા માટે તેમના પર ત્રાસ ગુજારાયો હોવાનું સફળતાપૂર્વક પ્રસ્થાપિત થયું છે.
આરોપીઓ પાસેથી થયેલી રિકવરી અને સાક્ષીદારોના નિવેદનોનું પુરાવા તરીકે કોઈ મૂલ્ય નથી, એમ હાઈકોર્ટે ૧૨ આરોપીની સજાને રદ કરતાં જણાવ્યું હતું. આરોપીઓ અન્ય કોઈ કેસમાં સજા ધરાવતો નહોય તો તેને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવામાં આવે એમ પણ કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે.
ઓળખ પરેડ વિશે પણ કોર્ટે ગંભીર પ્રશ્નો કર્યા હતા. ઘણા સાક્ષીદારો લાંબો સમય અને કેટલાંક ચાર વર્ષ સુધી ચુપ રહ્યા હતા અને ઓચિંતા આરોપીઓને ઓળખી બતાવ્યા હતા. જે અસામાન્ય વસ્તુ છે અને આથી તેમની સજા રદ કરવામાં આવે છે, એમ કોર્ટે નોંધ કરી હતી.
મહત્ત્વપુર્ણ સાક્ષીઓની તપાસ કરવામાં નિષ્ફળ રહેવા બદલ અને બોમ્બ એસેમ્બલ કરવા કથિત રીતે વપરાયેલા વિસ્ફોટકો અને સર્ટિટ બોક્સ -જપ્ત કરાયેલી વસ્તુઓની નબળી અને અયોગ્ય સીલિંગ અને જાળવણીને લઈને પણ ફરિયાદી પક્ષ પર પ્રતિકૂળ નિષ્કર્ષ કાઢ્યો હતો.આરોપીઓના કબૂલાતનામાને નોંધવા પહેલાં અને તે દરમ્યાન તેમને કાનૂની સહાય પૂરી નહીં પાડવા બદલ પણ કોર્ટે એજન્સીની ઝાટકણી કાઢી હતી.કબૂલાતનામા ઘણી રીતે અસ્પષ્ટ છે જેમ કે કાવતરાનું આયોજન, બોમ્બ કયા કન્ટેનરમાં પેક કરાયો હતો, કેવી રીતે વિસ્ફોટ કરાયો હતો, બોમ્બ ટ્રિગર કરવા કયા ઉપકરણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો વગેરે.
સાક્ષીઓના પુરાવાને કોર્ટે અવિશ્વસનીય ગણાવ્યા હતા જેમાં આરોપીઓને રેલવે સ્ટેશને લઈ જનારા ટેક્સી ડ્રાઈવરો, બોમ્બ મૂકતા જોનારા, બોમ્બ ભેગાથતા જોનારા અને કથિત કાવતરાના સાક્ષીઓનો સમાવેશ છે. કોર્ટે નોંધ કરી હતી કે મકોકાની જોગવાઈઓ કેસમાં લાગુ પડશે નહીં અને તેના માટે મંજૂરી વગરવિચાર્યે યાંત્રિક ઠબે આપવામાં આવી હતી.
પુણે, નાશિક, અમરાવતી અને નગપુરની જેલોમાંથી કસૂરવારો વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણીમાં હાજર રહ્યા હતા. ટ્રાયલ કોર્ટે આ આરોપીઓને મૃત્યુુદંડ તથા જન્મટીપ ફટકારતાં કહ્યું હહતું કે આરોપીઓએ નિર્દોષ લોકોની ઠંડે કલેજે અને નિષ્ઠુર થઈને કત્લેઆમ ચલાવી હતી. વિશેષ મકોકા કોર્ટના જજ વાય.ડી. શિંદેએ તમામં ૧૧ આરોપીઓએ સ્વૈચ્છિક રીતે ગુનો કબૂલ કર્યું હોવાનું નોંધ્યું હતું. જોકે, કોઈપણ કેસમાં નીચલી કોર્ટ દ્વારા ફાંસીની સજા થાય તો તેને હાઈકોર્ટ દ્વારા બહાલી આવશ્યક હોય છે. જોકે, હાઈકોર્ટે આવી બહાલી આપવાને બદલે સમગ્ર ચુકાદો જ પલ્ટાવી દઈ તમામ આરોપીને નિર્દોષ જાહેર કરી દીધા છે.
પીડિતો- સ્વજનનો ભારે વેદના અને આક્રોશભર્યો ચિત્કાર
ન્યાયની હત્યા થઈ છે: મુંબઈ માટે આ શોકનો કાળો દિવસ
- પરિવારનું પેટ ભરવા કમાવા માટે બહાર નીકળવું એ ગુનો છે, અમે જ અપરાધી છીએ: પીડિત પરિવારો
ટ્રેન બ્લાસ્ટ કેસમાં આરોપીઓને નિર્દોષ છોડી મૂકાતાં આ બ્લાસ્ટમાં જખ્મી થયેલા પીડિતો ઉપરાંત જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેવા પરિવારજનો ભારે આઘાત સાથે દિગ્મૂઢ બની ગયા હતા. એક બ્લાસ્ટ પીડિત સીએ ચિરાગ ચૌહાણે કહ્યું હતું કે આજનો દિવસ મુંબઈ માટે કાળો દિવસ છે, આ શોકનો દિવસ છે. ન્યાયની હત્યા થઈ છે.
સિરિયલ બ્લાસ્ટમાં ગંભીર રીતે જખમી થયા પછી અત્યારે વ્હીલચેરમાં જ હરીફરી શકતા ચિરાગ ચૌહાણે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે સોશ્યલ મિડિયામાં પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ દેશનો કાયદો નિષ્ફળ ગયો છે.
તેમણે કહ્યું હતું કે આજનો દિવસ બહુ સંતાપનો દિવસ છે. ન્યાયનો વધ થયો છે. હજારો પરિવારોએ ે ક્યારેય ભરપાઈ ન થઈ શકે તેવો આઘાત અને પીડા વેઠયાં છે તેના બદલામાં કોઈનેય સજા થઈ નથી.
તેમણે કહ્યું હતું કે મે તો આતંકવાદીઓને માફ કરી દીધા છે અને જીવનમાં આગળ વધવાનું જ મુનાસીબ માન્યું છે. મને લાગે છે કે ત્યારે જો પીએમ તરીકે નરેન્દ્ર મોદી હતો તો પહેલાગમ એટેક પછી જેમ ઓપરેશન સિંદૂર હાથ ધરાયું તેમ તે વખતે પણ જડબાતોડ જવાબ અપાયો હોત.
ટ્રેન બ્લાસ્ટ થયા ત્યારે ચાર્ટર્ડ અકાઉન્ટન્સીના ૨૧ વર્ષના સ્ટુડન્ટ ચિરાગ ચૌહાણ વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેનમાં પ્રવાસી કરતા હતા એ વખતે ખાર અને સાંતાક્રુઝ સ્ટેશન વચ્ચે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ ધડાકામાં કરોડ રજ્જુમાં ગંભીર ઇજાને કારણે શરીરમાં પક્ષઘાત થવાથી વ્હીલચેરનો આશરો લેવો પડયો છે. એમનું આખું જીવન જ બદલાઇ ગયું છે.
ટ્રેન બ્લાસ્ટ
મૃત્યુદંડની સજા પામ્યા હતા પણ હવે નિર્દોષ ઠર્યા
કલામ અંસારી (૨૦૨૧માં દિવંગત), મોહમ્મદ ફૈઝલ અતૌર રહેમાન શેખ, એહતેશામ કતુબુદ્દીન સિદ્દીકી, નવીદ હુસૈન ખાન અને આસિફ ખાન
આ આરોપીઓને જન્મટીપ ફરમાવાઈ હતી
તનવીર અહેમદ મોહમ્મદ ઈબ્રાહિમ અંસારી, મોહમ્મદ માજિદ મોહમ્મદ શફી, શેખ મોહમ્મદ અલી આલમ શેખ, મોહમ્મદ સાજિદ મરગબ અંસારી, મુઝમ્મિલ અતાઉર રહેમાન શેખ, સુહેલ મેહમુદ શેખ અને ઝમીર અહેમદ રહેમાન શેખ
- વાહિદ શેખ નામના અરોપીને નવ વર્ષ જેલમાં રહ્યા બાદ મુક્ત કરાયો હતો.