પુણેમાં એમબીબીએસ ડોક્ટર એમડી ડ્રગ વેચતાં ઝડપાયો
અગાઉ પણ ડ્રગ કેસને લીધે હોસ્પિટલે કાઢી મૂક્યો હતો
કારમાં ડ્રગ વેચવા ફરતા મૂળ કાશ્મીરના ડોક્ટર સહિત ત્રણની ધરપકડઃ લાખોનો જથ્થો જપ્ત
મુંબઈ - પુણેમાં એક ડોક્ટર દ્વારા એમડી ડ્રગ્સની દાણચોરી કરવામાં આવી રહી હોવાનું પ્રકાશમાં આવતાં પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલે સસ્પેન્ડેડ એમબીબીએસ ડોક્ટર સહિત ત્રણની ધરપકડ કરી હતી અને આ ત્રણેય પાસેથી રુ. ૧૫.૮૪ લાખની કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યો હતો.
આ કાર્યવાહી બિબવેવાડીમાં આવેલી ઈન્વિટિંગ હોટલની સામે કરવામાં આવી હતી. આ કેસમાં ૨૭ વર્ષીય ડોક્ટર અયાન શેખ, ૨૮ વર્ષીય સેમ્યુઅલ પ્રતાપ અને ૨૭ વર્ષીય અનિકેત કુડલેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, અયાન શેખ મૂળ જમ્મુનો છે અને તેણે એમબીબીએસનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. તે પુણેની એક પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો. જેમાં અગાઉ પણ તેની ડ્રગ્સ દાણચોરી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાંથી સસ્પેન્ડ કરાયો તો.
હવે તે બીજીવાર ડ્રગ કેસમાં ફસાયો છે. પોલીસને બાતમી મળી હતી કે બિબવેવાડીમાં નિમંથન હોટલ સામેના રોડ પર ત્રણ લોકો શંકાસ્પદ રીતે કાર પાર્ક કરીને ડ્રગ્સ વેચી રહ્યા છે. બાતમીના આધારે કામગીરી કરતા પોલીસે શેખ સહિત ત્રણેયની ધરપકડ કરી હતી.
આ સમયે પોલીસને ડોક્ટર શેખ પાસેથી રુ. પાંચ લાખની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું .તો સેમ્યુઅલ પાસેથી રુ. ૬.૩૮ લાખ અને કુડલે પાસેથી રુ. ૩.૨૫ લાખનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ બાદ પોલીસે આ ગુનામાં વપરાયેલી કાર અને મોબાઈલ ફોનો પણ જપ્ત કરવામાં આવી હતી.
પોલીસે આ મામલે ત્રણેય સામે ગુનો નોંધીને આ ત્રણેય આ ડ્રગ્સ ક્યાંથી લઈ આવતા હતા. આ ડ્રગ્સ નેટવર્કમાં અન્ય કેટલાક લોકોની સંડોવણી છે તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.