2025 નો મે મહિનો વધુ ધગધગતો રહેશે, હીટવેવના દિવસો વધશે
હવામાન વિભાગનો દઝાડતો વરતારો
મહારાષ્ટ્ર,રાજસ્થાન, હરિયાણા,પંજાબ,યુપી,બિહાર ઉકળતી ભઠ્ઠી બનશે ઃ મુંબઇમાં ૧૦ થી ૧૨,માર્ચે હીટવેવની હેટ્રીક થઇ હતી
મુંબઇ - હવામાન વિભાગે એવો વરતારો આપ્યો છે કે ૨૦૨૫ના ઉનાળાનો મે મહિનો ભારતનાં મોટાભાગનાં રાજ્યોમાં વધુ ઉનો અને વધુ બળબળતો રહે તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે. ખાસ કરીને મે મહિનામાં રાજસ્થાન,હરિયાણા,પંજાબ,ઉત્તર પ્રદેશ, બિહાર,ઝારખંડ,પશ્ચિમ બંગાળનો ગંગાનો તટ પ્રદેશ વગેરેમાં તાપમાનનો પારો સામાન્ય કરતાં વધુ ઉંચો રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ ડો.મૃત્યુંજય મોહપાત્રાએ એવી માહિતી આપી છે કે ૨૦૨૫ના મે મહિનામાં આ બધાં રાજ્યો ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગણા,છત્તીસગઢ વગેરે રાજ્યોમાં હીટવેવના દિવસોની સંખ્યા પણ વધવાની શક્યતા છે. સામાન્ય રીતે મે મહિનામાં ભારતનાં મોટાભાગમાં હીટવેવ(ગરમીનું મોજું)ના દિવસોની સંખ્યા લગભગ એક થી ત્રણ દિવસની હોય છે. ૨૦૨૪ના ઉનાળામાં આખા ભારતમાં હીટવેવના દિવસોની સંખ્યા૭૨ નોંધાઇ હતી.રાજસ્થાન અને ગુજરાતમાં હીટવેવના દિવસોની સંખ્યા છ થી અગિયાર(૬ થી ૧૧) નોંધાઇ હતી. જ્યારે મધ્ય પ્રદેશમાં અને મહારાષ્ટ્રના વિદર્ભમાં હીટવેવના દિવસોની સંખ્યા ચારથી છ (૪થી૬) નોંધાઇ હતી.સાથોસાથ પૂર્વ--મધ્ય ભારતમાં અને ઉત્તરના મેદાની પ્રદેશોમાં હીટવેવના દિવસોની સંખ્યા એકથી ત્રણ(૧ થી ૩) નોંધાઇ હતી.
મુંબઇમાં ૨૦૨૫ની ૧૨, માર્ચે હીટવેવની હેટ્રીક થઇ હતી. ૧૦ અને ૧૧,માર્ચે , બંને દિવસે મુંબઇમાં મહત્તમ તાપમાન ૩૭.૨ અને ૩૯.૨ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોટ હોટ રહ્યું હતું. ૨૦૨૫ની ૧૨,માર્ચે મુંબઇ(સાંતાક્રૂઝ)માં ગરમીનો પારો ૩૮.૬ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઉનો ઉનો નોંધાયો હતો.
મુંબઇ સહિત થાણે,રાયગઢમા ં પણ હીટવેવની યલો એલર્ટ જારી કરવામાં આવી હતી. આમ ૨૦૨૫ના ફેબુ્રઆરીમાં અને માર્ચમાં હીટવેવ પરિસ્થિતિ કોંકણની સમુદ્ર પટ્ટીમાં સર્જાઇ હતી.. આ પરિબળ વિશે પણ હવામાનશાસ્ત્રીઓ વધુ સંશોધન કરી રહ્યા છે.
બીજી બાજુ ૧૨, માર્ચે મહારાષ્ટ્રનાં પાંચ સ્થળોએ પણ ગરમીનો પારો ૪૦.૦ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો. આમ માર્ચની શરૃઆતમાં જ મુંબઇ સહિત આખું મહારાષ્ટ્ર કાળઝાળ ગરમીમાં શેકાઇ રહ્યું છે. સાથોસાથ ૨૦૨૫ની ૨૩ થી ૨૬,એપ્રિલ દરમિયાન પણ મહારાષ્ટ્રના વિદર્ભ(નાગપુર,વર્ધા,ચંદ્રપુર, અકોલા,અમરાવતી)માં હીટવેવ(ગરમીનું મોજું)ની ચેતવણી(ઓરેન્જ એલર્ટ) જાહેર કરવામાં આવી હતી.
ડો. મૃત્યુંજય મોહપાત્રાએ એવો સંકેત પણ આપ્યો છે કે ૨૦૨૫ના મે મહિનામાં ભારતના મોટાભાગનાં રાજ્યોમાં મેઘગર્જના, વીજળીના કડાકા, તીવ્ર પવન સાથે વરસાદ અને કરા પડવા(હવામાનશાસ્ત્રની ભાષામાં આ પ્રકારના હવામાનને થન્ડરસ્ટોર્મ કહેવાય છે)ની પણ સંભાવના છે.