Mumbai

કાંદિવલીમાં ગૃહ ઉદ્યોગમાં ગેસ સિલિન્ડરમાં લીકેજથી વિકરાળ આગ - 7 દાઝ્યાં

By GS TEAM
25 Sep 20252 mins read
કાંદિવલીમાં ગૃહ ઉદ્યોગમાં  ગેસ સિલિન્ડરમાં લીકેજથી વિકરાળ આગ  - 7 દાઝ્યાં

6 મહિલા તથા એક મહારાજ ભોગ બન્યાઃ ચારની હાલત ગંભીર

ચાલના રુમમાં થેપલાં બનાવતી બે ગુજરાતી મહિલા ભોગ બનીઃ ત્રણ મહિલાને ૮૦ ટકાથી વધુ બર્ન ઈન્જરીઃ 

મુંબઈ -  કાંદિવલી ઈસ્ટમાં થેપલાં બનાવતા ગૃહ ઉદ્યોગ એકમમાં ગેસ સિલિન્ડર ફાટતાં ગુજરાતી મહિલાઓ સહિત છ મહિલા તથા એક પુરુષ ગંભીર રીતે દાઝી ગયાં હતાં. તેમને નવી મુંબઈ તથા અન્યત્ર ખાનગી હોસ્પિટલોમાં કસેડાયાં હતાં. દાઝી ગયેલામાંથી ચારની હાલત બહુ ગંભીર હોવાનું કહેવાય છે. 

આગ સવારના ૯.૦૫ વાગ્યે રામ કિશન મિી ચાલ, મિલિટરી રોડ, અકડલી મેન્ટેનન્સ ચોકી પાસે આવેલી રૃમમાં લાગી હતી. રૃમમાં ગેસ સિલિન્ડર, ગેસ ચુલો, વીજળીના વાયર તથા ખાદ્ય સામગ્રીને ભારે નુકસાન થયું હતું. આગની જાણ કરાતાં  ચાર ફાયર એન્જિન અને અન્ય અગ્નિશામક દળના વાહનો ઘટના સ્થળે  પહોંચ્યાં હતાં. સવારે  ૯.૩૩ વાગ્યે આગ કાબુમાં આવી હતી.

         આ વિશે બીએમસીના એક અધિકારીએ જણાવ્યું કે, આગમાં દાઝનારામાં બે ગુજરાતી બહેનો શિવાની ગાંધી (૫૧) ૭૦% થી વધુ દાઝયા) અને રક્ષા જોશી (૪૭) ઉપરાંત  નીતું ગુપ્તા (૩૧), જાનકી ગુપ્તા (૩૯),દુર્ગા ગુપ્તા (૩૦), પૂનમ (૨૮) અને એક પુરૃષ મનારામ કુમાકટ (૫૫, મહારાજ)નો સમાવેશ થાય છે. હોસ્પિટલ સૂત્રો મુજબ, ત્રણ મહિલાઓ ૮૦ ટકા થી વધુ દાઝયા છે અને તેમની હાલત ગંભીર છે. કાંદિવલીમાં ચશ્માની દુકાન ધરાવતા પંચાવન વર્ષીય મીતુલ ગાંધીના પત્ની શિવાની ગાંધી આ ગૃહ ઉદ્યોગ ચલાવતાં હતાં. શિવાની બહેન પણ આગમાં ગંભીર રીતે દાઝી ગયાં છે. 

સમતા નગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ અધિકારી જયવંત શિંદેએ જણાવ્યું કે, પહેલાં ગેસ સિલિન્ડરમાંથી લીકેજ થતાં  આગ શરૃ થઈ હતી. બાદમાં બીજાં સિલિન્ડરે પણ આગ પકડી હતી.  સુરક્ષા માટે બંદોબસ્ત ગોઠવાયો છે, અને હજુ સુધી એફઆઈઆર નોંધાઈ નથી, પરંતુ તપાસ ચાલુ છે. 

 કાંદિવલીના શિવાની ગાંધીએ ગૃહ ઉદ્યોગ શરુ કર્યો હતો

એકવાર દુર્ગંધ આવતાં બધા બહાર પણ નીકળી ગયાં હતાં

દુર્ગંધ બંધ થઈ ગઈ છે તેવું જણાતાં ફરી અંદર ગયાં અને આગ લાગી

શિવાની ગાંધી કેટલાક વર્ષોથી ઘરે બેસીને  થેપલા બનાવતા  હતા. પરંતુ, છેલ્લા પાંચ વર્ષથી તેમણે રામ કિશન મિી ચાલમાં રૃમમાં અન્ય બહેનોને સાથે જોડયા હતા અને ગુહઉદ્યોગ શરૃ ર્ક્યાં હતો. દરરોજ સવારે સાત વાગ્યાથી અહીં થેપલા બનતા હતા. બુધવારે સવારે બહેનો પહોંચ્યા બાદ આશરે ૮ વાગ્યે ગેસ લીકેજની દુર્ગંધ આવતાં બધા બહાર આવી ગયા હતા. થોડા સમય પછી મહારાજે કહ્યું કે દુર્ગંધ બંધ થઈ ગઈ છે. તેથી બધા ફરી અંદર ગયા હતા. પરંતુ, ત્યાં સુધી ગેસ રૃમમાં ફેલાઈ ગયો હતો. અચાનક આગ ભભૂકી અને બધા ગોળાની જેમ આગમાં ઘેરાઈ ગયા હતા. આ બાદમાં બીજો સિલિન્ડર ફાટતાં આગ વધારે વિકરાળ બની. આસપાસના લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યા પણ રૃમ થોડા જ મિનિટોમાં ખાખ થઈ ગયો હતો.