Get The App

ઉરણ ઓએનજીસી પ્લાન્ટમાં પ્રચંડ આગઃ મુંબઈનો સીએનજી પુરવઠો બંધ

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
ઉરણ ઓએનજીસી પ્લાન્ટમાં  પ્રચંડ આગઃ મુંબઈનો સીએનજી પુરવઠો બંધ 1 - image


છેક સાઉથ મુંબઈથી પણ ધૂમાડાના ગોટેગોટા દેખાયા

ઘરે પાઈપલાઈન ગેસ મેળવતા ગ્રાહકો માટે પુરવઠો જાળવી રખાશે તેવો દાવોઃ જોકે, રેસ્ટોરાં સહિતના કમર્શિઅલ તથા ઈન્ડસ્ટ્ર્ીયલ ગ્રાહકોને ગેસ પુરવઠો  અટક્યો

છૂટી પડાયેલી જૂની પાઈપલાઈનમાં આગ લાગી હોવાનો તથા બે કલાકે બૂઝાવી દેવામાં આવી હોવાનો ઓએનજીસીનો દાવોઃ આસપાસના ગામોમાં ભારે ગભરાટ

મુંબઇ  -  નવી મુંબઇના ઉરણમાં આવેલા ઓએનજીસી પ્લાન્ટમાં આજે  બપોરે ભીષણ આગ લાગી હતી. આગ એટલી  પ્રચંડ હતી કે તેના ધૂમાડાના ગોટેગોટા સાઉથ મુંબઈના વિસ્તારોમાંથી પણ જોઈ શકાતા હતા. આગના કારણે મુંબઈના વડાલાના સિટિ ગેસ સ્ટેશનને એમજીએલના પુરવઠા પર અસર થઈ છે  જોકે એમજીએલના દાવા અનુસાર ઘરે પાઈપ્ડ ગેસ મેળવતા ગ્રાહકોને તેની કોઈ અસર ન  થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ, આ આગના કારણે શહેરભરના સીએનજી પંપોને અપૂરતો ગેસ પુરવઠો મળે તેવી વકી છે. વધુમાં ઉદ્યોગો તથા રેસ્ટોરાં સહિતનાં  કમર્શિઅલ એસ્ટાબ્લીશમેન્ટસને પાઈપ્ડ ગેસને બદલે વૈકલ્પિક ઈંધણનો ઉપયોગ કરવા પણ જણાવાયું છે. 

ઓએનજીસી પ્લાન્ટમાં આજે બપોરે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ આગ ભભૂકી હતી આગના લીધે ધુમાડો સમગ્ર વિસ્તારમાં ફેલાઇ ગયો હતો. જેના લીધે નજીકમાં રહેતા સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.  ઓએનજીસીના દાવા અનુસાર એક જૂની અને અલગ કરી દેવાયેલી પાઈપલાઈનના છેડે ડ્રેઈન પોઈન્ટ પર આગ લાગી હતી. તેમણે દાવો કર્યો હતો કે ઓએનજીસીનની ફાયર ફાઈટિંગ ટીમે તરત જ સ્પોટ પર જઈ આગ અટકાવી દીધી હતી.   તેમણે દાવો કર્યો હતો કે આ આગમાં ઓએનજીસીની સંપત્તિનું કોઈ નુકસાન થયું નથી કે કોઈ શ્રમિક અથવા તો કર્મચારીને કોઈ પણ પ્રકારની ઈજા પણ પહોંચી નથી. 

સુરક્ષાના પગલા તરીકે ઓએનજીસી તરફ જતા રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. આગ બૂઝાવવા માટે ફાયર બ્રિગેડના વાહનો તૈનાત કરવામાં આવ્યા હતા.

આ ઘટનાના વીડીયો અને ફોટામાં ગાઢ ધુમાડાના ગોટેગોટા અને આગની જવાળાઓ જોવા મળે છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની ફાયરબ્રિગેડ દ્વારા લગભગ બે કલાકની  જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. સાઉથ મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા, ભાઉ ચા ધક્કા, વાડી બંદર  સહિતના વિસ્તારોમાંથી પણ સામા કાંઠે આગના પ્રચંડ ધૂમાડા ઉઠતા જોઈ શકાતા હતા. તેના કારણે આ વિસ્તારના રહેતા લોકોએ પણ કોઈ મોટી હોનારત થઈ છે કે શું તેવા  સવાલો સાથે પૂછપરછનો દોર શરુ કર્યો હતો. 

ઉરણ પોલીસ ના સિનિયર ઈન્સ્પેક્ટર હનીફ મુલાણીએ જણાવ્યું હતું કે આશરે ૪૭ કિમી લાંબી પાઈપલાઈનમાં અસર થઈ છે અને તમામ પાઈપલાઈનમાં  ગેસ ડિસકનેક્ટ કરી દેવાયો છે. ઓએનજીસી દ્વારા  પાઈપલાઈનને  સમાંતર વોટર    સ્પ્રિન્કલર્સ ગોઠવાયાં છે  અને આગ વિસ્તરે નહીં તેની પૂરતી તકેદારી  લેવામાં આવી છે. સિડકો દ્વારા પોતાની ફાયર ફાઇટિંગ ટીમ મોકલાઈ હતી પરંતુ ઓએનજીસીએ પોતાની જ ફાયર ફાઇટિંગ ટીમ દ્વારા અગ્નિશમનની કામગીરી કરવાનું  પસંદ કર્યું હતું. 

ઉરણ તહસીલદાર ડૉ. ઉદ્ધવ કદમે માહિતી આપી હતી કે ઓએનજીસી પ્રોજેક્ટમાં લાગેલી આગ બુઝાવી દેવામાં આવી છે આ પ્રોજેક્ટમાં અગાઉ પણ આગ લાગી હતી ઓએનજીસી પ્રોજેક્ટ પાસે આવેલા  બંને  ગામ નાગાવ અને કેંગાવના લોકોમાં આગના લીધે ગભરાય ગયા હતા.

દરમિયાન, વડાલાના સિટી સ્ટેશને ગેસના પુરવઠા પર અસર થઈ હતી. જોકે, મહાનગર ગેસ લિમિટેડ દ્વારા દાવો કરાયો હતો કે શહેરના પાઈપલાઈનથી ગેસ મેળવતા ઘરેલુ તથા કર્મશિઅલ  ગ્રાહકોેને કોઈ અસર ન થાય તે માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

એમજીએલ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે ઓએનજીસીના ગેસ પ્રોસેસિંગ સંકુલમાં આગ લાગી છે. તેના કારણે એમજીએલને મળતા ગેસ પુરવઠામાં વિક્ષેપ સર્જાયો છે. અમે ઘરમાં પાઈપ દ્વારા રાંધણગેસ મેળવતા ગ્રાહકોને સપ્લાય ખોરવાય નહિ તેવા પ્રયાસો કરી રહ્યા છીએ. જોકે, ગેસ પુરવઠાનું દબાણ બહુ ઓછું હોવાથી સમગ્ર મુંબઈમાં સીએનજી પુરવઠા પર અસર થઈ શકે છે તેમ આ નિવેદનમાં જણાવાયું હતું. 

મહાનગર ગેસ લિમિટેડે તેના કમર્શિઅલ તથા ઈન્ડસ્ટ્રિઅલ ગ્રાહકોને વૈકલ્પિક બળતણ અપનાવવા  અપીલ કરી હતી. 

ઓએનજીસી દ્વારા તેનું સંચાલન નોર્મલ બનાવાય તે પછી જ સંપૂર્ણ ગેસ પુરવઠો રિસ્ટોર થઈ શકશે તેમ એમજીએલ દ્વારા જણાવાયુું હતું. 

Tags :