Get The App

નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ : 18નાં મોત

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ : 18નાં મોત 1 - image

રાઉળગાવની એસબીએલ કંપનીમાં સવારે સાત વાગ્યે દુર્ઘટના

મૃતદેહો ઓળખાય નહિ તેવી હાલતમાં : સમગ્ર વિસ્તાર પ્રચંડ વિસ્ફોટથી ધણધણ્યો : કામદારોના પરિવારોમાં ભારે આક્રોશ

મુંબઈ: નાગપુર જિલ્લાના કાટોલ તાલુકામાં રાઉલગાંવ ખાતે આવેલી વિસ્ફોટક બનાવતી એસબીએલ એનર્જી લિમિટેડની  ફેક્ટરીમાં આજે સવારે થયેલ ભીષણ વિસ્ફોટમાં ૧૮ વ્યક્તિના મોત થયા હતા. જ્યારે આ ઘટનામાં ૨૪થી વધુ લોકો ઘાયલ થયા હતા.   કામદારોના મૃતદેહ ઓળખી પણ ન શકાય તે હાલતમાં ક્ષતવિક્ષત થઈ ગયા હતા. મહારાષ્ટ્ર સરકારે સમગ્ર બનાવની તપાસના આદેશો આપ્યા છે. આ ફેક્ટરી ખાણકામ તથા ઔદ્યોગિક હેતુઓ માટેનાં ડિટોનેટર્સ સહિતનાં વિસ્ફોટકોનું ઉત્પાદન કરે છે. 

આજે વહેલી સવારે બનાવની જાણ તતાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો, પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન અને ડિફેન્સ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર સિક્યુરિટીના અધિકારીઓ સાથે  ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.  વિસ્ફોટ પછી તરત જ ઘાયલોને નાગપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એસબીએલ એનર્જી લિમિટેડના પ્રતિનિધિઓએ  જણાવ્યું હતું કે આ ઘટના કંપનીના ડેટોનેટર પેકિંગ યુનિટમાં સવારે ૭ થી ૭-૧૫ વાગ્યાની વચ્ચે બની હતી.આ  બનાવ ફેકટરીના સુવિધાના પેકિંગ વિસ્તારમાં બની હતી. તે સમયે ત્યાં કોઈ કામગીરી ચાલી રહી ન હતી.વિસ્ફોટનું ચોક્કસ કારણ તપાસ ચાલી રહી છે. અમે સંબંધિત અધિકારીઓને  સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ,એવું કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

આ બનાવની આંતરિક સમીક્ષા શરૂ કરવામાં આવી છે અને તપાસના તારણોના આધારે યોગ્ય સુધારાત્મક અને નિવારક પગલાં અમલમાં મૂકવામાં આવશે, એમ એમાં જણાવાયું છે.

કંપનીએ કહ્યું હતું કે તેમની તાત્કાલિક પ્રાથમિકતા અસરગ્રસ્ત કર્મચારીઓ અને તેમના પરિવારોને તમામ જરૂરી સહાય પૂરી પાડવાની  છે. સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરી કંપની તાત્કાલિક નાણાકીય સહાય પૂરી પાડી રહી છે અને ઘાયલોની તબીબી સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી રહી છે.

ઇમરજન્સી રિસ્પોન્સ પ્રોટોકોલ તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યા હતા અને પરિસ્થિતિ નિયંત્રણમાં હતી, એમ એમાં જણાવાયું હતું.

આ બાબતે વધુ વિગતાનુસાર સવારે ભીષણ વિસ્ફોટને લીધે જોરદાર અવાજ સાથે ધરતી ધણધણી ઉઠી હતી અને ખળભળાટ મચી ગયો હતો. 

આ ઘટના બાદ વિસ્ફોટમાં ઈજા પામેલા કામદારોને તાત્કાલિક પાસેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વિસ્ફોટ આગ પણ ફાટી નીકળી હતી. વિવિધ ેજન્સીઓ દ્વારા બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન કંપનીમાં કામ કરતા કામદારોના સંબંધીઓ મોટી સંખ્યામાં કંપની પરિસરમાં ભેગા થયા હતા અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જોકે આ વિસ્ફોટ કયાં કારમસર થયો તે જાણી શકાયું નહોતું.

વિસ્ફોટ બાદ તરત જ જિલ્લા કલેક્ટર બિપિન ઇટનકર  અને જિલ્લા પોલીસ વડા  હર્ષ પોદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક પાસેની હોસ્પિટલમોમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં મોતને ભેટેલા કામદારોના મૃતદેહોને મેડિકલ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે એમ્બ્યુલન્સમાં નાગપુર મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા. 

આ ઘટનામાં મૃતદેહો ઓળખી ન શકાય તે રીતે બળી ગયા હતા અને મૃતકોની ઓળખ માટે તેમના પરિવારના સભ્યોના ડીએનએ પરીક્ષણ માટે નમૂના લેવામાં આવી રહ્યા છે.