મીરા ભાયંદરમાં મરાઠી ભાષા મુદ્દે વેપારી પર હુમલાના વિરોધમાં બજારો બંધ
મનસેના નેતાઓ સામે કાર્યવાહીની માંગ સાથે પોલીસને આવેદન
રસ્તા પર ઉતરેલા વેપારીઓ દ્વારા સૂત્રોચ્ચારઃ ભાજપ તથા શિવસેનાના સ્થાનિક નેતાઓ દ્વારા વેપારીઓનાં આંદોલનને ટેકા
મુંબઈ - મીરા ભાયંદરમાં મરાઠીમાં બોલવા મુદ્દે એક વેપારી પર મનસેના કાર્યકરોએ કરેલા હુમલાના વિરોધમાં વેપારી સંગઠનોે બંધનું એલાન આપતાં મીરા ભાયંદરના કેટલાંક બજારો આજે બંધ રહ્યાં હતાં. બીજી તરફ મનસેએ પોતાનું વલણ જાળવી રાખ્યું છે અને આ સંદર્ભમાં વિરોધ કરવાની ચેતવણી આપી છે.
મીરા રોડના સિલ્વર પાર્ક વિસ્તારમાં ગયા મંગળવારે મીઠાઈની દુકાન ચલાવતા બાબુલાલ ચૌધરીને મરાઠી નહિ બોલવા બદલ મનસેના પદાધિકારીઓએ માર માર્યો હતો. ઘટનાનો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વાતાવરણ ખૂબ ગરમાયું હતું. આ કેસમાં મનસેના પદાધિકારીઓ વિરુદ્ધ કાશીમીરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. દરમિયાન, મરાઠી પરના આ હુમલાના વિરોધમાં વેપારી સંગઠનોએ વિરોધ પ્રદર્શનનું યોજવાનું નક્કી કર્યું હતું. મીરા-ભાયંદરના મોટાભાગના વિસ્તારોમાં દુકાનો બંધ રાખવામાં આવી હતી. વેપારીઓ રસ્તા પર આવ્યા હતા અને આ હુમલાના વિરોધમાં સૂત્રોચ્ચારો પણ કર્યા હતા. સંગઠનના પ્રતિનિધિઓએ ડેપ્યુટી કમિશનર પ્રકાશ ગાયકવાડને મળ્યા હતા અને મનસેના પદાધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. જયારે ભાજપ અને શિવસેનાના પદાધિકારીઓએ પણ વેપારી પરના હુમલાની નિંદા કરી છે અને વિરોધ કરી રહેલા વેપારીઓને ટેકો આપ્યો હતો.
મનસેની વળતાં આંદોલનની ચેતવણી
વેપારીઓનો મોરચો ભાજપ દ્વારા પ્રાયોજિત છે અને મરાઠી લોકોને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એમ મનસે થાણે જિલ્લા પ્રમુખ અવિનાશ જાધવે તા. સાતમી જુલાઈએ વળતાં આદોલનની ચિમકી આપી હતી.
પોલીસ સતર્ક
ે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પ્રકાશ ગાયકવાડે જણાવ્યું હતું કે 'પોલીસ હાલ ચાલી રહેલા વિવાદ પર બારીકાઇથી નજર રાખી રહી છે. આ કિસ્સામાં, આરોપીઓ સામે કેસ નોંધવામાં આવી રહ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.