એરપોર્ટ પર 3 પ્રવાસીઓ પાસેથી 16 કરોડનો ગાંજો જપ્ત
મલેશિયાથી એક પ્રવાસી ૧૨ કરોડનો ગાંજો લઈ આવ્યો
તમિલનાડુના રહીશે ૧૫ હજાર માટે વિએતનામથી મુંબઈ ગાંજાની દાણચોરી કરીઃ બેંગ્કોકથી આવેલા પ્રવાસી પાસેથી બે કરોડનો ગાંજો જપ્ત
મુંબઈ - મુંબઈના નઆંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડીઆરઆઈએ મલેશિયાના કુઆલાલ્મપુરમથી આવેલા એક પ્રવાસીની ૧૨ કરોડ રૃપિયાના ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી હતી. ડીઆરઆરના અધિકારીઓએ આ પ્રવાસી પાસેથી ૧૨.૨૬ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. બીજી તરફ કસ્ટમના એર ઈન્ટેલિજન્સ યુનિટે તમિલનાડુના બે શખ્સોની ચાર કરોડના ગાંજા સાથે ધરપકડ કરી હતી.
આં સંદર્ભે વધુ વિગત આપતા ડીઆરઆઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રવાસી મંગળવારે મલેશિયન એરલાઈન્સના વિમાન એમએચ-૧૯૪ દ્વારા મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો હતો. ડીઆરઆઈને શંકા જતા તેના સામાનની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન અધિકાર તેની ટ્રોલી બેગમાં સીફતપૂર્વકછૂપાવેલ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ૧૨.૨૬ કરોડ રૃપિયા આંકવામાં આવી હતી.
ડીઆરઆઈએ ગાંજાનો આ જથ્થો મળી આવ્યા આરોપી પ્રવાસી સામે નાર્કોટીક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સ એક્ટ (એનડીપીએસ) કાયદા હેઠળ તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરમિયાન બાતમીના આધારે કામગીરી કરતા સોમવારે વિયેતનામના હો ચી મિન્હથી મુંબઈ એરપોર્ટ પર પહોંચેલા ૪૯ વર્ષીય તામિલનાડૂના રહેવાસી કૃષ્ણમૂર્તિ રામાસ્વામીને શંકાના આધારે અટકાવવામાં આવ્યો હતો. આ બાદ તેના સામાનની તપાસ કરતા તેમાંથી અનેક ગાંજાના પેકેટો મળી આવ્યા હતા.
કસ્ટમ્સ વિભાગે રામાસ્વામી પાસેથી કુલ ૨.૦૧ કિલો ગાંજો જપ્ત કર્યો હતો. જેની કિંમત રુ. ૨.૦૧ કરોડ હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં પૂછપરછમાં ખૂલાસો થયો હતો કે રામાસ્વામીએ રુ. ૧૫ હજારના બદલામાં આ કરોડોના ગાંજાની દાણચોરી કરી હતી. આ બાદ તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.
દરમિયાન બીજા કેસમાં કસ્ટમ્સ અધિકારીઓએ સોમવારે બેંગકોકથી મુંબઈ એરપોર્ટ પર પહોંચેલા તામિલનાડૂના રહેવાસી અબ્દુલ બિલાલ નામના મુસાફરને અટકાવ્યો હતો. આ બાદ તેના સામાનની તપાસ કરતા ટ્રોલી બેગમાંથી ૧૯૩૨ ગ્રામ ગાંજાના પેકેટો મળી આવ્યા હતા.
જેની બજારમાં કિંમત રુ. ૧.૯૩ કરોડ હોવાનું જાણવા મળ્યું હતું. આ બાદ તેની પૂછપરછ કરતા આ કેસમાં અન્ય શખ્સની પણ સંડોવણી હોવાનો ખુલાસો થયો હતો. કસ્ટમ વિભાગે તેની ધરપકડ કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.